સુરતમાં એક જૈન દેરાસર નજીક કપાયેલી હાલતમાં એક પશુનું માથું મળી આવતાં ચકચાર મચી છે અને કાર્યવાહીની માંગ થઈ રહી છે. પોલીસે હાલ પશુ માંસ FSL ખાતે મોકલી આપ્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, વડોદરાના સૂરસાગર તળાવમાંથી પણ એક પશુ માંસનો ટુકડો મળી આવ્યો છે.
આ મામલો સુરતના પાલ વિસ્તારમાં આવેલી મણિભદ્ર રેસિડેન્સી પાસેનો છે. અહીં નજીકમાં જ દેરાસર આવેલાં છે અને જૈનોની સારી એવી વસતી અહીં વસવાટ કરે છે. બુધવારે (19 જૂન) સવારે અહીં જાહેરમાં એક પશુનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. ત્યારબાદ જૈન સમાજના મહારાજો, અગ્રણીઓ અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
જૈન સાધુએ કહ્યું કે, “પાલમાં જ્યાં મોટી સંખ્યામાં હિંદુઓ-જૈનો રહે છે ત્યાં આ રીતે ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક દુષ્ટ કાર્ય છે. કોઇ વર્ગને ભડકાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. જે કોઇ પણ રીતે સાંખી લેવાય એમ નથી. વહેલી તકે આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવું સરકાર અને પ્રશાસનને સૂચન કરો. આ કોઇ પણ રીતે સહન થાય એમ નથી.”
આ સિવાય અન્ય સાધુઓ અને જૈન સમાજના અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરનારાઓને શોધી કાઢીને કડકમાં કડક સજા કરવા માટે પોલીસને અપીલ કરી હતી. સાધુઓએ કહ્યું કે, અહિંસામાં માનનારો જૈન-હિંદુ સમુદાય જ્યાં રહેતો હોય ત્યાં આ રીતે જાહેરમાં ગાય કે ભેંસનું ગળું કાપીને મૂકવાની શું જરૂર છે તે અમને સમજાતું નથી. આ જાણીજોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રશાસન સક્રિય છે અને અધિકારીઓ અમને ખૂબ સારી રીતે સહયોગ આપી રહ્યા છે. અમારી એટલી જ માંગ છે કે જેણે આ દુષ્કૃત્યને અંજામ આપ્યો હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે.
ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સવારે એક ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે સ્થળ પર પહોંચીને જોતાં પ્રાણીના માથાનો ભાગ મળી આવ્યો હતો. ત્યારબાદ FSL અધિકારીને બોલાવવામાં આવ્યા, જેમણે સેમ્પલ લીધાં છે. તેની તપાસ કરતાં તે કયા પ્રાણીનું અંગ છે તે જાણી શકાશે. બીજી તરફ, વેટરનરી ડોકટરને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે પણ સેમ્પલ મેળવ્યાં છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
વડોદરામાં સૂરસાગર તળાવમાંથી મળી આવ્યું પશુઅંગ
વડોદરાના સુપ્રસિદ્ધ સૂરસાગર તળાવમાંથી બુધવારે (19 જૂન) એક પશુમાંસનો ટુકડો મળી આવ્યો હતો, જે ગાયનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણ થતાં જ હિંદુ સંગઠનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
Animal Bits Found in Sursagar Lake, Stirring Religious Sentiments:
— Our Vadodara (@ourvadodara) June 19, 2024
In Vadodara's Sursagar lake, Hasmukhbhai Parmar discovered an animal's severed leg, causing outrage among locals. Parmar condemned the act and called for action against those responsible. Authorities are urged to… pic.twitter.com/Z6OwPONXzJ
વડોદરા બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું કે, પશુમાંસનો ટુકડો ગૌમાંસ હોય તેમ જણાય રહ્યું છે. આ વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. અમારી એટલી જ માંગ છે કે જે કોઇ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોય તેને શોધી કાઢીને પકડી લેવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધવું જોઈએ કે સૂરસાગર તળાવની મધ્યમાં ભગવાન શિવજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
બીજી તરફ, પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને સેમ્પલ FSL પાસે મોકલી આપ્યાં છે. FSL તપાસ બાદ જાણી શકાશે કે ટુકડો ગૌમાંસ છે કે કેમ. હાલ આગળની તપાસ ચાલી રહી છે.