અગામી એશિયા કપની યજમાની છીનવાઈ જવાના ડરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે BCCI વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિયાંદાદે BCCIના નિર્ણય બાદ તેના પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને ભારતની કોઈ જ જરૂર નથી, ભારત દ્વારા નિયંત્રિત ક્રિકેટની પણ પાકિસ્તાનને જરૂર નથી. એટલું જ નહીં BCCIના નિર્ણયથી ઉકળી ઉઠેલા મિયાંદાદે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી
અહેવાલો અનુસાર, એશિયા કપની યજમાની હાથથી જવાના ડરે મિયાંદાદે BCCI વિરુદ્ધ બોલતા એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જો ભારત ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન ન આવવા માગતું હોય તો તે જહન્નુમમાં જાય. મેં હંમેશાં પાકિસ્તાનને ટેકો આપ્યો છે. તમે જાણો છો કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે, ત્યારે હું ભારતને બક્ષતો નથી. પરંતુ વાત એ છે કે, આપણે આપણા હિસ્સાને જોવાની જરૂર છે. આપણે તેના માટે લડવું જોઈએ. અમને કોઈ પણ બાબતની પરવા નથી કારણ કે આપણે યજમાની કરવાની છે.”
આગળ જણાવતા મિયાંદાદે કહ્યું કે, “આઈસીસીનું આ જ કામ છે. જો આઇસીસી તેના પર નિયંત્રણ ન રાખી શકે તો સંચાલક મંડળ હોવાનો કોઈ અર્થ જ નથી. તેમને દરેક ટીમમાં સમાન નિયમો લાગુ કરવાની જરૂર છે. જો આવી ટીમો ન આવે તો તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત હશે, તો પોતાના માટે હશે. અમારા માટે નહીં. ભારત હારવાના ડરથી પાકિસ્તાનનો સામનો નથી કરી રહ્યું”
મોદી ગાયબ થઈ જશે: મિયાંદાદ
મિયાંદાદે આગળ જણાવ્યું કે, “ભારત પાકિસ્તાન સામે રમવાથી ડરે છે કેમ? તેમને ખબર છે કે જો તેઓ પાકિસ્તાન સામે હારી જશે તો તેમની જનતા તેમને છોડશે નહી, નરેન્દ્ર મોદી ગાયબ થઈ જશે, એમની જનતા તેમને નહીં બક્ષે, આ કોઈ નવી વાત નથી. પાકિસ્તાનથી ભાગવું ભારતની જૂની આદત છે. હું રમતો હતો ત્યારથી તેમને ઓળખું છું.”
ભારતના ભાગેડુ દાઉદ ઈબ્રાહીમનો વેવાઈ છે મિયાંદાદ
ઉલ્લેખનીય છે કે ભારતની ક્રિકેટ ટીમ વિશે હવામાં વાત કરનાર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મિયાદાદ કદાચ તે ભૂલી ગયા છે કે વર્લ્ડ કપની છેલ્લી 13માંથી 12 મેચમાં પાકિસ્તાનનો ભારત સામે પરાજય થયો છે. આ ઉપરાંત પણ ભારતે પાકિસ્તાનને ઘણી મહત્વની મેચોમાં હરાવ્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પુત્રીનાં લગ્ન જાવેદ મિયાંદાદના દીકરા સાથે થયા છે. આ રીતે તેઓ જ આતંકી દાઉદના સગા છે.
નોંધનીય છે કે વર્ષ 2009માં લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા બસ હુમલા બાદ ઘણા વર્ષોથી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની યજમાની કરી નથી. છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની યજમાની શરૂ કરી દીધી છે પણ ભારતે હજુ સુધી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.