Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારંવાર નોટિસ અપાયા બાદ પણ ક્વાર્ટર્સ ખાલી નથી કરી રહ્યા અમુક પૂર્વ...

    વારંવાર નોટિસ અપાયા બાદ પણ ક્વાર્ટર્સ ખાલી નથી કરી રહ્યા અમુક પૂર્વ ધારાસભ્યો, સરકારે તાળું તોડીને કબ્જો મેળવ્યો

    ચૂંટણી હારી ગયા બાદ પણ સરકાર તરફથી ફાળવવામાં આવેલું ક્વાર્ટર ખાલી ન કરતાં તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ, પરિણામો આવી ગયાં અને નવી સરકાર પણ બની ગઈ, પરંતુ અમુક પૂર્વ ધારાસભ્યોનો ક્વાર્ટર્સનો મોહ છૂટી રહ્યો નથી. જેને ખાલી કરવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં હવે સરકારે પૂર્વ ધારાસભ્યના ક્વાર્ટરનું તાળું તોડી નાંખ્યું હતું. 

    ઠાસરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કાંતિ પરમાર સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી હારી ગયા બાદ પણ સરકાર તરફથી ફાળવવામાં આવેલું ક્વાર્ટર ખાલી ન કરતાં તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ વારંવાર નોટિસ પાઠવવામાં અને જાણ કરવામાં આવ્યા છતાં તેમણે ક્વાર્ટર ખાલી કર્યું ન હતું. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનંતીઓ છતાં દાદ ન આપતાં આખરે પૂર્વ ધારાસભ્યના ક્વાર્ટરનું તાળું તોડી નાંખવામાં આવ્યું હતું. જોકે, તે પહેલાં તેમને જાણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    કાંતિ પરમાર સિવાય જે ધારાસભ્યોએ ક્વાર્ટર્સ ખાલી નથી કર્યાં તેમાં પાંચ પૂર્વ ધારાસભ્યો અને એક મંત્રીનો સમાવેશ થાય છે. જેમાં દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ, મહુવા (ભાવનગર)ના પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણા, કલોલના પૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ, કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ચૌહાણ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલનો સમાવેશ થાય છે. આ સિવાય મંત્રી પરષોત્તમ સોલંકીને પણ ધારાસભ્યનું ક્વાર્ટર ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. કારણ કે તેમને મંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે. 

    આ પહેલાં ગુજરાત સરકારે કડક વલણ દાખવીને ટર્મ પૂરી થયા બાદ પણ આવાસ ખાલી ન કર્યા હોય તેવા પૂર્વ ધારાસભ્યોના છેલ્લા મહિનાના પગાર અટકાવી દીધા હતા. તે પહેલાં લગભગ 17 જેટલા પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમુક ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા ન હતા. જેથી નવી વિધાનસભા શરૂ થતાં જૂના ધારાસભ્યોની ટર્મ પૂરી થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાં પણ કેટલાક પૂર્વ MLAએ આવાસ ખાલી ન કરતાં નવા ધારાસભ્યોને મકાન ફાળવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે 17 જેટલા પૂર્વ ધારાસભ્યોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

    રિપોર્ટ અનુસાર, ઘણા પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના ગેસ અને ટેલિફોનના બિલ બાકી હતાં, જેના કારણે સરકારી તિજોરી ઉપર ભારણ વધી રહ્યું હતું.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં