Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપોપકોર્ન-સમોસા લૂંટ્યા, કોલ્ડ્રિંક્સ લઈને ભાગ્યા: કોટામાં 'પઠાણ' જોવા પહોંચેલા લોકોએ ઉત્પાત મચાવ્યો,...

  પોપકોર્ન-સમોસા લૂંટ્યા, કોલ્ડ્રિંક્સ લઈને ભાગ્યા: કોટામાં ‘પઠાણ’ જોવા પહોંચેલા લોકોએ ઉત્પાત મચાવ્યો, થીએટરમાં તોડફોડ કરી

  ઘટના ધ્યાને આવતાંની સાથે જ નજીકના પોલીસ મથકેથી અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત પાડીને ઘરભેગા કરી દીધા હતા.

  - Advertisement -

  વિવાદો વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’ હવે તેના જોનારા વર્ગના કારસ્તાનથી વિવાદોમાં છે. કોઈ સો-બસો ટીકીટ ખરીદીને ગાળામાં લટકાવીને હિંદુ સંગઠનોને ગાળો દેતા ફરી રહ્યું છે તો ક્યાંક ચાલુ ફિલ્મે હોહા કરતું જોવા મળી રહ્યું છે, તેવામાં રાજસ્થાનના કોટામાં ફિલ્મ જોવા પહોંચેલા ‘પઠાણ’ ફિલ્મના પ્રશંસકોએ થીએટરમાં ધમાલ કરી નાસ્તાની રીતસર લૂંટ મચાવી હતી.

  આ ઘટનાની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, થીએટરે ક્ષમતા કરતાં વધારે ટિકિટ વહેંચી દીધી હતી જેના કારણે આ ધમાલ થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ફિલ્મના પૈસા વસૂલવા માટે સમોસા, પોપકોર્ન, ચિપ્સના પેકેટ વગેરેની લૂંટ મચાવી હતી. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો કોલ્ડ્રિંક્સ લેવા રેફ્રીજરેટર પણ તોડી નાંખ્યું હતું. મામલો એ હદે વણસ્યો કે થીએટરના સ્ટાફને બધું એમ જ છોડીને ભાગી છૂટવું પડ્યું હતું.

  ઘટના ધ્યાને આવતાંની સાથે જ નજીકના પોલીસ મથકેથી અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત પાડીને ઘરભેગા કરી દીધા હતા. બીજી તરફ, હંગામો મચાવનારાઓએ આક્ષેપ કર્યો હતો કે થીએટરની પ્રેક્ષકોની ક્ષમતા કરતાં વધુ ટિકિટ ઑફલાઇન અને ઑનલાઇન માધ્યમથી બુક કરવામાં આવી હતી. ટિકિટ હોવા છતાં થીએટરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને ના પૈસા પરત કરવામાં આવ્યા હતા. આ બાબતે દર્શકોએ સ્ટાફ સાથે દલીલો પણ કરી હતી.

  - Advertisement -

  ગુરુવારે રાત્રે થયેલા હંગામાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો ફિલ્મના સમર્થન અને વિરોધમાં પોસ્ટ લખીને આ વીડિયો વાયરલ કરી રહ્યા છે. કોટામાં ‘પઠાણ’ ફિલ્મ જોવા પહોંચેલા લોકોએ કરેલી ધમાલ મામલે એસએચઓ જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે પઠાણના હંગામાને લઈને થિયેટરના માલિકો તરફથી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. રોષે ભરાયેલા ટોળાને સમજાવ્યા બાદ રાત્રે જ વિદાય આપવામાં આવી હતી.

  ઉલ્લેખનીય છે કે યશરાજ ફિલ્મે બનાવેલી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ ગત 25 તારીખે રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ‘બેશરમ રંગ’ ગીતના કારણે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો લાગ્યા હતા. જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બીકીની પહેરીને અંગ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ ઉપરાંત આ ફિલ્મ પર ગીત ચોરી કરવાનાં આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. આ સિવાય સેન્સર બોર્ડની કાતર ફર્યા બાદ મોટા ફેરફારોના દાવા સાથે ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં