Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશયહૂદીઓના નરસંહારને ઠેરવ્યો હતો વ્યાજબી, હવે ઇઝરાયેલી દૂતાવાસે સંજય રાઉત વિરુદ્ધ કરી...

    યહૂદીઓના નરસંહારને ઠેરવ્યો હતો વ્યાજબી, હવે ઇઝરાયેલી દૂતાવાસે સંજય રાઉત વિરુદ્ધ કરી ફરિયાદ: સરકારને પત્ર લખીને કહ્યું- અમારી લાગણીને ઠેસ પહોંચી

    સંજય રાઉતે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે હિટલરે યહૂદીઓને નરસંહારમાં મારી નાંખ્યા, કારણકે તેમણે આ પ્રકારનાં કૃત્યો કર્યાં હતાં. તેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદીઓના નરસંહારને ઉચિત ઠેરવ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે હિટલર દ્વારા કરવામાં આવેલા યહૂદીઓના નરસંહારને વ્યાજબી ઠેરવ્યો હતો. તેવામાં હવે આ મામલે ઇઝરાયેલે સરકારને ફરિયાદ કરી છે. તેમણે વિદેશ મંત્રાલય અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સંજય રાઉતની ‘યહૂદી વિરોધી’ પોસ્ટને લઈને ફરિયાદ કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ મામલે ઇઝરાયેલે ભારત સરકારને અપીલ કરી છે કે શિવસેના સાંસદને જાણ કરવામાં આવે કે તેમના યહૂદીઓના નરસંહારને વ્યાજબી ઠેરવવાવાળી પોસ્ટે એવા દેશને ઠેસ પહોંચાડી છે જે હંમેશા ભારત સાથે ઉભો રહ્યો છે.

    ઇઝરાયેલે સંજય રાઉતની ફરિયાદ કરી તે મામલે માહિતી આપતા પત્રકાર આદિત્ય રાજ કૌલે X પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે યહૂદી સમુદાયના નરસંહારને વ્યાજબી ઠેરવતી યહૂદી વિરોધી ટીપ્પણીઓ બદલ શિવસેના (UBT) નેતા સંજય રાઉત વિરુદ્ધ વિદેશ મંત્રાલયને કડક શબ્દોમાં એક વર્બલ નોટ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર મોકલ્યો છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ ઘટના 14 નવેમ્બર 2023ની છે. આ દિવસે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પોતાના X હેન્ડલ પર યહૂદીઓ વિરુદ્ધ હિટલરે કરેલા નરસંહારને વ્યાજબી ઠેરવતી એક પોસ્ટ કરી હતી. તેમણે X હેન્ડલ ‘આર્ટિકલ19 ઇન્ડિયા’ની એક પોસ્ટ શેર કરી હતી જેમાં સમયથી પહેલા જન્મેલા બાળકોનો એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલના સશસ્ત્ર દળોએ આ બાળકોના ઇન્ક્યૂબેટરની વીજળી કાપી નાંખી છે.

    તેવામાં સંજય રાઉતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હિટલરે યહૂદીઓને આવાં કામોના લીધે જ મારી નાંખ્યા હતા. તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, “હિટલરને યહૂદી સમુદાયથી આટલી નફરત કેમ હતી? આ હવે સમજાઈ રહ્યું છે?”

    સંજય રાઉતે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે હિટલરે યહૂદીઓને નરસંહારમાં મારી નાંખ્યા, કારણકે તેમણે આ પ્રકારનાં કૃત્યો કર્યાં હતાં. તેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદીઓના નરસંહારને ઉચિત ઠેરવ્યો હતો. હિટલરે હોલોકૉસ્ટમાં 60 લાખથી વધુ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાંખ્યા હતા. જોકે આ પોસ્ટ પર વિવાદ થતાં સંજય રાઉતે તેને ડિલીટ કરી નાંખી હતી પરંતુ ત્યાં સુધીમાં ઇઝરાયેલી અધિકારીઓએ તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો.

    ઉલ્લેખનીય છે કે આર્ટીકલ 19 ઇન્ડિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “અલ-શિફા હોસ્પિટલમાં સમય પહેલા જન્મેલા બાળકો ચીસો પડી રહ્યા છે. જે ઇન્ક્યૂબેટરમાં તેમને રાખવામાં આવ્યા હતા તેમની વિજળી ઇઝરાયેલે કાપી નાંખી છે. સશસ્ત્ર દળોએ હોસ્પિટલને ચારે બાજુથી ઘેરી લીધું છે. હોસ્પિટલની અંદર કોઈ પણ ખાદ્ય પદાર્થ, દૂધ કે પાણીની અનુમતિ નથી.” આ પોસ્ટમાં એક વિડીયો પણ હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અલ-શિફા હોસ્પિટલનો વિડીયો છે.

    તેવામાં સમાચારો સામે આવ્યા હતા કે અલ-શિફા હોસ્પિટલમાં 39 બાળકોના મૃત્યુ નથી થયા, પરંતુ તેમ કહેવામાં આવ્યું હતું કે ઓક્સિજન અને વીજળીના આભાવના કારણે તેઓ જોખમમાં છે. બીજી તરફ IDFએ શિફા હોસ્પિટલમાં ઓક્સિજન અને અન્ય મદદ આપવાની પણ તૈયારી દર્શાવી હતી જેથી તે સુનિશ્ચિત થાય કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી શકાય.

    આ મામલે ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “IDF નાગરિકો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે અંતર રાખવાની પોતાની નૈતિક જવાબદારીઓને નિભાવવા પ્રતિબદ્ધ છે. IDF ઇન્ક્યૂબેટરના હસ્તાંતરણને સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ વિશ્વસનીય મધ્યસ્થ પક્ષ સાથે કામ કરવા માટે તૈયાર છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં