Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPM મોદીના જન્મદિવસ પર 77 વર્ષે ભારતમાં ફરી જોવા મળશે ચિત્તા: ભારતીય...

    PM મોદીના જન્મદિવસ પર 77 વર્ષે ભારતમાં ફરી જોવા મળશે ચિત્તા: ભારતીય ચિત્તા સાથે વણાયેલો ગુજરાતના રજવાડાઓનો ઇતિહાસ અને તેમની છેલ્લી તસ્વીર

    જીવિત ભારતીય ચિત્તાની એકમાત્ર તસ્વીર 1890માં બરોડા સ્ટેટના મહારાજાએ ખેંચાવી હતી. આ પહેલા કે તેની બાદમાં કોઈની પણ પાસેથી જીવિત ભારતીય ચિત્તાની કોઈ તસ્વીર મળી નથી.

    - Advertisement -

    પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આફ્રિકન ચિત્તાને ભારત લાવવા માટે ખાસ ફ્લાઈટ નામિબિયા પહોંચી ગઈ હતી અને શનિવારે, 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છૂટા મુકાયા હતા. જોકે આ ચિત્તા આફ્રિકન છે ભારતમાં 77 વર્ષ પહેલા જે વિહરતા તે ભારતીય ચિત્તા હતા.

    ભારતમાં 77 વર્ષ બાદ ચિત્તાઓનું આગમન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા છુટ્ટા મુક્યા હતા.

    નોંધનીય છે કે ગુજરાત એશિયાટિક સિંહો માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ જો ઇતિહાસના પાનાઓ ઉથલાવીએ તો ભારતીય ચિત્તાઓ સાથે પણ ગુજરાતનો ઐતિહાસિક વારસો વણાયેલો છે એમાંય ખાસ કરીને વડોદરાના મહારાજા અને ભાવનગરના રાજવી સાથે જોડાયેલ છે.

    - Advertisement -

    ગુજરાતના રજવાડાઓ સાથે વણાયેલો ચિત્તાઓનો ઇતિહાસ

    ગુજરાતના બરોડા સ્ટેટ અને ભાવનગર સ્ટેટ સાથે ભારતીય ચિત્તાઓનો ઇતિહાસ જોડાયેલો છે. દેશને આઝાદી મળી એ અગાઉ બરોડા સ્ટેટ અને ભાવનગર સ્ટેટમાં સંખ્યાબંધ પાલતું ચિત્તાઓ આ બંને રજવાડાંના મહારાજાઓ પાસે હતા. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે સ્ટેટમાં 200 જેટલા પાલતું ભારતીય ચિત્તા હતા.

    આ ચિત્તાઓનો મુખ્ય ઉપયોગ મહારાજાઓ અને તેમના આમંત્રિત મહેમાનો, ઉચ્ચ અંગ્રેજ અફસરોની શિકારીવૃત્તિને સંતોષવામાં કરવામાં આવતો હતો. આદેશ થતાં જ ચિત્તા સીધા જ કાળિયાર-હરણ પર તૂટી પડતાં અને મિનિટોમાં જ તેનો શિકાર કરી લાવતા હતા. પાલતું ચિત્તા શિકાર કરીને આવે પછી શિકારને ખાતા ન હતા. તેના પાલકને પણ યોગ્ય ઇનામ આપવાની પરંપરા હતી.

    ચિત્તા કરતા હતા મંદિરોની સુરક્ષા

    બરોડા સ્ટેટનાં સમૃદ્ધ મંદિરોના રક્ષણ માટે પણ ભારતીય ચિત્તા રાખવામાં આવતા હતા. ગુજરાતના અન્ય ઘણા મંદિરો જેમ કે સોમનાથ મંદિર, વડોદરાના બહુચરાજી મંદિર, અમરેલીના નાગનાથ મહાદેવ, નવસારીના બલ્લાળેશ્વર મંદિર, પાવાગઢ મંદિર તથા ડાકોર મંદિરમાં પણ ચિત્તા રાખવામાં આવતા હતા.

    મંદિરોના જે ચિત્તા હતા તેમને રાત્રિના સમયે છૂટા મૂકવામાં આવતા હતા. મંદિરમાં ઘૂસનાર ચોર-લૂંટારુ પર હુમલો કરવાની તેમને તાલીમ અપાઈ હતી. આ રીતે તેઓ મંદિરોની રક્ષા કરતા હતા.

    જીવિત ભારતીય ચિત્તાની એકમાત્ર તસ્વીર

    જીવિત ભારતીય ચિત્તાની એકમાત્ર તસ્વીર 1890માં બરોડા સ્ટેટના મહારાજાએ ખેંચાવી હતી. આ પહેલા કે તેની બાદમાં કોઈની પણ પાસેથી જીવિત ભારતીય ચિત્તાની કોઈ તસ્વીર મળી નથી. આ તસવીર એમ. કે. રણજિતસિંહના પુસ્તકમાંથી લેવાઈ છે અને તેમને આ તસવીર ગાયકવાડ ઓફ બરોડા સમરજિતસિંહે પોતાના પૂર્વજોના ખાસ કલેક્શનમાંથી આપી હતી.

    1890માં વડોદરાના મહારાજા સયાજીરાવની શિકારી ટુકડી સાથે ભારતીય ચિત્તાની આ છે એકમાત્ર દુર્લભ તસવીર. (તસવીર સૌજન્ય – એમ.કે. રણજિતસિંહ, સમરજિતસિંહ ગાયકવાડ ઓફ બરોડા, અ લાઈફ વિથ વાઈલ્ડલાઈફ)

    વન્યજીવના નિષ્ણાત અને વાઈલ્ડ લાઈફ એક્ટની રચના કરવામાં જેમનો સિંહફાળો છે તેવા એમ.કે. રણજિતસિંહ રાજકોટની નજીક આવેલા વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારમાંથી આવે છે. તેમણે વન્યજીવો પર કરેલું સંશોધન અને અધિકારી તરીકે બજાવેલી ફરજ હજુ પણ ફોરેસ્ટ વિભાગમાં આદર સાથે યાદ કરાય છે.

    1952માં ચિત્તા લુપ્ત થયાનું જાહેર કરાયું

    ભારતમાં 1945 સુધી ચિત્તા દેખાતા હતા પરંતુ 1952માં આધિકારિક રીતે ચિત્તા લુપ્ત થયાનું જાહેર કરાયું હતું. જે બાદ આજ સુધી ક્યારેય કોઈએ ભારતીય ચિત્તા જોયા નથી. હવે ભારતમાં આટલા વર્ષો પછી જે ચિત્ત જોવા મળશે તે પમ આફ્રિકન મૂળના છે.

    IFS અધિકારીએ વિડીયો ટ્વિટ્સની સિરીઝ દ્વારા રજૂ કર્યો ઇતિહાસ

    ટ્વીટર પર એક જાણીતા ભારતીય વન સેવા અધિકારીએ એક વીડિયોની હારમાળામાં ભારતમાં ચિત્તાઓના ઇતિહાસ, ઉપયોગ અને તેમના વિનાશ વિષે વિસ્તારમાં વાત કરી છે.

    IFS અધિકારી પરવીન કાસ્વાને પોતાની ટ્વિટ્સની સિરીઝની હારમાળામાં અનેક ઐતિહાસિક વિડીયો મુખ્ય હતા. 1939માં ફિલ્માવાયેલ એક વિડીયોમાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે ચિત્તાઓની છેલ્લી વસ્તીનો શિકાર કરવામાં આવ્યો, તેમને અપંગ બનાવવામાં આવી અને શિકારી ટોળકીઓના ઉપયોગ માટે પાળવામાં આવ્યા.

    આ હારમાળાની છેલ્લી ટ્વીટમાં તેમણે એક ફોટો મુક્યો હતો જેમાં 1947માં ભારતના છેલ્લા 3 ચિત્તાઓનો શિકાર કર્યા બાદ તેની સાથે ઉભેલા કોરિયા (છત્તીસગઢ)ના રાજા નજરે પડે છે. ફોટો સાથે તેમણે લખ્યું છે કે, “અને પછી ચિત્તાનો છેલ્લો શિકાર. 1947માં કોરિયા (છત્તીસગઢ)ના રાજા દ્વારા 3 ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો. 1952 સુધીમાં ભારત સરકારે લુપ્ત જાહેર કર્યું હતું. સ્થાનિક વસ્તી લુપ્તતા એ પ્રજાતિઓ લુપ્ત થવાનું પ્રથમ પગલું. ઘણા હવે ભારતમાં તેનો સામનો કરી રહ્યા છે. આશા છે કે આપણે તેમના પર ધ્યાન આપીશું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં