ભારતે સિંધુ જળ સંધિમાં સંશોધનને લઈને પાકિસ્તાનને એક નોટિસ મોકલાવી છે. સરકાર અનુસાર, પાકિસ્તાનની અમુક કાર્યવાહી અને સંધિને લઈને દર્શાવેલા વલણને લઈને તેની જોગવાઈઓ ઉપર પ્રતિકૂળ અસર થઇ છે અને જેથી તેમાં સંશોધન કરવામાં આવે તે જરૂરી છે.
India has issued notice to Pakistan for modification of the Indus Waters Treaty (IWT) of September 1960. Notice was conveyed on January 25 through respective Commissioners for Indus Waters: Sources
— ANI (@ANI) January 27, 2023
ભારતે સબંધિત કમિશનરોના માધ્યમથી 25 જાન્યુઆરીએ આ નોટિસ પાઠવી હતી. પાકિસ્તાનને આ નોટિસ 1960ની સિંધુ જળ સંધિના અનુચ્છેદ 12(3) હેઠળ મોકલવામાં આવી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે હંમેશા સિંધુ જળ સંધિને જવાબદારી પૂર્વક લાગુ કરવાના પ્રયાસો કર્યા છે પરંતુ પાકિસ્તાનની અમુક કાર્યવાહીએ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને જેના કારણે ભારતે સંશોધનની માંગ સાથે આ નોટિસ જારી કરવી પડી છે.’
ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પરસ્પર થયેલી સહમતિને આગળ ધપાવવા માટે ભારત દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છતાં પાકિસ્તાને 2017થી 2022 સુધી સ્થાયી સિંધુ કમિશનની પાંચેય બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે નવ વર્ષની વાતચીત બાદ 19 ડિસેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વર્લ્ડ બેન્ક પણ સામેલ છે. આ સમજૂતી હેઠળ બંને દેશો વચ્ચે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીની આપૂર્તિ નિયંત્રિત કરવામાં આવે છે.
સંધિ મુજબ, પૂર્વની નદીઓ સતલજ, વ્યાસ અને રાવિનું 33 મિલિયન એકર ફિટ પાણી ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનું 135 મિલિયન એકર ફિટ વાર્ષિક જળ પાકિસ્તાનને આપવામાં આવે છે.
વર્ષ 2015માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાયડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર વાંધો ઉઠાવતાં તેની તકનીકી આપત્તિઓની તપાસ માટે એક ન્યુટ્રલ એક્સપર્ટની નિયુક્તિ કરવાની માંગ કરી હતી. વર્ષ 2016માં પાકિસ્તાન પોતે જ આ માંગથી પાછળ હટી ગયું અને મામલાને મધ્યસ્થ અદાલતમાં લઇ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનનું આ એકતરફી પગલું સંધિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ત્યારબાદ ભારતે આ મામલાને ન્યુટ્રલ એક્સપર્ટ પાસે મોકલવાનો અલગથી આગ્રહ કર્યો હતો. ભારતે કહ્યું છે કે, એક જ પ્રશ્નને લઈને એકસાથે બે પ્રક્રિયા શરૂ કરવાના કારણે અસંગત કે વિરોધાભાસી પરિણામો આવવાની સંભાવના છે અને જેના કારણે અસ્થિરતા સર્જાઈ શકે છે. ભારતે એ પણ ઉલ્લેખ કર્યો છે કે વર્લ્ડ બેંકે 2016માં આ બાબતે સહમતિ દર્શાવી હતી અને એકસાથે બે સમાનાંતર પ્રક્રિયાઓ શરૂ કરવાના નિર્ણય પર રોક લગાવી હતી.
જોકે, પાકિસ્તાનના સતત થતા આગ્રહને વશ થઈને વર્લ્ડ બેંકે હાલમાં જ ન્યુટ્રલ એક્સપર્ટ અને મધ્યસ્થતા અદાલતની પ્રક્રિયાઓ શરૂ કરી છે. ભારતનું કહેવું છે કે એક જ મુદ્દા પર આ પ્રકારની સમાનાંતર વિચારણા સિંધુ જળ સંધિની કોઈ પણ જોગવાઈઓ હેઠળ આવતી નથી અને સંધિના આ પ્રકારના ઉલ્લંઘનના કારણે પાકિસ્તાનને નોટિસ પાઠવવી પડી છે.
ભારતે પાકિસ્તાનને નોટિસ પાઠવીને સિંધુ જળ સંધિના ઉલ્લંઘન પર રોક લગાવવા માટે અને વાતચીત માટે આવવા માટે 90 દિવસનો સમય આપ્યો છે.