Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકસાથે હજારો લોકો જમી શકશે, આગ કે વીજળી વગર બનશે રસોઈ: સાળંગપુર...

    એકસાથે હજારો લોકો જમી શકશે, આગ કે વીજળી વગર બનશે રસોઈ: સાળંગપુર હનુમાનજી મંદિરે બનેલા ભવ્ય ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, જાણીએ વિશેષતાઓ

    એકસાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે તેવા આ વિશાળ ભોજનાલયમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

    - Advertisement -

    આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે સહપરિવાર સાળંગપુર ધામમાં દર્શન પણ કર્યા હતા. ઉપરાંત, તેમણે ગઈકાલે અનાવરિત થયેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાના પણ દર્શન કર્યા.

    ઉલ્લેખનીય છે કે સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજની પંચધાતુની 54 ફૂટની વિશાળ મૂર્તિનું ગઈકાલે (5 એપ્રિલ 2023)ના રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે હનુમાન જન્મોત્સવના મહાપર્વ પર ગૃહમંત્રીએ 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગુજરાતના સહુથી મોટા અને હાઈટેક ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં જે ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું તેને 7 વીઘા જમીનમાં બનાવવામાં આવ્યું છે. તેની વિશેષતાઓ તેને અન્ય ભોજનાલયો કરતાં અલગ તારવે છે.

    શું છે ભોજનાલયની વિશેષતાઓ?

    એકસાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે તેવા આ વિશાળ ભોજનાલયમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ભોજનાલયના ભવન માટે સંતો દ્વારા ત્રણથી-ચાર ડિઝાઈન પાસ કરવામાં આવી હતી, તેમાંથી જે ડિઝાઈન સંતોને વધુ ગમી તેના પર જ આ ભોજનાલયનું વિશાળ ભવન તૈયાર થયું છે. આ ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો વાપરવામાં આવી છે અને તેમાં પણ ખાસ વાત તે છે કે આ તમામ ઈંટો પર ‘રામ’ નામ લખવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લોરિંગની અંદર 6 સ્વામિનારાયણ ધામોની પ્રસાદીની માટી ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર આ બધાં તીર્થોની માટી, અને ગંગાજીની રેતી પણ આ ફલોરિંગની અંદર પાથરવામાં આવ્યું છે અને ટાઇલ્સની અંદર પણ તે જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ ભોજનાલયમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ છે, તેની ઉપર સ્ટાફ માટે 79 રૂમ બનાવવામાં આવ્યા છે. બાકી રસોડાના પેસેજમાં વિશાળ કોઠાર રૂમો છે. જેમાં તેલ, દાળ-ઘી જેવી સીધુ-સામગ્રી રાખવામાં આવશે. આ ઉપરાંત અહીં 5000 મણ ચોખાની કેપેસીટી ધરાવતું કોલ્ડ સ્ટોરેજ પણ છે. ભવનના ત્રીજા માળે બે ડાઇનિંગ હોલ છે. જેમાં એક સાથે 8000 લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત વિશેષ ભક્તો માટે અલગથી ત્રણ ડાઇનિંગ હોલ છે. જેમાં એકમાં 500, બીજામાં 150 અને ત્રીજામાં 50 જેટલા લોકો બેસીને પ્રશાદ ગ્રહણ કરી શકે એવી વ્યવસ્થા છે.

    ભોજનાલયની હાઈટેક સુવિધાઓ

    ભોજનાલયની હાઈટેક ટેક્નોલોજી વિશે વાત કરીએ તો અહીં એ પ્રકારના તપેલાં લગાવવામાં આવ્યાં છે જ્યાં 8 હજાર માણસોના પ્રસાદ માટે એક વારમાં જ શાક, 10 હજાર લોકો માટે દાળ બની શકે છે. ઉપરાંત જે કૂકર આકારના તપેલામાં એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખીચડી માત્ર 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ શકે છે. આ તમામ સાધનોમાં કોઈ પ્રકારના અગ્નિનો ઉપયોગ નથી કરવામાં આવતો. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈના સાધનો એકસાથે ગરમ થાય છે. તૈયાર થયા બાદ તપેલાની અંદર ખાદ્યપદાર્થ 10 કલાક સુધી ગરમ અને સારો રહી શકે છે. આ વાસણોના બહારની સપાટી ઠંડી અને અંદરની સપાટી ગરમ રહે તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ સંપૂર્ણ ભવન બે વર્ષથી ઓછા સમયગાળામાં તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ પાછળ કુલ 40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આજે લોકાર્પિત થયા બાદ હવે તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં