Sunday, March 8, 2026
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની નિર્મમ હત્યા: પત્ની-પુત્ર સામે જ ગળું વાઢ્યું- આરોપીની...

    અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની નિર્મમ હત્યા: પત્ની-પુત્ર સામે જ ગળું વાઢ્યું- આરોપીની ધરપકડ

    ડલાસ પોલીસે જણાવ્યું હતું કે ચંદ્રએ તેના 37 વર્ષીય કર્મચારી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને તૂટેલા વોશિંગ મશીનનો ઉપયોગ કરવાની ના પાડી. ત્યારપછી બંને વચ્ચેની દલીલ ઝડપથી વધી ગઈ.

    - Advertisement -

    અમેરિકાના ડલાસમાં ભારતીય મૂળના નાગરિકની નૃશંસ હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મૃતક ઘણા સમયથી અમેરિકન મોટેલમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તે જ મોટેલમાં તેના પરિવાર સામે તેની હત્યા કરવામાં આવી છે. આરોપીએ મૃતકનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને પછી તે માથું પકડીને લઈ જઈ રહ્યો હતો. આ ઘટનાના હૃદયદ્રાવક વિડીયો પણ સામે આવ્યા છે. અહેવાલ મુજબ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    રિપોર્ટ્સ અનુસાર, મૃતક મૂળ કર્ણાટકના છે. તેમની ઓળખ 50 વર્ષીય ચંદ્ર નાગમલ્લૈયા તરીકે થઈ છે. આ ઘટના 10 સપ્ટેમ્બરના રોજ ટેક્સાસના પૂર્વ ડલાસમાં સેમ્યુઅલ્સ બુલવાર્ડ પર ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં બની હતી. ચંદ્ર આ જ મોટેલમાં લગભગ 2-3 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમના સહકર્મી સાથે વોશિંગ મશીનના ઉપયોગને લઈને દલીલ થઈ હતી, જે પછી તેણે ચંદ્રની હત્યા કરી નાખી હતી.

    અહેવાલ અનુસાર ડલાસ પોલીસે જણાવ્યું હતું કે ચંદ્રએ તેના 37 વર્ષીય કર્મચારી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને તૂટેલા વોશિંગ મશીનનો ઉપયોગ કરવાની ના પાડી. ત્યારપછી બંને વચ્ચેની દલીલ ઝડપથી વધી ગઈ. આ જ દરમિયાન કોબોસ-માર્ટિનેઝે નાગમલ્લૈયા પર અનેક વાર છરાથી હુમલો કર્યો અને જ્યારે ચંદ્રએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે મોટેલના મુખ્ય કાર્યાલય સુધી આરોપીઓએ તેમનો પીછો કર્યો.

    - Advertisement -

    ત્યારપછી નાગમલ્લૈયાની પત્ની, પુત્ર અને અન્ય લોકોની સામે જ કોબોસ-માર્ટિનેઝે તેમનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ચંદ્રનું માથું શરીરથી અલગ થઈને પાર્કિંગમાં જઈને પડ્યું અને આરોપીએ ત્યાંથી મૃતકનું કપાયેલું માથું હાથમાં લઈને કચરાપેટીમાં ફેંકી દીધું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    હ્યુસ્ટનમાં ભારતીય હાઈ-કમિશને નાગમલ્લૈયાના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પરિવાર સાથે સંપર્કમાં છીએ અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છીએ. આરોપી ડલાસ પોલીસની કસ્ટડીમાં છે. અમે કેસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.”

    આરોપી પહેલાં પણ કરી ચૂક્યો છે ગુના

    પોલીસે ઘટનાસ્થળેથી કોબોસ-માર્ટિનેઝની ધરપકડ કરી હતી. તેની પાસેથી લોહીથી ખરડાયેલી ટી-શર્ટ, છરી, નાગમલ્લૈયાનો ફોન અને કી કાર્ડ મળી આવ્યું હતું. બાદમાં પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. કોબોસ-માર્ટિનેઝ, જે હાલમાં ઇમિગ્રેશન કસ્ટડીમાં છે, તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે તેને કેલિફોર્નિયામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ફ્લોરિડા અને હ્યુસ્ટનમાં અગાઉ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પછીથી તેને છોડી દેવાયો હતો જેની યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટએ (ICE) પુષ્ટિ કરી હતી.

    ICEએ આ હત્યાને ‘અકલ્પનીય’ ગણાવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે કોબોસ-માર્ટિનેઝને 2025ની શરૂઆતમાં એક આદેશ હેઠળ ICE કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તે મૂળ ક્યુબાનો છે. તેને છોડતી વખતે ક્યુબા માટે નિકાસી ખાલી ફ્લાઈટ્સના અભાવનો હવાલો આપવામાં આવ્યો હતો. ICEએ એવી પણ ટિપ્પણી કરી હતી કે તેનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આવો શંકાસ્પદ વ્યક્તિ મુક્ત ન થવો જોઈએ.

    હાલમાં આરોપી પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને હાલમાં તેને ડલાસ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે મોટેલમાં સર્ચ વોરંટ જારી કર્યું છે. જોકે આ ઘટનાએ ફરીથી અમેરિકામાં ભારતીયોની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં