Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે, કોણ નહીં? કયા નિયમો પાળવા પડશે?......

    ગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે, કોણ નહીં? કયા નિયમો પાળવા પડશે?… સરકારે જાહેર કરી ગાઈડલાઈન, તમામ મુદ્દાઓ સ્પષ્ટ કર્યા

    તમામ મુદ્દાઓને આવરી લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી, 17 મુદ્દાઓમાં સમજાવ્યા નિયમો.

    - Advertisement -

    ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન મળ્યા બાદ આખા ગુજરાતમાં તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હવે ગુજરાતના સૌ કોઈ લોકો ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકશે એવો મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ ચગ્યો હતો. ત્યારે બધાને એમ હતું કે કોઈપણ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકશે. પરંતુ આખરે સરકારે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગિફ્ટ સિટીની લિકર પરમિશનને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં કોણ દારૂ વેચી શકશે? કોણ પી શકશે? ક્યારે પી શકાશે? જેવા અનેક નિયમો ગાઈડલાઈન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

    ગિફ્ટ સિટી માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન માત્ર અધિકૃત કામ કરતાં કર્મચારીઓ અને અન્ય અધિકૃત વ્યક્તિઓને જ દારૂની છૂટ આપે છે. સાથે ગાઈડલાઈનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે. એ ઉપરાંત ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂ નહીં પી શકે. આ તમામ મુદ્દાઓને આવરી લઈને ગાઈડલાઈનમાં 17 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

    1- FL3 લાયસન્સ શું છે? તે કોને મળી શકે?

    - Advertisement -

    FL3એ ગિફ્ટ સિટીમાં નોકરી કરતાં અથવા અધિકૃત મુલાકાતીઓને લિકર પીરસવા માંગતી હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટને લિકર પીરસવા માટે આપવામાં આવતું લાયસન્સ છે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલી કે ભવિષ્યમાં આવવાની હોય તેવી ખાનપાનની સુવિધા ધરાવતી હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટને આ લાયસન્સ મળી શકે છે.

    2- FL3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે?

    જે તે હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક અને નશાબંધી સમક્ષ અરજી કરી શકે છે અને જરૂરી ચકાસણી કરીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમિતિ સમક્ષ રજૂ કરવાથી લાયસન્સ મળી શકે છે.

    3- હાલના હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ, ટુરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટી ખાતે લિકરનું સેવન કરી શકશે?

    ના, ગિફ્ટ સિટી ખાતે માત્ર અધિકૃત રીતે કામ કરતાં કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખાતે લિકર સેવન કરી શકશે.

    4- ગિફ્ટ સિટીમાં કામ કરતાં કર્મચારીઓને લિકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે?

    ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારી દ્વારા આ પરમિટ આપવામાં આવશે.

    5- ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટની મંજૂરી કોણ આપશે?

    ગિફ્ટ સિટીમાં આવેલી જે તે કંપનીના HR હેડ અથવા તો જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે ટેમ્પરરી લિકર પરમિટ આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લિકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારી પણ સાથે રહેશે.

    6- FL3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે?

    લાયસન્સ ધારકે ખરીદેલા લિકરના જથ્થાનો નક્કી કરેલા નમૂનામાં ખરીદ અને વેચાણનો હિસાબ રાખવાનો રહેશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.

    7- ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લિકર સેવન કરી શકાશે?

    FL3 લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

    8- FL3 લાયસન્સ ધારક, લિકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?

    લાયસન્સ ધારક, લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

    9- લાયસન્સ મેળવનારે અન્ય કઈ મંજૂરી મેળવવાની રહેશે?

    લાયસન્સ મેળવનારે પોતાના હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાયસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.

    10- FL3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકને લિકર વેચાણ કરી શકશે?

    ના.

    11- લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ લિકર પીરસી શકાશે?

    ના. લાયસન્સ જે સ્થળ માટે મંજૂર થયું હોય તે સિવાય અન્ય કોઈપણ સ્થળે લિકર પીરસી શકાશે નહીં.

    12- FL3 લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે?

    લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જ જરૂરી ખરાઈ બાદ પ્રવેશ કરી શકશે.

    13- વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે?

    ના. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં.

    14- લિકર સેવન કરવા અંગે વયમર્યાદાની શું જોગવાઈ છે?

    21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે.

    15- પરમિટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનું રહેશે?

    લિકર અને એક્સેસ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને FL3 લાયસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

    16- હાલ રાજ્યમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ અંગે શું જોગવાઈ છે?

    બીજા રાજ્યના કે વિદેશી નાગરિકોને નિયમોની જોગવાઈ અનુસાર નક્કી કરેલા આધારો રજૂ કરવા પર જે તે વ્યક્તિને તેના અંગત ઉપયોગ માટે વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ આપવામાં આવી રહી છે. જેના માટે ઓનલાઈન ઈ-પરમિટ પોર્ટલ કાર્યરત છે.

    17- લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારકે શું કાળજી રાખવાની રહેશે?

    લિકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં. તેમજ પરમિટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કરવા પર રજૂ કરવાના રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં