ઘરમાં ઘૂસીને વડોદરામાં જીશાનુદ્દીને હિંદુ યુવતીને અને તેના મંગેતરને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જીશાનુદ્દીન શેખ અને તેના મિત્રો બળજબરીથી તેના ઘરમાં ઘુસી ગયા હતા, અને યુવતીને ફોનમાં વાત ન કરવા બદલ તેને અને તેના મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં જીશાનુદ્દીને હિંદુ યુવતી અને તેના મંગેતરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટનામાં આરોપીના 2 મિત્રો પણ સામેલ હતા. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પીડિતા તરસાલી ખાતે તેના પરિવાર સાથે રહે છે. આશરે દોઢ વર્ષ પહેલા પીડિતા એક ખાનગી કંપનીમાં ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી, આ દરમિયાન તે જીશાનુદ્દીનના સંપર્કમાં આવી હતી. સંપર્ક થયાં બાદ બન્ને વચ્ચે અવારનવાર ફોનમાં વાત થતી રહેતી હતી, આ દરમિયાન પીડિતાના પરિવારને આ બાબતની જાણ થતાં યુવતીએ જીશાનુદ્દીન સાથેના સબંધો તોડી નાંખ્યા હતાં.
મારી સાથે વાત કેમ નથી કરતી કહીને ઘરમાં ઘુસી ગયો
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર જીશાનુદ્દીન સાથે સબંધો તોડી નાંખ્યા બાદ પણ તે તેને અવારનવાર ફોન કરીને સબંધ રાખવા દબાણ કરતો હતો. આ અરસામાં પીડિતાના પરિવારે તેની સગાઈ અમદાવાદ ખાતે કરીને તેના લગ્ન નક્કી કરી નાંખ્યા હતા. ફરીથી આરોપીએ પીડિતાને ફોન કરતા પીડિતાએ તેને પોતાની સગાઈ થઈ ગઈ હોવાનું જણાવીને ફરી ફોન ન કરવા જણાવ્યું હતું.
પીડિતાની સગાઈની વાત જાણીને જીશાનુદ્દીન ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના 2 મિત્રો ગુલામમુસ્તફા દિવાન, અને અન્ય એક સગીર યુવાનને સાથે લઈ પીડિતાના ઘરે પહોંચી ગયો હતો. પોતાના બંને મિત્રોને પીડિતાના ઘર પાસે કોઈ આવી ન જાય તેનું ધ્યાન રાખવા ઉભા રાખીને જીશાનુદ્દીન પીડિતાના ઘરમાં ઘુસી ગયો હતો, અને પીડિતાનો હાથ પકડી તેની મરજી વિરુદ્ધ બાથમાં લઈને તેને ધમકીઓ આપવા લાગ્યો હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
તે વખતે જ પીડિતાનો ભાઈ ઘરે આવી જતા તેણે પોતાના માતાપિતાને આ વિશે જાણ કરી હતી. પીડિતાના માતાપિતા ઘરે પહોંચતા જ જીશાનુદ્દીનના મિત્રોએ તેમણે રસ્તા વચ્ચે જ આંતરી ઘરે જતા અટકાવ્યાં હતા. આ દરમિયાન જીશાનુદ્દીને પીડિતાને ધમકી આપી હતી કે, “હું તારી સગાઈ તોડવી નાંખીશ અને તારા મંગેતરને જાનથી મારી નાંખીશ.” ઘટના બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ઑપઈન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.
લવ જેહાદનો એંગલ નકારી શકાય નહી: હિંદુ સંગઠનો
આ મામલો સ્થાનિક હિંદુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ પણ પીડિત પરિવારની મદદ કરવા પહોંચ્યા હતા. આ બાબતે વિશ્વ હિંદુ પરિષદ તરસાલી પ્રખંડના મંત્રી સાઈકુમાર પિલ્લાઈએ ઑપઈન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ ઘટનામાં લવ જેહાદનો એંગલ નકારી શકાય નહી, જે મુજબ આરોપીએ પીડિત યુવતીના ઘરમાં કોઈ જાતના ડર વગર ઘૂસીને ધાક-ધમકીઓ આપી તેના પરથી તેમની માનસિકતાનો અંદાજો લગાવી શકાય છે. “
તેમણે અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આરોપી પાણીગેટ વિસ્તારના એ જ મહોલ્લાનો રહેવાસી છે જ્યાંથી થોડા સમય અગાઉ રામનવમીની શોભા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.”