તાજેતરમાં પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હક કાકડે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાઓમાંનો એક છે. પાકિસ્તાનના કાશ્મીરના મામલાને છેડવાની કરતૂત સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. UNમાં ભારતના પ્રથમ સચિવ પેટલ ગહલોતે પાકિસ્તાનને તેની વાસ્તવિકતાના દર્શન કરાવ્યા.
શુક્રવાર (22 સપ્ટેમ્બરે) પાકિસ્તાનના કેરટેકર PM અનવર ઉલ હક કાકડે કહ્યું હતું કે, “પાકિસ્તાન ભારત સહિત અમારા બધા પાડોશીની સાથે શાંતિપૂર્ણ સંબંધ ચાહે છે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિની ચાવી છે.” સાથે તેમણે UNમાં જમ્મુ-કાશ્મીર પર ગેરકાયદેસર કબજાનો રાગ પણ આલાપ્યો હતો. જ્યારે શનિવાર (23 સપ્ટેમ્બરે) ભારતના પ્રથમ સચિવ પેટલ ગહલોતે UNમાં પાકિસ્તાનને અરીસો દેખાડી જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતનો પાકિસ્તાનને જવાબ
પાકિસ્તાનના PMએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ UNમાં ભારતના પ્રથમ સચિવ પેટલ ગહલોતે કહ્યું કે સૌથી પહેલાં તો પાકિસ્તાન POK ખાલી કરે, જેના પર તેણે ગેરકાયદે કબજો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ પર પણ કાર્યવાહી કરે અને સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના માનવાધિકાર ઉલ્લંઘન પર રોક લગાવવામાં આવે. ભારતના પ્રથમ સચિવે પાકિસ્તાનને વળતો જવાબ આપતા સ્પષ્ટ કહ્યું કે દુનિયાના સૌથી ખરાબ માનવાધિકાર ધરાવતો દેશ પાકિસ્તાન છે.
#WATCH | First Secretary at United Nations for 2nd Committee of UNGA, Petal Gahlot says "Pakistan has become a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other… pic.twitter.com/eIyynFFa1Q
— ANI (@ANI) September 23, 2023
ભારતીય પ્રતિનિધિએ યુએનમાં કહ્યું કે, “ભારત સામે પાયાવિહોણા અને મલિન દુષ્પ્રચાર કરવા માટે આ મંચનો ઉપયોગ કરવાની પાકિસ્તાનને જૂની આદત છે. યુએનના સભ્ય દેશો અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આ બધું માનવ અધિકારોના પોતાના ખરાબ રેકોર્ડ પરથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે કરતું રહ્યું છે.” આગળ ઉમેર્યું કે, “અમે ફરી કહીએ છીએ કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. કાશ્મીર અને લદાખને લગતા મામલા પૂર્ણતયા ભારતના આંતરિક મામલા છે અને અમારા આંતરિક મુદ્દાઓ વિશે ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.”
પેટલ ગહલોતે આગળ જણાવ્યું હતું કે ખાસ કરીને જ્યારે અલ્પસંખ્યકો અને મહિલાઓના અધિકારોની વાત આવે છે ત્યારે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર આંગળી ઉઠાવવાનો સાહસ કરતાં પહેલાં પાકિસ્તાન માટે એ સારું રહેશે કે તે પોતાનું ઘર વ્યવસ્થિત કરે. તેમણે ઉમેર્યું, “તકનીકી કુતર્કની ગૂંચવણમાં સામેલ થવાને બદલે અમે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તે મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તેવી કાર્યવાહી કરે, જેના પીડિતો 15 વર્ષ પછી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.”
દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાને ત્રણ પગલાં ઉઠાવવા
પાકિસ્તાનના મનસ્વી આરોપોનો જડબાતોડ જવાબ આપતા પેટલ ગહલોતે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા પાકિસ્તાને ત્રણ પગલાં ભરવાની જરૂર છે. પ્રથમ, સરહદ પારના આતંકવાદને રોકવો અને આતંકવાદના બુનિયાદી ઢાંચા તત્કાળ બંધ કરવા. બીજું પગલું એ છે કે અવૈધ અને જબરદસ્તી કબજાવાળા ભારતીય વિસ્તારોને ખાલી કરવા. ત્રીજું પગલું એ છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ ગંભીર અને સતત થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને રોકવા.
તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું એક જીવતું ઉદાહરણ ઓગસ્ટ 2023નું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જારનવાલામાં ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ મોટાપાયે ક્રૂરતા કરવામાં આવી હતી, જ્યાં 19 લોકો માર્યા હતા. ચર્ચોને નષ્ટ કરી હતી અને 89 ઈસાઈયોના ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો ખાસ કરીને હિંદુ, શીખ અને ઈસાઈઓની મહિલાઓની સ્થિતિ દયનીય છે. પાકિસ્તાનના પોતાના માનવાધિકાર આયોગની એક રિપોર્ટ અનુસાર અલ્પસંખ્યક સમુદાયોની અંદાજિત 1,000 મહિલાઓ પાકિસ્તાનમાં દ રવર્ષે અપહરણ, બળજબરીથી થતાં ધર્મ પરિવર્તન અને નિકાહનો ભોગ બને છે.