G7 સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસેથી ભારત પરત ફર્યા છે. G7 સમિટ દરમિયાન તેમણે વિશ્વનેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી. આ દરમિયાન ટેકનોલોજી અને AI પર વિશેષ ભાર આપ્યો. G7 સમિટ બાદ તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન અને કેનેડીયન PM જસ્ટિન ટ્રૂડો સાથે પણ મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત ઘણી ચર્ચામાં રહી છે. બાયડન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બાયડનને મળીને હંમેશા આનંદ થાય છે. ભારત અને અમેરિકા વૈશ્વિક સુખાકારીને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
સમિટ બાદ તમામ સભ્ય દેશો, આમંત્રિત દેશો અને સંસ્થાઓના વડાઓનું ફોટો સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં તમામ નેતાઓએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે આ ફોટો સેશન દરમિયાન ભારતને કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું. તમામ વિશ્વનેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ઊભેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે આ ભારત માટે ગર્વની વાત છે.
With world leaders at the @G7 Summit in Italy. pic.twitter.com/83gSNhNQTs
— Narendra Modi (@narendramodi) June 14, 2024
વડાપ્રધાન મોદી G7 સમિટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન અને કેનેડિયન PM જસ્ટિન ટ્રૂડોને પણ મળ્યા હતા. છેલ્લા થોડા સમયથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં આવેલા ફેરફારને જોતાં તેમની આ મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “G7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને મળ્યા.” મિટિંગ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ઉષ્માભેર આવકારતા જોવા મળ્યા હતા. જોકે, મોદી અને ટ્રૂડો વચ્ચે શું વાતચીત થઈ છે અને કયા વિષય પર ચર્ચા થઈ છે, તે જાણી શકાયું નથી.
Met Canadian PM @JustinTrudeau at the G7 Summit. pic.twitter.com/e67ajADDWi
— Narendra Modi (@narendramodi) June 14, 2024
G7 સમિટમાં સૌથી ખાસ વાત એ હતી કે PM મોદી કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો અને અમેરિકી રાષ્ટ્રપતિ બાયડનને મળ્યા હતા. આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે, ભારતનો કેનેડા સાથે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ટ્રૂડો સાથે મુલાકાત દરમિયાન PM મોદીએ ઘણા લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. સંભવિત તેમણે ભારત-કેનેડાના સંબંધ અને કેનેડામાં આશ્રય પામેલા ખાલિસ્તાનીઓ વિશે ચર્ચા કરી હોય શકે છે.
ઇટલીની સરકાર અને જનતાનો આભાર માની રવાના થયા PM મોદી
PM મોદીએ G7 સમિટની યજમાની કરવા બદલ ઇટલીની સરકાર અને લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “અપુલીયામાં G7 શિખર સંમેલનમાં ખૂબ જ પ્રોડક્ટિવ દિવસ રહ્યો. વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી અને વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે મળીને આપણું લક્ષ્ય એવા પ્રભાવશાળી સમાધાન તૈયાર કરવાનું છે, જેનાથી વૈશ્વિક સમુદાયને ફાયદો થાય અને ભાવિ પેઢીઓ માટે એક સારી દુનિયાનું નિર્માણ થાય. હું ઇટલીના લોકો અને સરકારને ઉષ્માભેર સ્વાગત માટે ધન્યવાદ આપું છું.”
Had a very productive day at the G7 Summit in Apulia. Interacted with world leaders and discussed various subjects. Together, we aim to create impactful solutions that benefit the global community and create a better world for future generations.
— Narendra Modi (@narendramodi) June 14, 2024
I thank the people and…
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકી, ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. દરમિયાન તેમણે પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.
G7 એ અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, જાપાન, કેનેડા, જર્મની અને UK તેમજ યુરોપિયન યુનિયન- આટલા દેશોનો એક સમૂહ છે. આ તમામ એવા દેશો છે, જેઓ મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. ભારત G7નો સભ્ય દેશ નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતના વધતા જતા કદ અને સ્થાનને જોતાં છેલ્લાં 5 વર્ષથી સતત ભારતને આમંત્રિત દેશ તરીકે સામેલ કરવામાં આવે છે. ગત વર્ષે જાપાનમાં G7 સમિટ યોજાઈ હતી, જેમાં પણ ભારતને આમંત્રણ હતું અને વડા તરીકે PM મોદીએ ભાગ લીધો હતો. આ વર્ષે ઈટલી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું.