જમ્મુ-કાશ્મીરના બારામુલામાં શનિવારે (30 જુલાઈ 2022) આતંકવાદીઓ સામેના એક ઓપરેશન દરમિયાન ભારતીય સેનાનો શ્વાન ‘એક્સેલ’ વીરગતિ પામ્યો છે. એક્સેલ 29 રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતો હતો. શનિવારે તેને ગોળી વાગી ગઈ હતી, જે બાદ મૃત્યુ પામ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, એક્સેલના શરીર પર દસથી વધુ ઘા પડ્યા હતા અને ફ્રેક્ચર પણ થયું હતું. સેનામાં તેના યોગદાનને જોતાં સન્માનમાં ફોર્સ કમાન્ડર દ્વારા રવિવારે શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને સૈન્ય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
Indian Army’s dog, Axel lost its life in action after being hit by a bullet in an op in J&K while being deployed with 29 RR today. Postmortem revealed more than 10 wounds and fracture of the femur. Wreath laying ceremony scheduled for tomorrow by Kilo Force commander. pic.twitter.com/iSxZTL0yGg
— ANI (@ANI) July 30, 2022
એક્સેલ અંતિમ શ્વાસ સુધી સેનાની સેવા કરતો રહ્યો હતો. તેને આતંકવાદીઓની શોધ માટે જવાનોએ અંદર મોકલ્યો હતો. તેણે પોતાના જીવનનું બલિદાન આપીને સુરક્ષાબળોના જવાનોનો જીવ બચાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, પોલીસ અને સેનાએ વિસ્તારમાં એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ વાનીગામ ખાતે અથડામણ શરૂ થઇ હતી.
આતંકવાદીઓને શોધવા માટે સેનાના જવાનોએ સેનાના બે શ્વાન ‘બજાજ’ અને ‘એક્સેલ’ને બોડી કેમેરા પહેરાવીને ટાર્ગેટ હાઉસની અંદર મોકલ્યા હતા. એક્સેલ પહેલા રૂમમાં ગયો ત્યારે ત્યાં કોઈ જોવા મળ્યું ન હતું. પરંતુ બીજા રૂમમાં ઘૂસતાં જ આતંકવાદીઓએ તેની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ પંદરેક સેકન્ડ સુધી તેણે હિલચાલ કરી હતી અને જે બાદ ઢળી પડ્યો હતો.
ઓપરેશનમાં એક્સેલ સિવાય ત્રણ સેનાના જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા તો એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ તરફથી ટ્વિટ કરીને એક્સેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું કે, ‘30 જુલાઈના રોજ બારામુલામાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનાર સેનાના શ્વાન એક્સેલના બલિદાન અને મહાન સાહસને ચિનાર કોર્પ્સ સલામ કરે છે.’
Op Wanigambala, #Baramulla.
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) July 30, 2022
Jt op launched today.
Area cordoned & contact established.
Firefight ensued & 01 terrorist eliminated.
One Army assault dog laid down its life.
3 SF personnel sustained minor injuries.
01xAK Rifle & war like stores recovered.
Jt op over.#Kashmir pic.twitter.com/HIQTzH4aPB
સોશિયલ મીડિયા પર એક્સેલની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લોકો એક્સેલની દેશસેવાની પ્રશંસા કરી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.