Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાઆખરે ઇઝરાયેલે હિસાબ બરાબર કર્યો: ઈરાનમાં એરસ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કર્યાં સૈન્ય ઠેકાણાં,...

    આખરે ઇઝરાયેલે હિસાબ બરાબર કર્યો: ઈરાનમાં એરસ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કર્યાં સૈન્ય ઠેકાણાં, 1600 કિમી દૂર જઈને પાર પાડ્યું ઑપરેશન 

    ઈરાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઇઝરાયેલે હુમલામાં અનેક સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. જોકે રિફાઇનરીને કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહના મોતથી ઉશ્કેરાઈને ઈરાને (Iran) કરેલા હુમલા બાદ હવે ઇઝરાયેલે (Israel) વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે. શનિવારે (26 ઑક્ટોબર) મધ્ય રાત્રિએ ઇઝરાયેલી સેનાએ ઈરાન પર હુમલો (Air Strike) કરી દીધો હતો. જે બાબતની આધિકારિક પુષ્ટિ પણ કરવામાં આવી છે. 

    એક નિવેદનમાં ઇઝરાયેલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, “ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાન દ્વારા સતત કરવામાં આવતા હુમલાના જવાબરૂપે હાલ સશસ્ત્ર સેનાઓ ઈરાનમાં મિલિટરી ટાર્ગેટ્સ પર હુમલા કરી રહી છે.” આગળ કહ્યું કે, “ઈરાનની સરકાર અને તેમની સાથે સંકળાયેલાં સંગઠનો 7 ઑક્ટોબર, 2023 પછી સતત ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યાં છે અને ઈરાનની ધરતી પરથી સીધો હુમલો પણ કરવામાં આવી ચૂક્યો છે.”

    ઇઝરાયેલની સેનાએ કહ્યું કે, “વિશ્વનો કોઈ પણ સાર્વભૌમ દેશ જે કરે એ જ અમે પણ કરી રહ્યા છીએ અને જવાબ આપવાનો અમને પૂરેપૂરો અધિકાર પણ છે અને અમારી ફરજ પણ છે. ઇઝરાયેલ અને તેના નાગરિકોની રક્ષા માટે અમારે જે કાંઈ પણ કરવું પડશે તે કરીશું.”

    - Advertisement -

    IDFની પુષ્ટિ બાદ ઈરાનની રાજધાની તહેરાનની ન્યૂઝ એજન્સીએ પણ શહેરમાં અનેક ઠેકાણે બ્લાસ્ટ સંભળાયા હોવાની વાત કહી હતી. જોકે, નુકસાન કેટલું થયું છે તે હજુ જાણવા મળી શક્યું નથી. 

    મીડિયા અહેવાલો અનુસાર ઇઝરાયેલની સેના ઈરાનમાં ન્યુક્લિયર સાઈટ્સ કે પછી ઓઇલ ફેસિલિટીને ટાર્ગેટ કરી રહી નથી. NBCએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે, એર સ્ટ્રાઈક એવાં સ્થળોએ કરવામાં આવી રહી છે જ્યાંથી ઇઝરાયેલ પર ભૂતકાળમાં હુમલા કરવામાં આવ્યા હોય કે ભવિષ્યમાં થવાની સંભાવના હોય.

    ઈરાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઇઝરાયેલે હુમલામાં અનેક સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. જોકે રિફાઇનરીને કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી. 

    તાજા અહેવાલો અનુસાર ઑપરેશન પૂર્ણ કરીને ફાઇટર જેટ પરત પણ આવી ગયાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આખી રાત એર સ્ટ્રાઈક ચાલી હતી અને વિમાનોએ 1600 કિલોમીટર દૂર જઈને ઑપરેશન પાર પાડ્યું હતું. 

    હાલ ઇઝરાયેલની સેના આ હુમલામાં ઈરાનને કેટલું નુકસાન થયું તેની જાણકારી મેળવી રહી છે, જે પછીથી જાહેર કરવામાં આવશે. બીજી તરફ, હુમલામાં પગલે ઈરાને આગામી આદેશ સુધી દેશમાં તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

    ઑપરેશન પૂર્ણ થયા બાદ IDFએ જણાવ્યું હતું કે, અમે ઈરાનમાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને ઇઝરાયેલ પર તોળાતું જોખમ દૂર કર્યું છે. સાથે ચેતવણી પણ આપવામાં આવી કે ઈરાન જો હવે કશુંક કરશે તો ઇઝરાયેલ ફરી બીજા તબક્કામાં આવો જ જવાબ આપશે.

    અમેરિકાને અંતિમ ક્ષણે જાણ કરાઈ, વ્હાઇટ હાઉસે કહ્યું- હુમલામાં અમે સામેલ નહીં, પણ ઇઝરાયેલને અધિકાર 

    જાણવા મળ્યું છે કે સમગ્ર હુમલા દરમિયાન વડાપ્રધાન નેતન્યાહુ અને રક્ષામંત્રી ગેલન્ટ સતત બેઠકો કરી રહ્યા હતા અને જાણકારી મેળવી રહ્યા હતા. તેમની એક તસવીર પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં એક બંકરમાં તેઓ સેના અધિકારીઓ સાથે બેઠક કરતા જોવા મળે છે. 

    બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાની જાણકારી અમેરિકાને પણ આપવામાં આવી છે. અમેરિકાએ કહ્યું છે કે આ હુમલામાં તેમની કોઈ ભાગીદારી નથી પરંતુ સાથોસાથ ઇઝરાયેલનો પક્ષ લેતાં કહ્યું હતું કે, આ હુમલો 1 ઑક્ટોબરના રોજ ઈરાને કરેલી એર સ્ટ્રાઈકના જવાબના ભાગરૂપે કરવામાં આવ્યો છે અને તેનો ઇઝરાયેલને પૂરેપૂરો અધિકાર છે. 

    નસરલ્લાહના મોત બાદ ઈરાને કર્યો હતો હુમલો 

    અહીં ઉલ્લેખનીય છે કે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર હુમલો કરી દેનાર આતંકવાદી સંગઠન હમાસને ઈરાનનું પૂરેપૂરું સમર્થન છે. એટલું જ નહીં, ઇઝરાયેલની ઉત્તરે લેબનાન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈરાનનું જ પ્યાદું છે. જોકે, એપ્રિલ, 2024 સુધી ઈરાન ક્યારેય પોતે સંઘર્ષમાં ઉતર્યું ન હતું પરંતુ એપ્રિલમાં આ ક્રમ તૂટ્યો હતો. 

    ત્યારબાદ સપ્ટેમ્બર, 2024માં ઇઝરાયેલે હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ઠેકાણે પાડ્યા બાદ 1 ઑક્ટોબરના રોજ ઈરાને એર સ્ટ્રાઈક કરી દીધી હતી અને 200 જેટલી બેલેસ્ટિક મિસાઈલ ઇઝરાયેલ તરફ છોડી હતી. ઘણા સમયથી ચર્ચા હતી કે ઈઝરાયેલ આ હુમલાનો જવાબ આપશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં