Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્યારેય હાર ન માને એ પિતા!: ઓડિશા ટ્રેન અકસ્માતમાં ભોગ બનેલા પુત્રને...

    ક્યારેય હાર ન માને એ પિતા!: ઓડિશા ટ્રેન અકસ્માતમાં ભોગ બનેલા પુત્રને શોધવા શબઘર સુધી પહોંચી ગયા, 230 કિમી સફર ખેડીને આપી નવી જિંદગી

    “અમે શબઘર પહોંચ્યા ત્યારે લાશોના ઢગલા જોયા. અમને જાતે મૃતદેહો જોવાની પરવાનગી નહોતી આપવામાં આવી. અચાનક ત્યાં કોલાહલ થઈ ગયો કારણકે, મૃતદેહો વચ્ચે એક પીડિતનો જમણો હાથ ધ્રૂજતો દેખાયો હતો. એ હાથ બિસ્વજીતનો હતો.”

    - Advertisement -

    2 જૂન, 2023નો એ કાળમુખો દિવસ હતો. હાવડાના રહેવાસી હેલારામ મલિક પોતાના દીકરા બિસ્વજીતને શાલિમાર સ્ટેશને વળાવીને ઘરે પરત ફર્યા એના કલાકો બાદ તેમને ઓડિશા ટ્રેન અકસ્માતના સમાચાર મળ્યા. ટ્રીપલ ટ્રેન અકસ્માતના સમાચારે જ્યારે આખા દેશને હચમચાવી નાખ્યો હોય ત્યારે હેલારામને એક પિતા તરીકે કેટલો આંચકો લાગ્યો હશે તે અકલ્પનીય છે. હેલારામ એ સ્વજનોમાંના એક હતા જેમની કોઈ પોતાની વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલી એ ટ્રેનમાં સવાર હોય. જોકે, હેલારામ આઘાતમાં સરીને નિરાશ થાય એવી વ્યક્તિ ન હતા. ઊલટું, આ પિતાએ તો પુત્રને મોતના મોઢામાંથી ઉગાર્યો હતો.

    હાવડાના હેલારામ મલિક એક દુકાનદાર છે. તેમનો 24 વર્ષીય પુત્ર બિસ્વજીત મલિક ઓડિશાના બાલાસોર ખાતે ટ્રેન અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતના સમાચાર સાંભળ્યા બાદ તેમણે પુત્રને ફોન કર્યો, પરંતુ સામે બિસ્વજીત અત્યંત પીડામાં હતો અને સરખો જવાબ આપી શક્યો ન હતો. એ જ ક્ષણે હેલારામે દીકરાને બચાવવાનો નિર્ણય લીધો અને સ્થાનિક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને લઈને 230 કિમીની સફર ખેડીને પુત્રને મોતના મોઢામાંથી ઉગાર્યો હતો.

    પુત્ર હોસ્પિટલમાં ન દેખાતાં પિતા શબઘર પહોંચ્યા

    બાલાસોર પહોંચીને હેલારામે સૌથી પહેલા તમામ હોસ્પિટલમાં દીકરાને શોધ્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. એ દરમિયાન તેમને કોઈક વ્યક્તિએ કહ્યું કે જો તેમનો દીકરો એકપણ હોસ્પિટલમાં ન મળે તો તેમણે બહાનાગા હાઈસ્કૂલ જવું જોઈએ. બહાનાગા હાઈસ્કૂલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શબ રાખવામાં આવ્યા હતા. હેલારામ અને તેમના સાથીઓ આ વાત માની ન શક્યા, પણ તેઓ એક આશા લઈને એ કામચલાઉ શબઘરમાં પહોંચ્યા.

    - Advertisement -

    મૃતદેહોના ઢગલા વચ્ચે મળી આવ્યો પુત્ર બિસ્વજીત

    હેલારામ સાથે હાવડાથી બાલાસોર આવેલા દિપક દાસે કહ્યું કે, “અમે શબઘર પહોંચ્યા ત્યારે લાશોના ઢગલા જોયા. અમને જાતે મૃતદેહો જોવાની પરવાનગી નહોતી આપવામાં આવી. અચાનક ત્યાં કોલાહલ થઈ ગયો કારણકે, મૃતદેહો વચ્ચે એક પીડિતનો જમણો હાથ ધ્રૂજતો દેખાયો હતો. એ હાથ બિસ્વજીતનો હતો.”

    બિસ્વજીત બેભાનાવસ્થામાં હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બિસ્વજીતને બાદમાં બાલાસોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને કેટલાક ઇન્જેક્શન આપવામાં આવ્યા. એ પછી તેને વધુ સારવાર માટે કટક મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડાયો જ્યાંથી પિતા હેલારામ તેને એમ્બ્યુલન્સમાં કોલકાતાની SSKM હોસ્પિટલ લઈ આવ્યા હતા.

    બિસ્વજીત હજુ બેહોશ છે અને તેના પગની સર્જરી કરવામાં આવી છે. તેના જમણા હાથમાં અનેક ફ્રેક્ચર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. બિસ્વજીત આઘાતના કારણે અસ્થાયીરૂપે બેભાનાવસ્થામાં છે અને મેડિકલ સારવાર મળ્યા બાદ તેને હોશ આવવાની શક્યતા છે.

    નિષ્ણાતોનું કહેવું છે કે, રેસ્ક્યુ ઓપરેશન મુખ્યત્વે નોન-મેડિકલ લોકોએ કર્યું હોવાથી જો કોઈ પીડિત બેભાન અવસ્થામાં હોય કે પ્રતિક્રિયા આપવા સક્ષમ ન હોય તો તેને ભૂલથી મૃત ગણી લેવામાં આવી હોય તેવી શક્યતા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં