Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહું આદિવાસી રાષ્ટ્રપતિને સમર્થન કરતો નથી: ઇન્ડિયા ટુડેના જનરલ મેનેજરે જાતિવાદી માનસિકતા...

  હું આદિવાસી રાષ્ટ્રપતિને સમર્થન કરતો નથી: ઇન્ડિયા ટુડેના જનરલ મેનેજરે જાતિવાદી માનસિકતા બતાવી, વિવાદ બાદ હકાલપટ્ટી

  આ ફેસબુક પોસ્ટ ઇન્દ્રનીલ ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર, તેઓ ઇન્ડિયા ટૂડે ગ્રુપમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

  - Advertisement -

  ઇન્ડિયા ટૂડે મીડિયા ગ્રુપના જનરલ મેનેજરની એક ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તેમણે નવાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી. 

  આ ફેસબુક પોસ્ટ ઇન્દ્રનીલ ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર, તેઓ ઇન્ડિયા ટૂડે ગ્રુપમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોતાની ફેસબુક પોસ્ટમાં તેમણે ચૂંટાયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે અપમાનજનક ટિપ્પણી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તેઓ આદિવાસી રાષ્ટ્રપતિને સમર્થન કરતા નથી અને કહ્યું કે અમુક પદો ‘બધા’ માટે હોતાં નથી.

  પોસ્ટમાં ઇન્દ્રનીલ ચેટર્જી લખે છે, ‘જેવી રીતે હું ગે લગ્નની વિરુદ્ધમાં છું, એ જ રીતે હું આદિવાસી રાષ્ટ્રપતિને પણ સમર્થન કરતો નથી. અમુક પદો ‘બધા’ માટે હોતાં નથી અને તેમની સાથે ગરિમા જોડાયેલી હોય છે. શું આપણે સફાઈ કામદારને દુર્ગા પૂજા કરવા દઈએ છીએ? એક હિંદુ મદ્રેસામાં ભણાવી શકે? આ બધી બાબતો બીજું કશું જ નથી પરંતુ એક રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ બનાવવા માટેનાં શાસક પક્ષનાં સામાજિક અને રાજકીય ગતકડાં છે. જેથી વિપક્ષી પાર્ટીઓને અવગણીને કાયદાઓ સરળતાથી પસાર કરી શકાય.’

  - Advertisement -

  રાષ્ટ્રપતિ પદને લઈને ચેટર્જી આગળ લખે છે કે, ‘આજે આપણે ન માત્ર રાયસીના હિલ્સની (નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિ ભવન આવેલ છે તે વિસ્તાર) ખુરશીનું અપમાન કર્યું છે, પરંતુ એપીજે અબ્દુલ કલામ, પ્રણબ મુખર્જી, એસ રાધાકૃષ્ણ, ઝાકીર હુસૈન, શંકર દયાળ શર્મા અને રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાત્માઓનું પણ અપમાન કર્યું છે.’ 

  (ફેસબુક પોસ્ટ)

  ઇન્દ્રનીલ ચેર્ટજીની આ ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ તેમણે પોતાનું અકાઉન્ટ ડીલીટ કરી દીધું છે. 

  બીજી તરફ, જાણવા મળ્યું છે કે આ પોસ્ટ વાયરલ થયા બાદ ઇન્ડિયા ટૂડેએ ઇન્દ્રનીલ ચેટર્જીને બહારનો રસ્તો દેખાડી દીધો છે. ઇન્ડિયા ટૂડે જૂથના ગ્રુપ ચીફ એઝિક્યુટિવ ઓફિસર દિનેશ ભાટિયાએ કર્મચારીઓને મોકલેલા એક ઈ-મેઈલમાં જણાવ્યું હતું કે, એક કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી વાંધાજનક પોસ્ટ કરી હતી અને આ અંગે પૂછવામાં આવતાં તેમણે ભૂલ સ્વીકારી પણ હતી. પરંતુ કંપની કોડ ઑફ કંડક્ટમાં થયેલ ઉલ્લંઘન અવગણી શકે નહીં, જેથી ગઈકાલે રાત્રે જ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

  નોંધનીય છે કે ગઈકાલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ બહુમતીથી વિજેતા બન્યાં હતાં. દ્રૌપદી મુર્મૂને 2,824 મતો મળ્યા હતા, જેનું મૂલ્ય 6,76,803 થાય છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 1877 મતો મળ્યા હતા, જેનું મૂલ્ય 3,80,177 જેટલું થાય છે. દ્રૌપદી મુર્મૂને એનડીએના પક્ષો તરફથી તો મતો મળ્યા જ, પરંતુ લોકસભામાં તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભામાં ક્રોસ વોટિંગ પણ થયું હતું, જેના કારણે દ્રૌપદી મુર્મૂને મળેલ મતોનો આંકડો વધ્યો હતો. દેશના રાજ્યોની વિધાનસભાના કુલ 120 ધારાસભ્યોએ મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત, લોકસભાના 17 સાંસદો એવા હતા, જેમણે પાર્ટી લાઈનથી વિપરીત એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો. 

  દ્રૌપદી મુર્મૂ દેશનાં પહેલાં આદિવાસી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. તેઓ ઓરિસ્સાના એક ગામમાંથી આવે છે. તેઓ અગાઉ ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂક્યાં છે. ઉપરાંત, તેઓ ઓરિસ્સા સરકારમાં મંત્રી પણ રહ્યાં છે. આગામી 25 જુલાઈએ તેઓ શપથ લેશે અને તેની સાથે જ તેઓ ભારતનાં 15મા રાષ્ટ્રપતિ બનશે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં