હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલની (Israel) સેના એક પછી એક દુશ્મનોનું કામ તમામ કરી રહી છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી IDFએ હમાસના (Hamas) અનેક આતંકી કમાન્ડરને ઠેકાણે પાડી દીધા છે. તાજેતરમાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીહને પણ ઈરાનના તહેરાનમાં ઠાર કરી દેવામાં આવ્યો. હવે જાણવા મળ્યું છે કે હમાસનો મિલિટરી ચીફ મોહમ્મદ દાયફ પણ માર્યો ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે આ બાબતની પુષ્ટિ કરી છે.
ઇઝરાયેલ સૈન્યએ ગુરુવારે જણાવ્યું કે ગત મહિને ગાઝાના દક્ષિણી વિસ્તાર ખાન યુનિસમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં હમાસનો લશ્કરી વડો મોહમ્મદ દાયફ (Mohmmad Deif) પણ માર્યો ગયો હતો. બુધવારે (31 જુલાઇ) તેહરાનમાં હમાસ વડા ઈસ્માઈલ હનીહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, તેના એક દિવસ પછી ઇઝરાયેલી સેનાએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા મહિને તેના હુમલામાં મોહમ્મદ દાયફ પણ માર્યો ગયો હતો.
ઈઝરાયેલ આર્મીએ જણાવ્યું હતું કે “13 જુલાઈ, 2024ના રોજ IDFનું એક ફાઇટર જેટ ખાન યુનિસ વિસ્તારમાં ત્રાટક્યું હતું. ગુપ્ત તપાસ બાદ એ બાબતની પુષ્ટિ થઈ છે કે હમાસ આતંકી મોહમ્મદ દાયફ આ એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો છે.” એક X પર પણ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું, ‘હવે અમે પુષ્ટિ કરી શકીએ તેમ છીએ: મોહમ્મદ દાયફ માર્યો ગયો છે.’
હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય વિભાગે 13 જુલાઈની ઈઝરાયેલ દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાબતે જણાવ્યું હતું કે તેમાં 90થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા. જોકે ત્યારે મૃત્યુ પામેલાઓમાં દાયફનો હોવાનો ઇનકાર કર્યો હતો. હવે ઇઝરાયેલની પુષ્ટિ બાદ હમાસ તરફથી કોઇ નિવેદન આવ્યું હોવાનું જાણવા મળ્યું નથી.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
મોહમ્મદ દાયફ એ આતંકવાદીઓમાં સામેલ હતો, જેમણે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા ભીષણ અને ઘાતકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ હુમલામાં અનેક નિર્દોષ ઇઝરાયેલી માર્યા ગયા હતા અને અનેકને આતંકવાદીઓએ બંધક બનાવી લીધા હતા. આ હુમલાને આજે 300 દિવસ પૂર્ણ થયા છે. હજુ પણ ગાઝામાં ઇઝરાયેલની સેના ઑપરેશન ચલાવી જ રહી છે. યુદ્ધની શરૂઆતમાં IDFએ ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવા માટે ત્યાંના નાગરિકોને દક્ષિણ તરફ ચાલ્યા જવા માટે કહ્યું હતું, જેથી હાલ મોટાભાગની વસ્તી ગાઝાની દક્ષિણમાં જ રહે છે.
દાયફ હમાસમાં મિલિટરી ચીફ હતો, જેથી આખા સંગઠન પર સારી એવી પકડ હતી અને આતંકવાદીઓને તૈયાર કરીને ઇઝરાયેલ મોકલતો હતો. IDF અનુસાર, તે ગાઝામાં હમાસના વડા યાહ્યા સિનવાર સાથે મળીને કામ કરતો હતો અને છેલ્લાં થોડાં વર્ષોમાં તેણે ઇઝરાયેલ સામે અનેક હુમલા કર્યા છે.
દાયફનો જન્મ 1965માં ગાઝાના એક શરણાર્થી કેમ્પમાં થયો હતો. 1987માં હમાસની રચના પછી તે આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. પછીથી હમાસે જેમ-જેમ ગાઝા પર પકડ જમાવી તેમ તેણે સંગઠનમાં જમાવી હતી. હાલ તે હમાસની મિલિટરી વિંગનો વડો હતો. હમાસ તેને ‘મિલિટરી’ નામ આપે છે પણ વાસ્તવમાં તેમાં ઉપરથી નીચે સુધી તમામ ઇસ્લામી આતંકવાદીઓની જ ભરતી કરવામાં આવે છે. ઇઝરાયેલના ‘મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓ’ની યાદીમાં તેનું નામ મોખરે હતું. એટલું જ નહીં, અમેરિકાએ પણ 2015માં તેને આતંકવાદી ઘોષિત કર્યો હતો.
નોંધવું જોઈએ કે તાજેતરમાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીહના મૃત્યુ બાદ ચર્ચા ચાલતી હતી કે હવે ગાઝામાં સક્રિય અમુક આતંકવાદીઓનું સંગઠનમાં ‘કદ’ વધશે. જેમાં એક નામ મોહમ્મદ દાયફનું પણ હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે તેનું કામ હનીહ પહેલાં જ તમામ થઈ ગયું હતું.