17 ઓક્ટોબરે દિલ્હી ખાતે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘણા નામી અભિનેતાઓને શ્રેષ્ટ કલાકારના પુરસ્કારો એનાયત કર્યા હતા. તે વચ્ચે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો'(chhello Show)માં બાળ કલાકારની ભૂમિકા ભજવનાર ભાવિન રબારીને શ્રેષ્ઠ અભિનય બદલ સર્વશ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ‘છેલ્લો શો’ના બાળ અભિનેતા ભાવિન રબારીને આ પુરસ્કાર સૌથી નાની વયે પ્રાપ્ત થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાવિન રબારીની પ્રશંસા કરી છે.
મંગળવારે (17 ઓક્ટોબરે) રાજધાની દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન થયું હતું. પુરસ્કારને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત ભાવિન રબારીએ કહ્યું હતું કે, હું મારા સમાજનો પહેલો એવો છોકરો છું જેણે ફિલ્મ જોવાનું જ નહીં પણ ફિલ્મમાં કામ કરવાનું સપનું પણ પૂરું કર્યું છે. જ્યારે પાન નલિન દિગ્દર્શિત ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી પ્રશંસા
પાન નલિન દિગ્દર્શિત ‘છેલ્લો શો’ ના બાળ કલાકાર ભાવિન રબારીને રાષ્ટ્રીય પુરસ્કાર મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ X પર પોસ્ટ કરીને પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ અભિનય માટે મળેલા આ પુરસ્કારને લઈને ભવિન રબારી દેશભરમાં ખૂબ ચર્ચાય રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “ગુજરાત પ્રતિભાથી ભરેલું છે. 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સૌથી નાની વયના અભિનેતા ભાવિન રબારીને ડ્રામા ફિલ્મ ‘છેલ્લો શો’માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સર્વશ્રેષ્ટ બાળ કલાકારના પુરસ્કારથી સન્માનિત કરાયા છે.”
Gujarat is full of talent!
— Harsh Sanghavi (@sanghaviharsh) October 18, 2023
Actor Bhavin Rabari, the youngest recipient of the #69thNationalFilmAward, was awarded the title of Best Child Artist for his outstanding performance in the drama film 'Chello Show.'#NationalFilmAwards2023 #Gujarat pic.twitter.com/zQE8AUDagC
ગ્રામીણ ગુજરાતની ઝાંખી રજૂ કરે છે ફિલ્મ ‘છેલ્લો શો’
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘છેલ્લો શો‘ ગ્રામીણ ગુજરાતની ઝાંખી રજૂ કરે છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ખુલ્લા આકાશ તળે અને ખેતરોમાં જીવન વિતાવતો બાળક સિનેમાના પ્રેમમાં પડે છે, તે ખુદ સિનેમા વિશે શીખવાડે છે અને એક દિવસ ફિલ્મમેકર બની જાય છે. જેની ફિલ્મો દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આ સત્ય કહાની ફિલ્મના નિર્દેશક અને નિર્માતા પાન નલિનની છે.
નોંધનીય છે કે નેમિલ શાહની ફિલ્મ ‘દાળ ભાત’ને પણ બેસ્ટ શોર્ટ ફિલ્મનો પુરસ્કાર એનાયત કરાયો છે. તે સિવાય તમિલના સુપરસ્ટાર અલ્લુ અર્જુન, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને ક્રિતી સેનનને અનુક્રમે બેસ્ટ અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જ્યારે વેટરન અભિનેત્રી વહીદા રહેમાનને ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડથી સન્માનિત કરાયા છે.