ઝારખંડમાં એક હિંદુવાદી નેતાની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. રાજ્યના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ચક્રધપુરમાં ગિરિરાજ સેનાએ પ્રમુખ કમલદેવ ગિરીની બૉમ્બ મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ ભાજપના પદાધિકારીઓ સાથે મુલાકાત કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે.
આ ઘટના શનિવાર (12 નવેમ્બર 2022) સાંજની છે. કમલદેવ ગિરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળીને પરત ફરી રહ્યા હતા. અનુમાન હતું કે તેઓ ભાજપમાં જોડાવાના હતા. તેઓ મોટરસાયકલ પર તેમના સાથીદાર શંકરસિંહ સાથે ગયા હતા. જ્યાં ભવન ચૌક પાસે તેમની ઉપર બોટલ બૉમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પરત ફરતી વખતે તેઓ ભારત ભવન પાસે ઉભા હતા, જ્યાં ત્રણ યુવકો આવી પહોંચ્યા. તેમના હાથમાં બોટલ બૉમ્બ હતા. પહેલો બૉમ્બ તેમની પીઠ પર લાગ્યો, ત્યારબાદ કમલદેવ ગિરીએ શંકરસિંહને ભાગવા કહ્યું અને પોતે ગાડી ચાલુ કરવા માંડ્યા. ત્યાં જ તેમની ઉપર બીજા બે બૉમ્બ વડે હુમલો કરી દેવામાં આવ્યો.
બંને બૉમ્બ તેમને ગરદનના પાછળના ભાગે વાગ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા. જ્યાંથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા.
ઝારખંડમાં હિંદુવાદી નેતાની હત્યા અંગે સમાચાર મળતાં જ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને બજાર બંધ થઇ ગયાં હતાં. આક્રોશિત લોકોએ તેમના મૃતદેહને પવન ચોક પાસે જ રાખીને હાઇવે પણ જામ કરી દીધો હતો. થોડી જ વારમાં અઢીથી ત્રણ હજારની ભીડ એકથી થઇ ગઈ હતી અને લોકોએ ન્યાયની માંગ કરી હતી. જોકે, ત્યારબાદ સ્થળ પર પહોંચેલી પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને આંસુગેસના ગોળા છોડ્યા હતા.
અહેવાલો જણાવે છે કે, કમલદેવ ગિરીની ઓળખ હિંદુવાદી નેતા તરીકેની હતી. તેઓ ગિરિરાજ સેનાના પ્રમુખ હતી અને બાકીનાં અનેક સંગઠનો સાથે જોડાયેલા હતા. છેલ્લા થોડા દિવસોથી સમાચાર મળી રહ્યા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું વિચારી રહ્યા છે.
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં હુમલો કરનારા કોણ હતા તે જાણવા મળ્યું નથી. હાલ તપાસ ચાલી રહી છે.