T20 વિશ્વકપ વિજેતા થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે (4 જુલાઈ) વહેલી સવારે વિશેષ વિમાન મારફતે બાર્બાડોઝથી નવી દિલ્હી આવી પહોંચી હતી. જ્યાં તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ હોટેલ પહોંચ્યા હતા અને ત્યારબાદ સવારે 11 વાગ્યે તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વડાપ્રધાન સાથે ભારતીય ક્રિકેટ ટીમની મુલાકાત દરમિયાનની તસવીરો અને વિડીયો સામે આવ્યાં છે. જેમાં તમામ ખેલાડીઓ અને વડાપ્રધાન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરતા જોવા મળે છે. દરમ્યાન પીએમ મોદી સાથે તેમણે વાતચીત પણ કરી હતી, જેનાં પણ દ્રશ્યો સામે આવ્યાં છે.
#IndianCricketTeam meets Prime Minister @narendramodi at his residence, 7, Lok Kalyan Marg#T20WorldCup2024 pic.twitter.com/DdbCXR0Orf
— PIB India (@PIB_India) July 4, 2024
PM મોદી સાથે મુલાકાત દરમિયાન તમામ 15 ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના હેડ કૉચ રાહુલ દ્રવિડ અને BCCI પ્રમુખ રોજર બિન્ની તેમજ સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રાહુલ દ્રવિડ ભારતના કૉચ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે.
PM સાથેની મુલાકાત બાદ ભારતીય ટીમના ખેલાડીઓ સુધી એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ ફ્લાઇટ મારફતે મુંબઈ જશે. સાંજે મરીન ડ્રાઈવ પર આ ખેલાડીઓ વિજય સરઘસમાં જોડાશે. ત્યારબાદ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો છે. જેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત 29 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાના બાર્બાડોઝમાં યોજાયેલી T20 વિશ્વકપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમે આફ્રિકાને તેના ઘરઆંગણે હરાવીને કપ પોતાને નામ કર્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું અને ટીમ એક પણ મેચ હારી ન હતી. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાનાં 11 વર્ષ બાદ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતી હતી.