Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅઝરબૈજાન: ISSF વર્લ્ડ કપના ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં ભારતીય શૂટર રિધમ સાંગવાનની કમાલ, મહિલાઓની...

    અઝરબૈજાન: ISSF વર્લ્ડ કપના ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં ભારતીય શૂટર રિધમ સાંગવાનની કમાલ, મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો

    રિધમ સાંગવાન ફાઈનલમાં દસ પોઈન્ટ સાથે આઠમા ક્રમે રહી હતી. આ પહેલા સાંગવાને 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    - Advertisement -

    અઝરબૈજાનના બાકુમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપના ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સર્વોચ્ચ સ્કોર બનાવીને ભારતીય શૂટર રિધમ સાંગવાને દેશને ગૌરવ આપાવ્યું છે. રિધમ સાંગવાને ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં 595 સ્કોર મેળવ્યો હતો. એ પહેલાનો હાઈએસ્ટ સ્કોર 594 હતો, જે 1994માં બલ્ગેરિયાની ડાયના ઓરગોવાએ પોતાના નામે કર્યો હતો. તો ચીનની લૂના તાઓ અને જર્મનીની ડોરીન વેનેકેમ્પે પણ ક્રમશઃ 2002 અને 2023માં આટલો જ સ્કોર મેળવ્યો હતો. જોકે, રિધમ સાંગવાન ફાઈનલમાં દસ પોઈન્ટ સાથે આઠમા ક્રમે રહી હતી. આ પહેલા સાંગવાને 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    ભારતીય શૂટર રિધમ સાંગવાને 219.1ના સ્કોર સાથે ફાઇનલમાં ગ્રીસની ઓલિમ્પિક ચેમ્પિયન અન્ના કોરાકાકી અને એથેન્સ ઓલિમ્પિક ગેમ્સ (2004)માં યુક્રેનની ગોલ્ડ મેડાલિસ્ટ ઓલેના કોસ્ટેવિચને પાછળ રાખીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. શૂટિંગના વર્લ્ડ કપમાં આ રિધમ સાંગવાનનો પ્રથમ વ્યક્તિગત સિનિયર મેડલ હતો.

    Olympics.com મુજબ ફાઇનલમાં અન્ય ભારતીય શૂટર, એશા સિંઘ, 154.8ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. 19 વર્ષીય રિધમ સાંગવાન ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 581ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પહોંચી હતી. એશા સિંઘે 579 સ્કોર સાથે આઠમા સ્થાને રહીને આઠ મહિલાઓની 24-શોટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

    - Advertisement -

    તો ભારતની ટોચની શૂટર મનુ ભાકર 60-શોટ ક્વૉલિફિકેશન સ્ટેજમાં 570ના સ્કોર સાથે 40મા સ્થાને રહી હતી. દિવ્યા ટી.એસ. 575ના સ્કોર સાથે 18મા સ્થાને રહીને ક્વૉલિફિકેશન રાઉન્ડથી આગળ નીકળી શકી ન હતી. ભારતના સરબજોત સિંઘે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 589 સ્કોર સાથે ક્વૉલિફિકેશન સ્ટેજ જીત્યો હતો. જોકે, ફાઇનલમાં તેઓ 198.9 સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યા. ઉલ્લેખનીય છે કે, સરબજોત સિંઘે માર્ચમાં ભોપાલમાં ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અર્જુન સિંહ ચીમા પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ કેટેગરીમાં 12મા સ્થાને જ્યારે શિવ નરવાલ, ઉજ્જવલ મલિક અને વરુણ તોમર અનુક્રમે 17, 41 અને 52મા સ્થાને રહ્યા.

    ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશને (ISSF) બાકુમાં શૂટિંગ વર્લ્ડ કપ માટે ટોક્યો 2020 ઓલિમ્પિક્સ ફોર્મેટ અપનાવ્યું છે. વર્તમાન ટુર્નામેન્ટમાંથી સેમી ફાઈનલ સ્ટેજ હટાવી દેવામાં આવ્યો છે. સ્પર્ધામાં માત્ર એક જ રાઉન્ડ ક્વૉલિફિકેશન હોય છે, જેમાંથી ટોપ આઠ ફાઇનલમાં જાય છે.

    બાકુ મીટ એ રાઈફલ અને પિસ્તોલ શૂટર્સ માટે ISSF વર્લ્ડ કપનો છેલ્લેથી બીજો તબક્કો છે. અંતિમ તબક્કો બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાશે અને પછી નવેમ્બરમાં કતારના દોહામાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે. ભારતે ISSF વર્લ્ડ કપ બાકુ 2023 માટે 34 સભ્યોની ટીમ ઉતારી છે. આ ઇવેન્ટ 14મી મેના રોજ સમાપ્ત થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં