ઇઝરાયેલ અને ગાઝા સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસ (Israel-Hamas War) વચ્ચે ચાલતું યુદ્ધ આ 7 ઑક્ટોબરે વર્ષ પૂર્ણ કરશે. હમાસે 7 ઓક્ટોબરે અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો, ત્યારબાદ યહૂદી દેશની સેનાએ એક પછી એક આ હુમલો કરનારા આતંકવાદીઓનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન, ગુરુવારે (3 ઑક્ટોબર) ઇઝરાયેલી સૈન્યએ (Israel Defence Forces) આજે એક મહત્વની જાહેરાત કરી હતી. સૈન્ય દ્વારા માહિતી આપવામાં આવી કે ત્રણ મહિના પહેલાં તેમણે કરેલી એક એરસ્ટ્રાઈકમાં ગાઝામાં હમાસ સરકારનો વડો રાહી મુશ્તાહા (Rawhi Mushtaha) અને એના સિવાયના બે આતંકીઓએ સામી ઔદેહ અને સમેહ અલ-સિરાજ માર્યા ગયા હતા.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. 3 ઓક્ટોબરના રોજ કરેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર આશરે 3 મહિના પહેલાં ગાઝામાં IDF અને ISAની એરસ્ટ્રાઈકમાં 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પોસ્ટમાં હમાસના 3 આતંકીઓનાં નામ અને હમાસમાં તેમના હોદ્દા અંગે પણ જણાવવામાં આવ્યું છે.
Approximately 3 months ago, in a joint IDF and ISA strike in Gaza, the following terrorists were eliminated:
— Israel Defense Forces (@IDF) October 3, 2024
🔴Rawhi Mushtaha, the Head of the Hamas government in Gaza
🔴Sameh al-Siraj, who held the security portfolio on Hamas' political bureau and Hamas' Labor Committee
🔴Sami… pic.twitter.com/6xpH6tOOot
IDFએ જણાવ્યા અનુસાર, ગાઝામાં હમાસ સરકારનો વડો રાહી મુશ્તહા, હમાસ પોલિટિકલ બ્યુરો અને લેબર કમિટીમાં સુરક્ષા પોર્ટફોલિયો સંભાળનાર સમેહ અલ-સિરાજ અને હમાસનો સામાન્ય સુરક્ષા મિકેનિઝમનો કમાન્ડર સામી ઔદેહ એમ કુલ 3 આતંકીઓને હુમલામાં ઠાર કરવામાં આવ્યા હતા.
પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “ઉત્તર ગાઝામાં કિલ્લેબંધી કરીને બેઠેલા અને ભૂગર્ભ કમ્પાઉન્ડમાં છુપાયેલા આતંકવાદીઓનો IAFનાં ફાઇટર જેટે ખાત્મો કરી દીધો હતો. આ કમ્પાઉન્ડનો ઉપયોગ હમાસ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કરતું હતું અને અનેક સિનિયર ઓપરેટિવ્સ લાંબા સમય સુધી તેમાં રહી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.”
આ ઉપરાંત ઇઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલાનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, “IDF ઑક્ટોબર 7ના હત્યાકાંડ માટે જવાબદાર તમામ આતંકવાદીઓને પકડી-પકડીને મારવાનું ચાલુ રાખશે અને જે કોઈ ઇઝરાયેલ કે તેના નાગરિકો સામે જોખમ ઊભું કરશે તેની આ જ હાલત કરવામાં આવશે.” જોકે, હમાસે આ આતંકવાદીઓનાં મૃત્યુની અધિકારિક જાહેરાત કરી નથી, પરંતુ અનુમાન છે કે ઘણા મહિના પહેલાં જ તેઓ માર્યા ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઇઝરાયેલના હુમલામાં હમાસના મુખ્ય આતંકીઓ માર્યા ગયા હતા. 31 જુલાઈના રોજ તેહરાનમાં હમાસ વડા ઈસ્માઈલ હનીહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ સિવાય જુલાઈમાં જ ગાઝાના દક્ષિણી વિસ્તાર ખાન યુનિસમાં થયેલા હુમલામાં હમાસનો લશ્કરી વડો મોહમ્મદ દાયફ પણ માર્યો ગયો હતો. આ ઉપરાંત 5 ઓગસ્ટના રોજ IDFએ પુષ્ટિ કરી હતી કે ગાઝા પટ્ટીમાં તેમણે હમાસના અર્થવ્યવસ્થા મંત્રી તરીકે નિયુકત અબેદ-અલ-ઝરીઈને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.