મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટનાને લઈને મોટી કાર્યવાહી કરતા IPS મહોમ્મદ કૈસર ખાલિદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખાલિદ રેલવે સીપી હતા અને તેમણે જ ઘાટકોપર ખાતે તે હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે IPS મોહમ્મદ કૈસર ખાલિદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે DGP કાર્યાલયની મંજૂરી વિના જાતે જ હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપી દીધી હતી. અધિકારીની કામગીરીમાં વહીવટી ક્ષતિઓ અને ગેરરીતિઓ જોવા મળી છે.
મહારાષ્ટ્રના DG દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ખાલિદે માન્ય માપદંડોની અવગણના કરી હતી અને 120 x 120 સ્ક્વેર ફૂટના મોટા હોર્ડિંગને લગાવવાની મંજૂરી આપી હતી. આરોપ છે કે IPS મહોમ્મદ કૈસર ખાલિદે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
13th May Ghatkopar hoarding case | Md. Quaiser Khalid, IPS, Additional Director General of PCR, Maharashtra State suspended with immediate effect until further order in respect of administrative lapses and irregularities in sanctioning the hoarding on his own without the… pic.twitter.com/XHYmQAZC1k
— ANI (@ANI) June 25, 2024
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે IPS મહોમ્મદ કૈસર ખાલિદને તાત્કાલિક અસરથી આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હુકમ જ્યાં સુધી અમલમાં રહેશે તે સમયગાળા માટે, મોહમ્મદ કૈસર ખાલિદને ચૂકવવાપાત્ર નિર્વાહ ભથ્થું, મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાં ચૂકવવામાં આવશે, જો કે તેમણે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે કે તેઓ અન્ય કોઈ રોજગાર કે વ્યવસાય સાથે સંકળાયેલ નથી.
કૈસર ખાલિદને સસ્પેન્ડ કરવાના સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ સસ્પેન્શનનો આદેશ લાગુ રહેશે ત્યાં સુધી મુંબઈ પોલીસ મહાનિદેશકની કચેરી મહોમ્મદ કૈસર ખાલિદની ઓફીસ રહેશે. સીપીની પરવાનગી વગર તેઓ આ ઓફીસ નહીં છોડી શકે. સસ્પેન્શન દરમિયાન ખાલિદ કોઈ પણ પ્રકારની અન્ય નોકરી, વ્યવસાય કે વેપાર નહીં કરી શકે. આ શરતનું ઉલંઘન ગેરવર્તણૂક માનવામાં આવશે અને તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
શું હતી આખી ઘટના
ઉલ્લેખનીય છે કે 13 મે, 2024ના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડવાથી ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હતા અને 74 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોર્ડિંગની નીચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે NDRFની ટીમોએ રાતભર બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં એક પેટ્રોલ પંપ પર પડ્યું હતું. ઘટના સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા. આ હોર્ડિંગ લગભગ 17,040 વર્ગ ફૂટનું હતું અને તેનો ઉલ્લેખ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે કરવામાં આવ્યો હતો. BMC (Brihanmumbai Municipal Corporation) અનુસાર, તે સ્થળ પર લગાવવામાં આવેલું આ બિલબોડ ગેરકાયદેસર હતું. કોઈપણ મંજૂરી વગર તેને લગાવવામાં આવ્યું હતું.
બિલબોર્ડનું નિર્માણ કરનારી એજન્સી M/S ઇગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ BMCએ FIR નોંધાવી છે. BMCએ કહ્યું છે કે, તેમના તરફથી વધુમાં વધુ 40 x 40 વર્ગ ફૂટના આકારનું હોર્ડિંગ લગાવવાની પરમીશન આપવામાં આવે છે. જોકે, જે હોર્ડિંગ પડ્યું છે, તેનો આકાર 120 x 120 વર્ગ ફૂટ હતું. BMCએ એજન્સીને પોતાના તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક રીતે હટાવવા માટેના આદેશ આપ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મૃતક પરિવારો માટે ₹5 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઘાયલોની સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.