જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ આતંકવાદી વલીઉલ્લાહને કાયદાકીય મદદ પૂરી પાડવાની જાહેરાત કરી છે. તેમણે ફાંસીની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની જાહેરાત કરી છે. મદનીએ કહ્યું કે તેમને દેશની હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. તેથી તેઓ નીચલી અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. તેમણે વધુમાં કહ્યું કે એવા ઘણા કેસ છે જેમાં નીચલી અદાલતે સજા સંભળાવી હોય પરંતુ જ્યારે કેસ હાઇકોર્ટમાં જાય ત્યારે ન્યાય મળે છે.
તેમણે કહ્યું કે આનું એક મોટું ઉદાહરણ અક્ષરધામ મંદિર હુમલાનો કેસ છે, જેમાં ટ્રાયલ કોર્ટે મુફ્તી અબ્દુલ કયૂમ સહિત ત્રણ લોકોને ફાંસી આપી હતી અને ચાર લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ જ્યારે આ મામલો જમીયતની કાયદાકીય મદદથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે આ તમામ લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા, એટલું જ નહીં કોર્ટે નિર્દોષોને આતંકવાદના આરોપમાં ફસાવવા બદલ ગુજરાત પોલીસને સખત ઠપકો પણ આપ્યો હતો.
નોંધનીય છે કે ગાઝિયાબાદની વિશેષ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ સોમવારે (6 જૂન, 2022) વારાણસીના સંકટ મોચન મંદિરમાં 2006માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ માટે ગુનેગાર વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવી હતી. વલીઉલ્લાહ યુપીના ફૂલપુરનો રહેવાસી છે. જમિયત ઉલેમા-એ-હિંદ છેલ્લા 10 વર્ષથી તેને કાયદાકીય સહાય પૂરી પાડી રહી છે. હવે જમીયત દ્વારા વલીઉલ્લાહને કાયદાકીય મદદ પૂરી પાડવાની જાહેરાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, 7 માર્ચ 2006ના રોજ વારાણસીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. 2012માં બનેલી સમાજવાદી પાર્ટીની સરકારે આ કેસમાં આરોપી ‘મુસ્લિમો’ સામેના કેસને હટાવવા માટે પગલાં લીધાં હતાં. જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આરોપીઓ સામે અનેક જિલ્લાઓની કોર્ટમાં કેસ ચાલી રહ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના આ પગલાથી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર રચનારાઓને વધુ પ્રોત્સાહન મળશે. આ કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ બૉમ્બ રાખનારા વહીદુલ્લાહ અને શમીમને છોડાવવાની યોજના પણ બનાવી રહ્યા હતા.
અલ્હાબાદ હાઈકોર્ટે સપા સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે સરકાર કઈ રીતે નક્કી કરી શકે કે કોણ આતંકવાદી છે અને કોણ નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય કોર્ટનો છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું સરકાર આવા પગલાં લઈને આતંકવાદને પ્રોત્સાહન આપવા માંગે છે. આજે કેસ પાછા ખેંચાઈ રહ્યા છે અને કાલે તેમને પદ્મભૂષણ આપવામાં આવશે!
આ કેસ 16 વર્ષ જૂનો છે. જ્યારે 7 માર્ચ, 2006ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થઇ ગયાં હતાં અને 100 લોકોને ઇજા પહોંચી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સિરિયલ બ્લાસ્ટમાં પાંચ આતંકવાદીઓ સામેલ હતા. જેમાંથી એક આતંકવાદી મૌલાના ઝુબૈરને સુરક્ષાબળોએ સરહદ પર ઠાર કર્યો હતો.
વારાણસી બૉમ્બ બ્લાસ્ટ બાદ આતંકી વલીઉલ્લાહનો કેસ લડવા કોઈ વકીલ તૈયાર થયો ન હતો. જે બાદ અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર આ કેસ ગાઝિયાબાદ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.