અમદાવાદમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પોટેન્સી ટેસ્ટમાં અસમર્થ સાબિત થનાર બળાત્કારના આરોપીને ગુજરાત હાઈકોર્ટે જમીન આપ્યા છે. આરોપી તરફથી જે મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે મુજબ તે શારીરિક સબંધો બાંધવામાં અસમર્થ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ગુજરાત હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યાં છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આરોપિત વિરુદ્ધ એક 27 વર્ષની મોડેલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 55 વર્ષીય પ્રશાંત ધાનકની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આરોપી 55 વર્ષીય પ્રશાંત ધાનક એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. એક ફોટોશૂટ દરમિયાન તે આ યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત નવેમ્બર માસમાં પ્રશાંત તેને મોડલિંગ અસાઈમેન્ટની લાલચ આપીને વિજય સ્કવેર પાસેની એક હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીએ પ્રશાંત પર બળાત્કાર સિવાય ધમકી આપવાનો પણ આરોપ મૂક્યો હતો.
પ્રશાંતને ધરપકડ બાદ જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે વકીલ મારફતે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે ગત 2 માર્ચના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં હતી. તેથી પ્રશાંતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં પ્રશાંતના વકીલે હાઇકોર્ટ સમક્ષ પ્રશાંતની તબીબી તપાસનો રીપોર્ટ રજૂ કર્યો હતો. જેને ધ્યાને લઈને જસ્ટિસ સમીર દવેએ પ્રશાંતના કાયમી જામીન મંજૂર કર્યાં છે.
પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં ત્રણ વાર નિષ્ફળ
નોંધનીય છે કે આ પહેલાં શહેરની સેશન્સ કોર્ટે ગઈ 2 માર્ચના રોજ આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ આરોપીએ હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. સુનાવણી દરમિયાનઆરોપીના વકીલ એફ.એન. સોનીવાલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ફરિયાદ એક નપુંસક વ્યક્તિ સામે કરવામાં આવી છે. કારણ કે પોલીસ તપાસના ભાગરૂપે તબીબી પરીક્ષક દ્વારા તેનું વીર્ય એકત્ર કરવા માટે અલગ-અલગ વાર ત્રણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે આરોપીમાં પ્રજનન ક્ષમતા છે જ નહીં. વકીલે ફોટોગ્રાફરના બચાવ પક્ષમાં કહ્યું કે, મોડલ તેની પાસેથી રૂપિયાની માંગણી કરી રહી હતી અને રૂપિયા ન આપતાં તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે નોંધ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ જોતાં કોર્ટનું માનવું છે કે અરજદાર સામે દાખલ કરાવવામાં આવેલી FIR ખોટા ઇરાદે કરાઈ હતી. કોર્ટે તમામ દસ્તાવેજોને ધ્યાને લઈને 10 હજારના બોન્ડ પર આરોપી વ્યક્તિને જામીન આપી દીધા હતા.