ઇસ્લામિક દેશ ઈરાનમાં ઘણા સમયથી ચાલતા હિજાબ વિરોધી પ્રદર્શન બાદ આખરે ત્યાંની સરકારે ઝૂકવું પડ્યું છે. અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા બાદ પણ લોકોનો આક્રોશ ઓછો ન થતાં હવે ઈરાન સરકારે દાયકાઓ જૂના હિજાબ કાયદાની સમીક્ષા કરવાના સંકેતો આપ્યા છે.
ન્યૂઝ એજન્સી AFPએ ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોન્ટાજેરીને ટાંકીને જણાવ્યું છે કે, ઈરાન સરકાર હવે હિજાબ સબંધિત કાયદામાં સુધારો કરવા માટે વિચારી રહી છે અને આ જેને લઈને સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દા પર કામ કરી રહ્યાં છે. જોકે, તેમણે કેવા પ્રકારના સુધારા કરવામાં આવશે તે વિશે ફોડ પાડ્યો ન હતો. તેમણે કહ્યું કે, બુધવારે સંસદના કલ્ચરલ કમિશન સાથે સમીક્ષા સમિતિએ બેઠક કરી હતી અને એક-બે અઠવાડિયામાં તેનાં પરિણામો જાણવા મળશે.
બીજી તરફ, ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ શનિવારે કહ્યું કે, ઈરાનનો ગણતંત્રનાત્મક અને ઇસ્લામિક પાયો બહુ મજબૂત છે, પરંતુ બંધારણને યોગ્ય રીતે લાગુ કરવા માટે જે કંઈ પણ થઇ શકે તેનો ઉપયોગ કરવામાં આવશે.
વર્ષ 1983માં યુએસના સમર્થનથી ચાલતી આવેલી રાજશાહીને ઉખાડી ફેંકવા માટે ચાલેલી ઇસ્લામિક ચળવળ બાદ ઈરાનમાં અયાતુલ્લાહ ખુમૈનીએ ગાદી સંભાળ્યા બાદ અહીં શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો અને તમામ મહિલાઓ માટે હિજાબ ફરજીયાત કરવામાં આવ્યો હતો. અહીં 9 વર્ષથી ઉપરની તમામ મહિલાઓએ ફરજિયાત હિજાબના નિયમો પાળવા પડે છે.
ઈરાનમાં હિજાબનો મુદ્દો અવારનવાર ચર્ચાતો રહ્યો હતો અને કાયમ તેને યથાવત રાખવા અને હટાવવાને લઈને ચર્ચાઓ ચાલતી રહી. પરંતુ ગત સપ્ટેમ્બરમાં 22 વર્ષીય યુવતી મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ આ મુદ્દાએ જોર પકડ્યું અને ત્યારબાદ જે થયું એ ઇરાનના ઇતિહાસનો એક ભાગ બની ગયો.
મહસા અમીનીને તહેરાનમાં પોલીસે પકડી હતી, જેનું કારણ પોલીસે એ જણાવ્યું હતું કે તેણે હિજાબ સરખી રીતે પહેર્યો ન હતો. ત્યારબાદ કસ્ટડીમાં તેને ટોર્ચર કરવામાં આવી અને ત્યારબાદ તે મૃત્યુ પામી હતી.
અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં હિજાબ વિરોધી ચળવળ શરૂ થઇ હતી અને લાખો મહિલાઓએ રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ક્યાંક આ પ્રદર્શનો હિંસામાં પણ પરિણમ્યાં હતાં. જેમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અનુસાર, પ્રદર્શનોમાં 200 કરતાં વધુ લોકો માર્યા ગયા હતા. જોકે, ઈરાન હ્યુમન રાઇટ્સ નામના NGO અનુસાર, આ આંકડો 400 કરતાં પણ વધુ છે.
બીજી તરફ, યુએન રાઇટ્સના પ્રમુખ વોલ્કર ટર્ક અનુસાર, ગત અઠવાડિયે દેશવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે ઈરાનમાં બાળકો અને મહિલાઓ સહિત 14 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.