Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ જોડાય તેવી ચર્ચા:...

    3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ જોડાય તેવી ચર્ચા: શપથવિધિ પહેલાં ભાજપે મોટો ખેલ પાડી દીધો, આંકડો 156 કરતાં પણ વધશે?

    ગુજરાત ચૂંટણીમાં ચૂંટાયેલા ત્રણ અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધવલસિંહ ઝાલાએ આજે એક બેઠક કરી હતી અને કઈ પાર્ટીને સમર્થન આપવું તેની ચર્ચા કરી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ એક તરફ શપથવિધિની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ભાજપનો 156નો આંકડો વધી શકે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટીના વિજેતા ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચારો ચાલી રહ્યા છે તો બીજી તરફ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપી શકે તેમ જાણવા મળ્યું છે. 

    ગુજરાત ચૂંટણીમાં ચૂંટાયેલા ત્રણ અપક્ષ ધારાસભ્યો માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધવલસિંહ ઝાલાએ આજે એક બેઠક કરી હતી અને કઈ પાર્ટીને સમર્થન આપવું તેની ચર્ચા કરી હતી. આ ત્રણેયની એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ચર્ચા છે કે આ ત્રણેય ભાજપને સમર્થન આપી શકે છે. 

    આ ત્રણમાંથી બે ધારાસભ્યો માવજી દેસાઈ અને ધવલસિંહ ઝાલા ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે લડ્યા હતા. માવજી દેસાઈ ધાનેરા વિધાનસભા બેઠક પરથી તો ધવલસિંહ ઝાલા બાયડથી લડીને વિજેતા બન્યા છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી લડ્યા હતા અને જીત મેળવી હતી. 

    - Advertisement -

    ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, “મારું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જ છે. હું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ દિવસ-રાત કામ કરીને દેશની ચિંતા કરે છે ત્યારે અમે પણ તેમની સાથે સહભાગી બનીશું. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે પણ ચર્ચા કરી છે અને પરિણામના દિવસથી જ સ્પષ્ટ કર્યું હતું કે તેમનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જ રહેશે. 

    બીજી તરફ, જેમની ચર્ચા સવારથી ચાલી રહી છે એવા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તેમના ભાજપમાં જોડાવા અંગેના અહેવાલોને નકારી કાઢ્યા હતા. જોકે, ગોળગોળ વાત કરતાં તેમણે કહ્યું કે, તેઓ જનતાને પૂછીને આગામી સમયમાં શું પગલાં લેવા તે અંગે નિર્ણય કરશે. બીજી તરફ, તેમણે પોતે પહેલાં ભાજપમાં હતા અને મોદી પર તેમને ગર્વ છે તેમ પણ કહ્યું હતું. 

    અહેવાલો એમ પણ જણાવી રહ્યા છે કે ભૂપત ભાયાણી ઉપરાંત બોટાદના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના AAP ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ એક જ ધારાસભ્ય બીજી પાર્ટીમાં જોડાય તો પક્ષપલટા કાયદા અનુસાર તેમનું પદ ગુમાવવું પડશે, પરંતુ ⅔ એટલે કે 5માંથી 3 ધારાસભ્યો ભાજપમાં આવી જાય તો તેમનું સભ્યપદ યથાવત રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં