Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકકળાટનો પર્યાય બનતી ગુજરાત કોંગ્રેસ: નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી, જગદીશ ઠાકોરે...

    કકળાટનો પર્યાય બનતી ગુજરાત કોંગ્રેસ: નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી, જગદીશ ઠાકોરે કહ્યું- અમુકને મીડિયા થકી વાત કરવાની ટેવ પડી ગઈ છે

    તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી. તેઓ કોંગ્રેસ સાથે જ છે પરંતુ તેમની ચિંતા એ છે કે પાર્ટી મજબૂત બને અને શિસ્તતા જળવાય રહે. 

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને કકળાટ હવે નવી વાત રહી નથી. 2017 પછી પાર્ટી સતત નબળી પડતી જઈ રહી છે અને તેનું જ પરિણામ છે કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માત્ર 19 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. અનેક એવી બેઠકો પણ પાર્ટીએ ગુમાવવી પડી હતી, જ્યાં દાયકાઓથી તેમનું વર્ચસ્વ રહ્યું હતું તો અનેક મોટા નેતાઓએ પણ હાર ચાખવી પડી હતી. 

    આજે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ ખોડલધામના દર્શને આવ્યા હતા. જ્યાં પૂર્વ કોંગ્રેસી MLA લલિત વસોયા અને લલિત કરગથરા પણ તેમની સાથે જોડાયા હતા. અહીં કિરીટ પટેલ અને લલિત વસોયાએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને અન્ય બાબતોને લઈને વાતો કરીને આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હતી. 

    કિરીટ પટેલે કહ્યું કે, “બે દિવસ પહેલાં વિધાનસભામાં ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે અને કેટલાક ધારાસભ્યો નારાજ છે. આ પ્રશ્ન ઉદભવ્યો ત્યારે મેં કહ્યું હતું કે કોંગ્રેસના ઘણા હાલના ધારાસભ્યો નારાજ છે અને કારણ એ છે કે પાર્ટી ઝડપથી કોઈ નિર્ણય લેતી નથી.”

    - Advertisement -

    આગળ તેમણે જણાવ્યું, “પાટણમાં જેમણે પક્ષ માટે કામ કર્યું છે તેમને શિસ્તતા સમિતિ સામે બોલાવવામાં આવે છે અને અમે ત્રણ ધારાસભ્યોએ લખીને આપ્યું હોવા છતાં પાર્ટી વિરોધી કામ કરનાર સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. જ્યાં સુધી કોઈ પણ પાર્ટીની અંદર શિસ્ત ન હોય અને જેણે પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેની સામે ઝડપી પગલાં ન લેવાય તો પાર્ટી મજબૂત ન બને. જેથી ઝડપથી જેમણે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી છે તેમને દૂર કરવા જોઈએ અને લોકસભા ચૂંટણી અગાઉ પાર્ટી સંગઠનને મજબૂત બનાવવું જોઈએ.”

    જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી. તેઓ કોંગ્રેસ સાથે જ છે પરંતુ તેમની ચિંતા એ છે કે પાર્ટી મજબૂત બને અને શિસ્તતા જળવાય રહે. 

    પૂર્વ MLA લલિત વસોયાએ કહ્યું કે, “કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય નારાજ નથી. અમે કાર્યકર્તાનો અવાજ હાઇકમાન્ડ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીમાં શિસ્ત રહે અને તાત્કાલિક નિર્ણયો થાય, આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને તે માટેનો પ્રયાસ છે. આવનારા દિવસમાં હાઇકમાન્ડને પણ મળીશું.” 

    તેમણે કહ્યું, “એક-બે દિવસમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જે કંઈ વાત છે એ પાર્ટીના હિતમાં છે અને જે કંઈ કરીશું એ ડંકાની ચોટ પર કરીશું. પાર્ટી સામે બળવાની કોઈ વાત નથી અમે તો પાર્ટીને મજબૂત કરવા માટે નીકળ્યા છીએ.”

    અમુક મિત્રોને મીડિયા થકી વાત કરવાની ટેવ પડી ગઈ છે: જગદીશ ઠાકોર 

    બીજી તરફ આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કિરીટ પટેલનું નામ લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના અમુક નેતાઓને મીડિયા થકી વાત કરવાની ટેવ પડી ગઈ છે. 

    તેમણે કહ્યું, “કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા થકી વાત કરવાની ટેવ પડી ગઈ છે. તેવા મિત્રોને વિનંતી કરું છું કે કંઈ પણ વાત હોય તો સામે આવો. તમારા પોતાના બનાવેલા એક પ્રમુખ કિરીટભાઈને મત આપજો અને લોકસભામાં તમારે ભાજપને મત આપવો હોય તો આપજો, તેની ઉપર શિસ્તતાના પગલાંની વાત આવે ત્યારે તમે કહો છો કે અમારી સાથે જેઓ છે તેમને જ ટાર્ગેટ કરવામાં આવે છે.” 

    તેમણે ઉમેર્યું, “સામાન્ય કાર્યકરને સજા થાય અને મોટા લોકો બેફામ પાર્ટીને નુકસાન કરે એ નીતિ પણ ન ચાલવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે અને આ બાબતે મેં હાઇકમાન્ડનું ધ્યાન પણ દોર્યું છે અને માર્ગદર્શન પણ માંગ્યું છે. ઘણા પ્રશ્નો છે અને જેનો સામનો કોંગ્રેસ કરી રહી છે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં