Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સરવેનો આજે બીજો દિવસ, પહોંચી ASIની ટીમ: પહેલા દિવસે વિવાદિત...

  જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સરવેનો આજે બીજો દિવસ, પહોંચી ASIની ટીમ: પહેલા દિવસે વિવાદિત ઢાંચાની દીવાલો પરનાં હિંદુ પ્રતીકોની ફોટોગ્રાફી કરાઈ

  ASIની ટીમ દ્વારા જ્ઞાનવાપી સરવેના પહેલા દિવસે જ્ઞાનવાપી પરિસરની દીવાલો, થાંભલા અને ગુંબજ પર બનેલા ત્રિશૂળ, સ્વસ્તિક અને અન્ય પ્રતિમાઓની રેકોર્ડમાં નોંધ લેવાઈ હતી.

  - Advertisement -

  જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવેની શરૂઆત થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પણ માર્ગ મોકળો કરી આપ્યા બાદ હવે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ASIની ટીમ દ્વારા જ્ઞાનવાપી સરવેના પહેલા દિવસે જ્ઞાનવાપી પરિસરની દીવાલો, થાંભલા અને ગુંબજ પર બનેલા ત્રિશૂળ, સ્વસ્તિક અને અન્ય પ્રતિમાઓની રેકોર્ડમાં નોંધ લેવાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમી દીવાલના સરવેમાં ઘંટી, કળશ અને ફૂલોની આકૃતિઓ જોવા મળી હતી. આ બધા જ હિંદુ પ્રતીકોની ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આજે બીજા દિવસે કામગીરી શરૂ થઇ છે.

  શનિવારે (5 ઓગસ્ટ, 2023) સવારથી જ્ઞાનવાપી પરિસરમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે ASIની ટીમ તેમજ બંને પક્ષના વકીલો પહોંચ્યા હતા. જ્યાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમ્યાન હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, સરવે આગળ વધી રહ્યો છે. ઇમેજિંગ અને મેપિંગનું કામ ચાલી રહ્યું છે. પત્રકારે તેમને પૂછ્યું કે શું મુસ્લિમ પક્ષ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યો છે? તો જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ સમર્થન નથી કરી રહ્યા, ત્રણેય કોર્ટમાં લડાઈ લડી છે અને ન જીતી શક્યા એટલે કોર્ટનો આદેશ માનીને આવ્યા છે. 

  ASIની ટીમ દ્વારા થઈ રહેલા સરવેમાં ઘણી જ મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત થઈ હતી. પશ્ચિમી દીવાલ પર હાથીની સૂંઢની તૂટેલી આકૃતિ મળી આવી હતી. સોંપારીના પાન સહિત એવી જ ઘણી જ આકૃતિઓ થાંભલા અને દીવાલો પર જોવા મળી હતી. આ બધા જ પ્રતીકોની રેકોર્ડમાં નોંધ લેવામાં આવી હતી. ASIની ટીમ દ્વારા મળેલા પ્રતીકો અને આકૃતિનોની પ્રાચીનતા તથા તેના નિર્માણની શૈલી વિષયક તપાસને ધ્યાનમાં લઈ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

  - Advertisement -

  મળેલા અહેવાલો મુજબ ASIની ટીમ દ્વારા સરવેમાં મળી આવેલી એક-એક આકૃતિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સમગ્ર પરિસરની સટીક તપાસ કરવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગશે. વધુમાં જાણવા મળ્યું છે કે જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સરવે માટે ASIની 51 ટીમોને ચાર ભાગમાં વહેચવામાં આવી છે. ત્યારબાદ આજે રેડીએશન ટેકનોલોજીની મદદથી તપાસને આગળ વધારવામાં આવશે.

  રેડીએશન ટેકનોલોજી દ્વારા થશે તપાસ

  શુક્રવારે સવારે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ બપોરે જુમ્માની નમાજ ચાલુ થઈ ગઈ હોવાથી આગળની કાર્યવાહી થઈ શકી ન હતી. ASIની ટીમ દ્વારા આગળની તપાસ રેડીએશન ટેક્નોલોજીની મદદથી કરવાનું સામે આવ્યું હતું. ASIની ટીમે રેડીએશન ટેકનોલોજીથી તપાસ કરવા માટે આઈઆઈટી સહિત દેશની અન્ય નામચીન શિક્ષણ સંસ્થાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રેડીએશન ટેકનોલોજી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

  મુસ્લિમ પક્ષે તપાસ માટે દરવાજો પણ ખોલ્યો નહિ

  અહેવાલોના જણાવ્યા અનુસાર રાખીસિંહના અધિવક્તા અનુપમ દ્વિવેદી દ્વારા એવો દાવો કરાયો છે કે, શુક્રવારે સરવેની કાર્યવાહી દરમિયાન મુસ્લિમ પક્ષે દરવાજો ખોલ્યો નહોતો. 24 જુલાઈના રોજ પણ દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. તેના લીધે ASIની ટીમે સરવેનું કાર્ય પરિસરના બહારના ભાગોમાં કર્યું હતું.

  સુપ્રિમકોર્ટે ફગાવી હતી મુસ્લિમ પક્ષની અરજી

  ઉલ્લેખનીય છે કે, ગત 21 જુલાઈના રોજ વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી પરિસરનો ASI સરવે કરવાની માગ કરતી હિંદુ પક્ષની અરજી સ્વીકારીને ગયા વર્ષે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું એ વજૂખાનાને છોડીને બાકીના વિસ્તારનો વૈજ્ઞાનિક સરવે કરવા માટે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાને લીલી ઝંડી આપી હતી. કોર્ટના આ આદેશ સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવીને મસ્જિદ સમિતિને અલાહાબાદ હાઇકોર્ટ જવા કહ્યું હતું. અલાહાબાદ હાઇકોર્ટે ગુરૂવારે (3 ઓગસ્ટ, 2023) સરવેની પરવાનગી આપી વારાણસી કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો, જેની સામે ફરી મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હવે રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં