Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ: સાતમી વખત જીત્યો એશિયા કપ, ફાઇનલમાં...

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ: સાતમી વખત જીત્યો એશિયા કપ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું 

    દેશભરમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ, મજબૂત બોલિંગ અને ફિલ્ડિંગના જોરે શ્રીલંકાને મ્હાત આપી.

    - Advertisement -

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સતત સાતમી વખત એશિયા કપ જીતી લીધો છે. ફાઇનલમાં ટીમે શ્રીલંકાએ હરાવીને ટાઇટલ જીત્યું હતું. જેની સાથે જ દેશભરમાંથી મહિલા ક્રિકેટ ટીમ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. પીએમ મોદીએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 

    T-20 ફોર્મેટની આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો શ્રીલંકા સાથે થયો હતો. ટોસ જીતીને શ્રીલંકાની ટીમે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતીય ટીમની મજબૂત બોલિંગના કારણે શ્રીલંકાની આખી ટીમ માત્ર 65 રન બનાવીને પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. 

    ભારતીય ટીમ તરફથી રેણુકા ઠાકોરની ત્રણ વિકેટ અને મજબૂત ફિલ્ડિંગના કારણે અડધી શ્રીલંકાની ટીમ 16 રન પર જ આઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ વિકેટ પર બ્રેક લાગી અને 20 ઓવર પૂર્ણ કરી, પરંતુ પૂરતા રન બની શક્યા ન હતા. રેણુકા ઠાકોરે 3 ઓવરમાં એક મેડન સાથે 5 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી તો રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહા રાણાએ 2-2 વિકેટ મેળવી હતી.

    - Advertisement -

    66 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 8.3 ઓવરમાં જ 2 વિકેટના નુકસાને સરળતાથી લક્ષ્યાંક પાર કરી લીધું હતું. 

    ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં 6 બાઉન્ડ્રરી અને 3 સિક્સની મદદથી 51 રન બનાવ્યા હતા. સ્મૃતિ છેવટ સુધી અણનમ રહી હતી. ઉપરાંત, હરમનપ્રીત કૌરે 14 બોલમાં 11 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. 

    જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરે કહ્યું કે, શ્રેય બોલર્સ અને ફિલ્ડિંગ યુનિટને આપવો જોઈએ. તેમના તરફથી આજે શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું. દરેક બોલ મહત્વનો છે, એટલે અમે નહતા ઇચ્છતા કે તેમને સરળતાથી રન મળે. તમારે વિકેટ જોઈને તે પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવવી પડે છે. અમે એ કરી બતાવ્યું અને ફિલ્ડર્સ એવા રીતે ગોઠવ્યા કે જેનાથી અમને ખૂબ મદદ મળી હતી. 

    2022ના મહિલા એશિયા કપ માટે કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ભારત, થાઈલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન- આ ચાર ક્રિકેટ ટીમ સેમી-ફાઇનલમાં પ્રવેશી હતી. સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો થાઈલેન્ડ સાથે થયો હતો, જેમાં ભારતીય ટીમે 74 રનથી જીત મેળવી હતી, જ્યારે શ્રીલંકાએ સેમી ફાઇનલમાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં