Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ પર, પિતા પ્રજ્ઞેશ...

    ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ પર, પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ; ગુના સમયે આરોપીએ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કર્યું હતું કે કેમ તેની તપાસ કરશે પોલીસ

    કોર્ટે દલીલોને અંતે 3 દિવસ એટલે કે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગ ન કરાતાં તેને જેલ મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    અમદાવાદના ભયાનક ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે FIR દાખલ થયા બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શુક્રવારે (21 જુલાઈ, 2023) સાંજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તથ્યના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 

    કોર્ટે તથ્ય પટેલના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. કોર્ટમાં બને પક્ષે લગભગ પોણો કલાક સુધી દલીલો ચાલી હતી. તપાસ કરતા પોલીસ અધિકારીએ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, સાચી માહિતી બહાર લાવવા માટે વધુ સમયની જરૂર છે તેમજ કારના લાઈટ વિઝન અને અન્ય બાબતોની તપાસ કરવા માટે પણ સમય જોઈશે. 

    પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીની 20 જુલાઈ, 2023ના રોજ સાડા સાત વાગ્યે અટકાયત કરી હતી પરંતુ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. 6 વાગ્યે તેને ડિસ્ચાર્જ કરતાં પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને 11:25 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં માથું દુખાવાના અને ચક્કર આવવાના બહાના કાઢી સમય પસાર કર્યો હતો અને સવારના 4 વાગ્યા સુધી હોસ્પિટલમાં જ રહ્યો હતો, જેથી પૂછપરછનો સમય મળ્યો નથી. આ ઉપરાંત, અકસ્માત પહેલાં તથ્ય મિત્રો સાથે ક્યાં ગયો હતો તેમજ કારની ઝડપ કેટલી હતી, મિત્રો સાથે શું વાતચીત થઇ હતી, તેણે અગાઉ ગુનાઓ કર્યા છે કે કેમ અને કોઈ સમાધાન કર્યું છે કે કેમ- આ બધી બાબતોની પણ તપાસ જરૂરી હોય પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે દલીલોને અંતે 3 દિવસ એટલે કે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગ ન કરાતાં તેને જેલ મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    આ ઉપરાંત, પોલીસ એ પણ જાણવાના પ્રયાસ કરશે કે અકસ્માત વખતે આરોપી તથ્ય કે તેના મિત્રોએ ડ્રગ્સ કે દારૂનું સેવન કર્યું હતું કે કેમ. ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તથ્યને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આ અકસ્માત બુધવારે (19 જુલાઈ, 2023) મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બન્યો હતો. એક મહિન્દ્રા થાર કાર એક ડમ્પર સાથે અથડાતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બરાબર ત્યારે જ પૂર ઝડપે આવતી એક કાર ટોળા પર ચડી ગઈ હતી, જેના કારણે નવનાં મોત થયાં હતાં તો અનેકને ઇજા પહોંચી હતી. કાર તથ્ય પટેલ નામનો યુવાન ચલાવી રહ્યો હતો, જેની સામે બિનઈરાદાપૂર્વકની હત્યાનો ગુનો નોંધાયો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં