શું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ભારતીય સેનાએ ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે? આ સવાલ 22 ઓગસ્ટ 2023એ પ્રકાશિત એક મીડિયા રિપોર્ટના લીધે ઊભો થયો છે. તે રિપોર્ટ અનુસાર સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોએ નિયંત્રણ રેખા (LOC) પાર કરીને POKમાં ઘણા આંતકવાદીઓને ઠાર કર્યા છે. આતંકી લૉન્ચ પેડને પણ નષ્ટ કર્યું છે.
દૈનિક જાગરણએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 19 ઓગસ્ટની રાત્રે આ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતીય સેનાના સ્પેશ્યલ ફોર્સના 12 થી 15 કમાન્ડોએ રાજૌરીના તરકુંડી સેક્ટર અને પુંછની ભિંભર ગલીથી રાત્રે પગપાળા LOC પાર કરી હતી. POKમાં લગભગ અઢી કિલોમીટર સુધી અંદર ઘૂસીને કોટલી જિલ્લાના નકયાલમાં આંતકીઓના 4 લૉન્ચિંગ પેડ નષ્ટ કર્યા હતા. જેમાં ઓછામાં ઓછા 7 થી 8 આંતકીઓ પણ માર્યા ગયા હતા.
જોકે, સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં આ રિપોર્ટનું ખંડન કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે ભારતીય સેનાએ કોઈ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી નથી. પરંતુ ભારતે પાકિસ્તાનના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જમ્મુ-કશ્મીરના બાલાકોટ સેક્ટરમાંથી આતંકવાદીઓનું ટોળું ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સૈનિકોએ સોમવાર(21 ઓગસ્ટ)ની સવારે ખરાબ હવામાન અને ઉબડખાબડ જમીનનો ફાયદો ઉઠાવીને બાલાકોટ સેક્ટરના હમીરપુર વિસ્તારમાં બે આંતકવાદીઓને LOC પાર કરવાનો પ્રયાસ કરતાં જોયા હતા.
#BREAKING | #IndianArmy has dismissed rumours of #SurgicalStrike in #JammuAndKashmir
— Mirror Now (@MirrorNow) August 22, 2023
"A news has been published with respect to Surgical Strike. No such operation has been carried out in Rajouri – Poonch…" @adgpi @shivanipost reports pic.twitter.com/ku8qoOYWie
મંત્રાલયના નિવેદન અનુસાર, “કેટલીક ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલા ઈન્જેલિજન્ટ્સ ઈનપુટ્સથી જાણવા મળ્યું છે કે બાલાકોટ સેક્ટરમાં આંતકવાદીઓની હાજરી છે અને તે નિયંત્રણ રેખા પાર કરવાની રાહ જોઈ રહ્યા છે. આ સૂચનાઓના આધાર પર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાને ખૂબ જ સતર્ક રાખવામાં આવી હતી અને ચોક્કસ સ્થળોએ સેના ઘાત લગાવીને બેઠી હતી. આંતકવાદીઓએ જેવો ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો કે તે જ સમયે ભારતીય સેનાએ હવામાનની સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેના પર ભારે ગોળીબાર શરૂ કર્યો. જેના કારણે આંતકવાદીઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.”
નિવેદન અનુસાર, “જોરદાર અને અસરકારક ગોળીબારના પરિણામે એક આતંકવાદી નિયંત્રણ રેખા પાસેની જમીન પર જ ઠાર થઈ ગયો હતો. ત્યારબાદ, વધુ સૈનિકોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. સ્વચ્છ હવામાન અને દ્રશ્યતામાં સુધારો થયા બાદ બપોરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.”
રક્ષા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થળ તપાસ કરતી વખતે એક AK-47, પાકિસ્તાનમાં બનેલી દવાઓ, બે મેગેઝીન, 30 જીવતા કારતૂસ અને બે ગ્રેનેડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. લોહીના નિશાન અને તથ્યોને જોતાં ભારતીય સેનાના ગોળીબાર દરમિયાન ઓછામાં ઓછો એક આંતકવાદી ઠાર થવાની શક્યતા છે.