Friday, November 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈસ્લામિક 'હલાલ ઉત્પાદનો' બિન મુસ્લિમો પર થોપવું કેટલું યોગ્ય? જાણો હલાલ અર્થતંત્ર...

    ઈસ્લામિક ‘હલાલ ઉત્પાદનો’ બિન મુસ્લિમો પર થોપવું કેટલું યોગ્ય? જાણો હલાલ અર્થતંત્ર બાબતે

    હલાલ ફૂડ એ શાકાહારી અને માંસાહારી ખોરાકની જેમ જ એક ખોરાક પસંદ કરવાનો વિકલ્પ છે તેમ લેફ્ટ-લિબરલ લોકોને ઠસાવી રહ્યાં છે, પરંતુ વાત ખરેખર એવી નથી. હલાલ ફૂડ એ બિનઇસ્લામી માંસાહારી વ્યક્તિઓ પર ઠોકી બેસાડવામાં આવેલી એક પદ્ધતિ છે.

    - Advertisement -

    હાલના સમયમાં કર્ણાટક રાજ્ય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. પહેલાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજોમાં યુનિફોર્મને સ્થાને હિજાબ પહેરવા મામલે આખા દેશમાં વિવાદ ચગ્યો હતો તો હવે કર્ણાટકમાંજ હલાલ માંસ મુદ્દે હિંદુ સંગઠનો મેદાને પડ્યા છે અને આવા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે.

    હલાલ ઉત્પાદનો અને તેની પ્રક્રિયા અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. ડાબેરી ઇકોસિસ્ટમના પ્રભાવમાં આવીને કેટલાક દાવો કરે છે કે જેમ લોકો શાકાહાર અને માંસાહાર વચ્ચે પસંદગી કરે છે તેમ હલાલ પ્રોડક્ટ કે હલાલ માંસ પણ એક પસંદગી છે. ઘણીવખત ડાબેરી મીડિયા સંસ્થાનો દ્વારા હિંદુઓ અને હલાલપ્રથાનો વિરોધ કરનારાઓને ધાર્મિક કટ્ટર ગણાવીને હલાલને કાયદેસર અને યોગ્ય ઠેરવવાના પ્રયાસો પણ થતા આવ્યા છે. ક્યારેક હલાલ મુદ્દે ચર્ચા કરતી વખતે જાણી જોઈને આ પ્રથાનો વિરોધ શા માટે થઇ રહ્યો છે તે માટેના કારણોને બાજુ પર મૂકીને લઘુમતીઓ દ્વારા થતી આવી પ્રક્રિયાઓને યોગ્ય ઠેરવીને હિંદુઓને જ ધાર્મિક કટ્ટરો કે ઇસ્લામોફોબિક ગણાવી દેવાના કાવતરાં પણ થયાં છે.

    આ બધી ચર્ચાઓ વચ્ચે પ્રશ્ન એ સર્જાય છે કે શું હલાલનો બહિષ્કાર કરવો એ કટ્ટરતા છે? કે શું આ પ્રકારની માંગ કરવી ઇસ્લામ વિરોધી માનસિકતા દર્શાવે છે? હલાલ શું માત્ર આહારની પસંદગી છે કે એક ધાર્મિક પ્રક્રિયા છે જે હિંદુઓ તેમજ અન્ય બિન-મુસ્લિમ સમુદાયો માટે ભેદભાવપૂર્ણ છે. આ મુદ્દાઓ ઉપર ચર્ચા થવી એટલી જ જરૂરી છે.

    - Advertisement -

    હલાલ ઉત્પાદનો અને ખાસ કરીને હલાલ માંસ મુદ્દે દલીલ કરવામાં આવે છે કે જેમ શાકાહાર કે વેગન ફૂડ એ પસંદગીનો વિષય છે તે જ રીતે હલાલ પ્રોડકટ પણ પસંદગીનો વિષય છે. પરંતુ આ સત્ય નથી. શાકાહાર અપનાવનારાઓ પોતાની મરજીથી શાકાહારી બને છે જ્યારે બીજી તરફ મુસ્લિમો માટે આવી કોઈ સ્વતંત્રતા નથી. ઇસ્લામિક નિયમો અનુસાર, મુસ્લિમો હરામ કે બિનહલાલ ઉત્પાદનો વાપરી કે ખાઈ શકતા નથી. તેમણે ફરજિયાત હલાલ સામગ્રીનો જ ઉપયોગ કરવો પડે છે.

    એક સમુદાય દ્વારા અન્યો પર વિશેષાધિકાર સ્થાપવાના પ્રયાસ?

    હલાલ કે તેના પ્રમાણપત્રની પ્રક્રિયા એક પ્રકારનો ભેદભાવ છે અને એક સમુદાય વિશેષ માટે એકાધિકાર સ્થાપિત કરે છે. હલાલ માટેના પણ કેટલાક નિયમો છે અને જે સુનિશ્ચિત કરે છે કે માત્ર મુસ્લિમો જ આ તમામ પ્રક્રિયાઓમાં સામેલ હોય. તેમજ હલાલ કરતાં પહેલાં અલ્લાહનું નામ લેવું કે અન્ય ધાર્મિક પ્રક્રિયાઓ કરવી, એ પણ એ તરફ ઈશારો કરે છે કે હલાલ માંસ માત્ર એક ભોજન સામગ્રી ન રહેતા એક સમુદાય વિશેષનો અન્ય ધર્મો પર એકાધિકાર અને તેમના લોકો માટે રોજગાર સુનિશ્ચિત કરવાનો માર્ગ પણ બની જાય છે.

    હલાલ પ્રક્રિયાના દરેક તબક્કે માત્ર મુસ્લિમો જ ભાગ લઇ શકે છે

    ઇસ્લામિક નિયમો અનુસાર, હલાલ માંસ ઉત્પાદન માટે મારવામાં આવતા પ્રાણીઓ જ મુસ્લિમ વ્યક્તિ દ્વારા કતલ થાય તો જ તેને હલાલ ગણવામાં આવે છે. જેથી આ પ્રકારની હલાલ ફર્મમાં બિન-મુસ્લિમ વ્યક્તિઓને આપોઆપ રોજગાર મળવા પર રોક લાગી જાય છે. આ ઉપરાંત પણ કેટલાક નિયમો અને શરતો છે જે સ્પષ્ટપણે એ બાબત પર ઈશારો કરે છે કે હલાલ એક ઇસ્લામિક પરંપરા કે પ્રક્રિયા છે.

    ભારતીય હલાલ સર્ટિફિકેશન ઓથોરીટીની વેબસાઈટ પર પ્રકાશિત ગાઈડલાઈન અનુસાર, કતલની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બિન-મુસ્લિમ વ્યક્તિ તેનો ભાગ બની શકે નહીં, જેથી કામ કરતા તમામ કર્મચારીઓના ધર્મનો ઉલ્લેખ થાય તેની કાળજી રાખવામાં આવે છે. હલાલની દરેક પ્રક્રિયામાં, દરેક તબક્કે માત્ર મુસ્લિમોજ હોય છે, એટલું જ નહીં, માંસના લેબલિંગનું કામ પણ મુસ્લિમ કર્મચારીઓ દ્વારા જ કરાવવામાં આવે છે.

    કતલ પહેલાં અલ્લાહનું નામ લેવાય છે

    યુરોપિયન યુનિયનના હલાલ પ્રમાણપત્ર આપતા વિભાગ અનુસાર, હલાલ ફર્મ ખાતે કામ કરતા તમામ કર્મચારીઓ મુસ્લિમ હોય તે જરૂરી છે. વધુમાં નિયમ અનુસાર, કતલ પુખ્તવયના મુસ્લિમ દ્વારા થાય તે જરૂરી છે. જો કોઈ પ્રાણી બિન-મુસ્લિમ વ્યક્તિ દ્વારા કતલ થાય તો તેને હલાલ ગણવામાં આવતું નથી.

    આ ઉપરાંત, ઇસ્લામિક નિયમો અનુસાર, કતલ કરતાં પહેલાં ‘બિસ્મિલાહ અલ્લાહુ અકબર’ બોલવું ફરજિયાત હોય છે. જો કતલ કરતી વેળા અલ્લાહનું નામ લેવામાં નહીં આવે તો પણ તે હરામ એટલે કે બિન-હલાલ બની જાય છે.

    ચોક્કસ ઇસ્લામિક પદ્ધતિથી થાય છે કતલ.

    આ ઉપરાંત, હલાલ માટેની ચોક્કસ ઇસ્લામિક પદ્ધતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જે અનુસાર, હલાલ કરતી વખતે પ્રાણીનું કતલ એક ઝાટકે, હથિયાર ઉઠાવ્યા વગર થાય તે જરૂરી છે. નિયમ અનુસાર, એક ઝાટકે શ્વાસનળી, અન્નનળી અને ગળાની અન્ય બે નસો કપાવી જોઈએ. તેમજ એ વાતનું ધ્યાન રાખવામાં આવવું જોઈએ કે માથું અલગ ન થાય અને કરોડરજ્જુ યથાવત રહે. નિયમો અનુસાર, મશીન દ્વારા વધ કરવામાં આવેલ પ્રાણીઓનું માંસ હલાલ ગણી શકાય નહીં, એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા જ તેની કતલ કરવામાં આવે તે જરૂરી છે.

    હલાલ ઉત્પાદન એ શાકાહાર કે વેગન ફૂડની જેમ એક પસંદગી છે તેવી દલીલનો પણ અહીં છેદ ઉડી જાય છે કારણ કે શાકાહારી ભોજન સામગ્રી કોઈ પણ ધર્મના, કોઈ પણ સમુદાયના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, પરંતુ હલાલના કિસ્સામાં એવું બનતું નથી. હલાલના નિયમો ઇસ્લામિક ગ્રંથો કુરાન, હદીસ અને સુન્નાહમાંથી આવ્યા છે અને મુસ્લિમોએ ફરજિયાત આ નિયમો પાળવા પડે છે.

    બિન-મુસ્લિમો માટે હલાલ ફૂડ ઉત્પાદનો સિવાય કોઈ વિકલ્પ બચતો નથી

    ઘણા ઉદ્યોગોએ હલાલ ફૂડ અને બિન-હલાલ ફૂડ એમ બે પ્રકારની સપ્લાય ચેઈન માટે થતો ખર્ચ અને અન્ય સંસાધનોનો ઉપયોગ બચાવવા માટે માત્ર હલાલ માંસ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે હલાલ માંસ ન ખાવા માંગતા લોકોએ જ્યાં માત્ર ઝટકા માંસની જ પરવાનગી હોય તેવા ધર્મોના લોકો માટે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. જે સ્પષ્ટ રીતે અન્ય ધર્મના લોકોની ભાવનાઓ અને પસંદગીઓ પર મરાતી તરાપ છે.

    બીજી તરફ, હલાલ ફૂડ અર્થવ્યવસ્થા હવે માત્ર માંસ કે ભોજન ઉત્પાદનો સુધી સીમિત રહી નથી. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, સૌન્દર્ય પ્રસાધનોથી માંડીને ઘણી પ્રોડક્ટ હવે હલાલ સર્ટિફિકેશન સાથે માર્કેટમાં આવે છે. જે એ તરફ પણ ઈશારો કરે છે કે સતત વધતા અવકાશ સાથે આ ક્ષેત્રોમાં નોકરીની તકો માત્ર એક સમુદાયના લોકો સુધી જ સીમિત રહેવા માટેનો પાયો તૈયાર થઇ રહ્યો છે. કારણ કે ખર્ચ બચાવવા માટે હલાલ અને બિન-હલાલ ઉત્પાદનો માટે અલગ-અલગ કતલખાના ચલાવવાને બદલે માંસ ઉત્પાદકો એક જ મોટા કતલખાનાનું સંચાલન ચાલે છે. અને આ કતલખાનાંમાં માત્ર મુસ્લિમોને જ નોકરીએ રાખવામાં આવે છે. જેના કારણે ઘણા લાંબા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિંદુ સમુદાયો માટે નોકરીની તકો સીમિત બનતી જાયછે અને માંસ ઉદ્યોગ જેવા મોટા ક્ષેત્રમાં હલાલ નીતિઓના કારણે એક જ ધર્મના લોકો નોકરી મેળવી રહ્યા છે.

    ધર્મનિરપેક્ષ દેશમાં એક ધર્મની માન્યતાઓ અન્યો પર થોપવી કેટલું યોગ્ય?

    ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, જે અંગે અવારનવાર ચર્ચાઓ ચાલતી રહે છે. ત્યારે કોઈ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં એક ધર્મની માન્યતાઓને અન્ય તમામ સમુદાયો પર થોપવી એ ધર્મનિરપેક્ષતાગણવી કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે. વ્યવસાયો હવે ખર્ચમાં ઘટાડા કે અન્ય કારણોસર માત્ર હલાલ ઉત્પાદનો તરફ જ વળી રહ્યા છે ત્યારે સીધી કે આડકતરી રીતે એક સમુદાયની માન્યતા તમામ પર લાદવામાં આવી રહી છે. જેઓ હલાલ ઉત્પાદનો વાપરવા માંગતા હોય તેઓ તેમ કરી શકે છે પરંતુ બાકીનાએ એ વિચારવું રહ્યું કે શું તેમને પણ આડકતરી રીતે તેમ કરવા તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં