ગીરગઢડાનો એક લવ જેહાદનો કિસ્સો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં એક પરિણીત મુસ્લિમ CRPF જવાન ધોકડવાની એક હિંદુ યુવતીને ભગાવી ગયો છે. જે બાબતે ગામના લોકોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા આખા ગામમાં આ બાબતે સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન કરાયું હતું.
અહેવાલ મુજબ આવેદનમાં ગીરગઢડાના ધોકડવાની યુવતીને અપહરણ કરી ભગાડી જનાર સોહીલને પકડી પાડી, દીકરીને તાત્કાલીક તેમના પરિવારને સોપવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેના ભાગરૂપે સમસ્ત હિંદુ સમાજ દ્વારા ધોકડવા ગામે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી.
ઉના ત્રિકોણ બાગ રાવણાવાડી ખાતે સમસ્ત હિંદુ સમાજ સહિત ઉના ગીરગઢડા તાલુકાના વિવિધ સંગઠનો, ધારાસભ્ય કે.સી રાઠોડ, ડાયાભાઇ જાલોંધરા, રામજીભાઇ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યા એકત્ર થઇ રેલી કાઢી ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકડવા ગામની દીકરી સાથે બનેલા લવ જેહાદના મુદ્દા બાબતે તાત્કાલિક મુસ્લિમ CRPF જવાન સામે ફરીયાદ નોંધી દીકરીને તેના પરિવારને સોંપવા અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.
પહેલાથી પરિણીત હતો સોહીલ
જાણકારી મુજબ ધોકડવા ગામે રહેતી પુખ્ત વયની હિંદુ દીકરીને ધોકડવા ગામના મુસ્લીમ કુટુંબના દિલાવરખા જાફરખા લીંગારીનો પરણીત પુત્ર સોહીલ દિલાવરખા લીંગારી, જે સીઆરપીએફમાં ઓડીશા ખાતે નોકરી કરે છે. તે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ધાકધમકી આપીને વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ ગયેલ છે.
પીડિત યુવતીના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે તેમની યુવતીને ભગાડી લઇ જવામાં સોહીલ દિલાવરખાનને તેના માતા-પિતા, પત્ની અને અન્ય લોકોએ મદદગારી કરેલ છે. “હિંદુની દીકરીઓને લવ જીહાદમાં ફસાવીને લવ જેહાદ દ્વારા મુસ્લીમ બનાવવાનું ભારતમાં મોટું ષડયંત્ર ચાલે છે જે ષડયંત્રના ભાગરૂપે આ હિંદુ દીકરીને પણ આ આરોપી ધાકધમકી દબાણ કરીને મુસ્લીમ બનાવી નાખશે અથવા તેને મારી નાખીને ટુકડા કરીને ફેકી દેશે તેવી દહેશત છે.” આવું પણ પરિવારનું કહેવું છે.
હિંદુ સંગઠનોની ઉગ્ર આંદોલનની ચીમકી
‘હિંદુ દીકરીને આ મુસ્લિમ આરોપી ધર્માંતર કરાવી નાખે તે પહેલાં અને તેની સાથે લગ્ન કરવા દબાણ કરે તે પહેલાં આ હિંદુ દીકરીને તેના સકંજામાંથી છોડાવીને તેના માતા-પિતાને સોપવામાં આવે. આવા કૃત્ય કરનારની તાત્કાલિક ધડપકડ કરી કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને હિંદુ સમાજને ન્યાય આપવામાં આવે’ તેવી માગ હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી.
જેથી ભવિષ્યમાં આવા અન્ય બનાવ બનતા અટકે તે માટે શિક્ષાત્મક ધોરણસરના પગલા લેવામાં આવે અને જો આ ષડયંત્ર સામે પગલાં લેવામાં ન આવે તો સમસ્ત હિંદુ સમાજ ધોકડવા અને ગીરગઢડામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
સોહીલ કોઈને કહ્યા વગર એક મહિનાની રજા લઈને નીકયો હતો
દીકરી ઘરે પાછી ન આવતા પરિવારે તેને કોલ કરતા નંબર બંધ આવતો હતો. જે બાદ કોલ ડિટેલ્સ તપાસતા ધ્યાને પડ્યું કે તે નંબર સોહીલ દીલાવરખા લીંગારીનો હતો.
બાદમાં યુવકના પિતાને બોલાવી પૂછપરછ કરી હતી અને તેમણે કહ્યું હતું કે, ‘તેને રજા મળવાની હતી પરંતુ તે આવ્યો નથી.’ તપાસ બાદ સોહીલ આશરે એક માસની રજા લઈ નિકળી ગયો હોવાનું બહાર આવ્યું હતું. તેના પિતાએ ખાતરી આપી હતી કે, “અમે તમારી પુત્રીને 24 કલાકમાં જ રજૂ કરી આપીશું.” બાદમાં આ બંનેએ ટિકિટ સુરતથી એક મિત્ર પાસેથી બૂક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને હિંદુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ વિષયમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.