ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કેદારનાથ, બદ્રીનાથ વગરે જેવા અનેક ધર્મસ્થાનો ઉત્તરાખંડમાં આવેલા છે. તાજેતરમાં જ 12 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલ્લા મુકાયા છે. આ સાથે જ ચારધામ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. જોકે, ભારે ભીડના કારણે ગંગોત્રી અને યમનોત્રીમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા હતા. જેમની વ્હારે ગુજરાત સરકાર આવી છે. CM ભૂપેન્દ્ર પટેલના સૂચન બાદ ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓને સુવિધા પુરી પાડી છે.
ગુજરાતી શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયા હતા. જ્યાં તેઓ ગંગોત્રી અને યમનોત્રીમાં અટવાઈ ગયા હતા. ગુજરાત સરકારને ઘટનાની માહિતી મળતા જ CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો અને ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને હેમખેમ પરત લાવવા માટે પ્રયાસ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલના સૂચન બાદ ઉત્તરાખંડ સરકારે સુવિધાઓ પુરી પાડીને ગુજરાતી શ્રદ્ધાળુઓનું આગળના પ્રવાસ માટે આગમન કરાવ્યું છે. ગુજરાત સરકારે ગુજરાતી યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા માટે જરૂરી તમામ પ્રયાસો કર્યા છે. ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી.
ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં અભૂતપૂર્વ ધસારાના કારણે ગુજરાતના જે યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હતા, તેમણે આગળની યાત્રા માટે પ્રસ્થાન કરી દીધું છે, તે રાહત અને આનંદની વાત છે.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 14, 2024
ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધીને આ ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ત્વરિત વ્યવસ્થા માટે કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને સૂચનાઓ આપી હતી. કાર્યકારી મુખ્ય સચિવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર, ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક કર્યો હતો અને યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતી યાત્રિકોને સરળતાથી માર્ગ કાઢી આપીને આગળની યાત્રા માટે પ્રસ્થાનની જરૂરી વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ આ અંગે જરૂરી સંકલનમાં રહ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી હાથ ધાર્યા બાદ ગુજરાત સરકારની સાથે ઉત્તરાખંડ સરકારે પણ યાત્રિકોને સુવિધાઓ પ્રદાન કરવાની શરૂઆત કરી દીધી છે. તમામ વ્યવસ્થાઓ ઉત્તરાખંડ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ચારધામ યાત્રા માટે ગયેલા આ તમામ યાત્રાળુઓ હવે ઉત્તરાખંડ સરકારના સહકાર સાથે જ આખી યાત્રા પણ પૂર્ણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ ગુજરાતી યાત્રાળુઓને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ કોઈ પહેલીવાર નથી કે, ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર પોતે સક્રિય ભૂમિકા નિભાવી રહી હોય. આ પહેલાં પણ કાશ્મીરમાં આતંકી ઘટના સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત ગુજરાતમાં લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. કોઈપણ ખૂણામાં ગુજરાતીઓને પડતી મુશ્કેલીના સમયે ગુજરાત સરકાર તેમની વ્હારે અચૂક આવે છે.