Thursday, September 12, 2024
More
    હોમપેજક્રાઈમઇસ્કોન બ્રિજ અકસ્માત બાબતે FSL રિપોર્ટમાં વધુ ખુલાસા: અકસ્માત સમયે જેગુઆરની સ્પીડ...

    ઇસ્કોન બ્રિજ અકસ્માત બાબતે FSL રિપોર્ટમાં વધુ ખુલાસા: અકસ્માત સમયે જેગુઆરની સ્પીડ 120 નહિ 145 km/hr હતી, એક મહિનામાં તથ્યએ 30 વખત ટ્રાફિક નિયમો તોડ્યા

    સોમવારે તથ્યના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગત 19 જુલાઈએ મોડી રાત્રે હચમચાવી નાખે એવો અકસ્માત થયો હતો. તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ કાર ચલાવીને 9 લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ પોલીસે આરોપી તથ્ય પટેલની ધરપકડ કરી હતી. નબીરાની નવાબીના કારણે 9 લોકોના જીવ ગયા હતા. હવે આ કેસની FSL રિપોર્ટ સામે આવતા બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

    અહેવાલો અનુસાર પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. FSL ના રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. FSL રિપોર્ટ અનુસાર જયારે તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો ત્યારે ઇસ્કોન બ્રિજ પર પૂરતી લાઈટ હતી, ગાડીમાં પણ કોઈ ખરાબી નહોતી. સાથે જ ગાડીની લાઈટ પણ એકદમ દુરસ્ત હતી તેમ પણ નોંધાયું છે.

    બીજી તરફ, ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) એ એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે આ 19 વર્ષીય આરોપી દારૂ કે અન્ય કોઈ ડ્રગ્સની અસર હેઠળ નહોતો. પોલીસ વિભાગના વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા બહાર પાડવામાં આવેલા તારણો, કોઈપણ પદાર્થ-સંબંધિત ક્ષતિની શંકાને નકારો આપે છે.

    - Advertisement -

    ટ્રાફિક એડિશનલ સીપીનું નિવેદન

    શાહીબાગમાં શહેર પોલીસ કમિશનરની ઑફિસમાં આયોજિત પત્રકાર પરિષદમાં, એડિશનલ સીપી (ટ્રાફિક), એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે તથ્યની માતા, નીલમ પટેલ અને પાંચ મિત્રો સહિત કુલ 17 સાક્ષીઓએ તેમના નિવેદનો આપ્યા છે.

    “તેઓ બધાએ બેદરકાર ડ્રાઇવિંગ માટે તેની તરફ આંગળી ચીંધી. અમે કેસની તપાસ કરવા અને પીડિતો તેમજ તથ્યના મિત્રો અને સંબંધીઓ સહિત વિવિધ લોકોના નિવેદનો રેકોર્ડ કરવા માટે વિવિધ ટીમોની રચના કરી છે,” ચૌધરીએ કહ્યું, “અમે આ કેસમાં પૂરતા પુરાવા એકત્રિત કર્યા છે અને અંદાજે બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની અપેક્ષા રાખીએ છીએ.”

    સામેલ વાહન સંબંધિત તકનીકી પાસાઓને ઉજાગર કરવા માટે, પોલીસે લંડનમાં જેગુઆરના હેડ એન્જિનિયરો સાથે વાતચીત કરી છે. “ઓટોમોબાઈલ કંપનીએ ચાલુ તપાસમાં તેના સહકાર અને સહાયનું વચન આપ્યું છે,” ચૌધરીએ ઉમેર્યું.

    અકસ્માત સમયે કોણ કોણ હતું જેગુઆરમાં

    અકસ્માત સમયે તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે.

    સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતની રાતે પણ પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.

    કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ DNA રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય પટેલ જ હતો. સાથે જ સિંધુભવન રોડ અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતોનો પણ ઉલ્લેખ કરાયો છે.

    મિત્રએ સ્પીડ બાબતે તથ્યને ચેતવ્યો હતો

    એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે, “હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.”

    એક મહિનામાં 30થી વધુ વખત ટ્રાફિક નિયમો તોડ્યા

    અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવા ખુલાસા અનુસાર આરોપી તથ્ય પટેલ પહેલાથી જ કારને સ્પીડમાં ચલાવતો હતો. છેલ્લા એક મહિનામાં તથ્યએ 25 વખત સ્પીડ લિમિટનાં નિયમ તોડ્યા હતાં. ચોંકાવનારી વાત તો એ છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત તેના નામે ચલાન કપાયું નહોતું. આ સિવાય આ જ સમયગાળામાં તેણે 5 વખત રેડ સિગ્નલ પણ તોડ્યા હતા.

    આરોપી અને વકીલે તંત્રની ભૂલ હોવાનું જણાવ્યું હતું

    ઉલ્લેખનીય છે કે આરોપીએ કહ્યું હતું કે, રાત્રે અંધારું હોવાથી આગળ કઈ દેખાયું નહોતું. આ સાથે જ આરોપીના વકીલ નિસાર વૈધે તો દોષનો ટોપલો સીધો અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો હતો. ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે કારની સ્પીડ 160 નહોતી, અંધારામાં કઈ દેખાતું નહોતું, ઉપરથી ટોળું રસ્તા પર ઊભું હતું આ સાથે જ વરસાદ પણ ચાલુ હતો. ત્યારે હવે આ અકસ્માત મામલે આવેલા FSL સહિતના રિપોર્ટમાં આરોપી અને તેના વકીલ દ્વારા અપાયેલ તમામ નિવેદનો ખોટ સાબિત થાય છે.

    નોંધનીય છે કે સોમવારે તથ્યના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં