ક્રિકેટ વર્લ્ડ કપ, 2023ને હવે વધુ સમય બાકી રહ્યો નથી. ઓક્ટોબર 2023માં યોજાનારા આ કપની યજમાની ભારત કરી રહ્યું છે. જોકે, ટૂર્નામેન્ટ કરતાં પણ વધુ ચર્ચા એક મેચની થઇ રહી છે- ભારત અને પાકિસ્તાન. અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ યોજાશે. જેને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે એક ચર્ચાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે, ભારત સામેની મેચમાં ત્યાંના મુસ્લિમો પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરશે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર રાણા નાવેદ અલ હસને એક પોડકાસ્ટમાં આ વાત કહી હતી. પાકિસ્તાની યુ-ટ્યુબર નાદિર અલી સાથેના એક પોડકાસ્ટમાં અલ હસને કહ્યું કે, મેચ ભારતમાં હોવાના કારણે તેમના સમર્થકો જ વધુ હશે પરંતુ ત્યાંના મુસ્લિમો પાકિસ્તાનને સમર્થન આપશે. તેમનું આ નિવેદન હાલ ચર્ચામાં છે.
પોડકાસ્ટના હોસ્ટ નાદિર અલીએ વર્લ્ડ કપની ચર્ચા વચ્ચે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને સવાલ કર્યો હતો અને કહ્યું કે, તેમની (નાવેદ અલ હસનની) શું ટિપ્પણી છે અને તેઓ કઈ ટીમને ફેવરેટ જોઈ રહ્યા છે. જેના જવાબમાં પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, “ભારતમાં ભારતની ટીમ રમતી હોય તો સ્વભાવિક છે કે તેઓ જ ફેવરેટ હશે. પાકિસ્તાનની ટીમ ઘણી સારી છે. મેચ સારી રહેશે. ક્રાઉડની જ્યાં સુધી વાત છે તો ત્યાં મુસ્લિમો ઘણા છે, તેમનું પણ આપણને સમર્થન મળશે.
આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા હોસ્ટે પૂછ્યું કે શું ખરેખર એમ હોય છે? જેના જવાબમાં નાવેદ અલ હસને કહ્યું કે, “બિલકુલ ભારતીય મુસ્લિમો અમને ઘણો સપોર્ટ કરે છે. હું ત્યાં બે સિરીઝ રમ્યો છું. અમદાવાદ, હૈદરાબાદ… ઘણા લોકો સમર્થન કરે છે. અમે ICL પણ રમ્યા હતા તેમાં પણ અમને ઘણો સપોર્ટ મળ્યો. ત્યાં મુસ્લિમ ક્રાઉડ ઘણો સપોર્ટ કરે છે.”
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર, 2023 (રવિવાર)ના રોજ અમદાવાદ ખાતે વર્લ્ડ કપની લીગ મેચ રમાશે. ભારતમાં કપ રમવાને લઈને પાકિસ્તાન સતત આનાકાની કરતું રહ્યું હતું પરંતુ આખરે તેમણે ઝૂકવું પડ્યું. આ પહેલાં બંને ટીમો સાત વખત વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી ચૂકી છે અને આજ સુધી ભારત હાર્યું નથી. અંતિમ વર્લ્ડ કપ 2019નો હતો, જેમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું.