Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએરક્રાફ્ટ બનાવતી કંપનીઓને બખ્ખાં કરાવતી એર ઇન્ડિયાની ઐતિહાસિક ખરીદીને વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા...

    એરક્રાફ્ટ બનાવતી કંપનીઓને બખ્ખાં કરાવતી એર ઇન્ડિયાની ઐતિહાસિક ખરીદીને વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા વધાવી લેવામાં આવી

    અમેરિકા અને યુરોપ બંને અઘોષિત મંદીનો સામનો કરી રહ્યાં છે એવામાં એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસ પાસેથી કરેલી આ મોટી ખરીદીથી આ તમામને મોટી રાહત મળી છે તેમ તેમનાં રાષ્ટ્રાધ્યક્ષોનાં જાહેર નિવેદનથી સાબિત થાય છે.

    - Advertisement -

    અગાઉ સરકારી પરંતુ હવે ખાનગી એવી ભારતની એરલાઈન એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસ પાસેથી ગઈકાલે એરક્રાફ્ટની ઐતિહાસિક ખરીદીનો ઓર્ડર આપ્યો  હતો. એર ઇન્ડિયા દ્વારા આપવામાં આ ઓર્ડરની અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા વધાવી લેવામાં આવી છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 ફેબ્રુઆરી 2023નો દિવસ ફક્ત એર ઇન્ડિયા જ નહીં પરંતુ વૈશ્વિક એવિએશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધવામાં આવશે. આ પાછળનું કારણ છે કે એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસ પાસે કુલ 470 નવાં પ્લેન્સનો રેકોર્ડ તોડ ઓર્ડર નોંધાવ્યો છે. અગાઉ 2011માં અમેરિકન એરલાઈન્સે વર્ષ 2011માં એરબસ અને બોઇંગ પાસેથી 460 એરક્રાફ્ટનો ઓર્ડર નોંધાવ્યો હતો તે એક વર્લ્ડ રેકોર્ડ હતો.

    એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસ પાસે માંગેલા એરક્રાફ્ટની વિગતો

    - Advertisement -

    એરબસ A320/321 નિયો – 210, બોઇંગ 737 મેક્સ – 190, એરબસ A350 – 40, બોઇંગ 787 – 20 અને બોઇંગ 777-9s – 10 એમ કુલ 470 એરક્રાફ્ટનો ઓર્ડર એર ઇન્ડિયાએ આપ્યો છે. આમાંથી 31 એરક્રાફ્ટ આ વર્ષનાં અંત સુધીમાં એર ઇન્ડિયાનાં કાફલામાં જોડાઈ જશે જ્યારે બાકીનાં સમયાંતરે જોડાતાં જશે.

    હાલમાં એર ઇન્ડિયા તેમજ તેનાં ગ્રુપ પાસે કુલ 220 એરક્રાફ્ટ છે જેની સામે તેનાં હરીફ એવા ઈન્ડીગો પાસે 300 એરક્રાફ્ટ છે. ઉપર જણાવેલી મોટી ખરીદી ઉપરાંત એર ઇન્ડિયા એરબસ અને બોઇંગ પાસેથી 25 એરક્રાફ્ટ લિઝ પર પણ લેવાનું છે.

    અહીં એ નોંધનીય છે કે પ્રવાસી એરક્રાફ્ટ બનાવતી બોઇંગ એ એક અમેરિકન ખાનગી ઉત્પાદક છે, જ્યારે એરબસનું ઉત્પાદન વિવિધ યુરોપિયન દેશો જેવાં કે ફ્રાન્સ, જર્મની અને યુકે ઉપરાંત અમેરિકા, ચીન અને કેનેડામાં થાય છે. આમ એર ઇન્ડિયાનો આ મોટો ઓર્ડર વૈશ્વિક એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી માટે મોટી રાહત સમાન છે. વૈશ્વિક મંદીનાં ભણકારા વચ્ચે વિશ્વનાં ત્રણ મોટાં રાષ્ટ્રોને જાણેકે એર ઇન્ડિયાએ આ ઓર્ડર દ્વારા રાહત આપી હોય એ રીતે ત્રણ રાષ્ટ્રાધ્યક્ષ દ્વારા આ ઓર્ડરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનાં લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ખરીદી છે જેનાંથી અમેરિકાનાં 44 રાજ્યોનાં લગભગ દસ લાખ લોકોને રોજગારી મળશે.

    યુકેમાં એરબસની પાંખો અને એન્જીન ઉત્પાદિત થાય છે આથી અહીંના વડાપ્રધાન ઋષિ સુનકે આ ડીલને યુકેના એરોસ્પેસ સેક્ટરની મોટી જીત ગણાવી છે.

    ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ એર બસ અને ટાટા સન્સ વચ્ચેનાં કરારને ભારત અને ફ્રાન્સ વચ્ચેની રણનીતિક ભાગીદારીનો વિજય ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

    યુક્રેન અને રશિયા વચ્ચેન સતત ચાલી રહેલાં યુદ્ધને લીધે અમેરિકા અને યુરોપ બંને અઘોષિત મંદીનો સામનો કરી રહ્યાં છે એવામાં એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસ પાસેથી કરેલી આ મોટી ખરીદીથી આ તમામને મોટી રાહત મળી છે તેમ તેમનાં રાષ્ટ્રાધ્યક્ષોનાં જાહેર નિવેદનથી સાબિત થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં