Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી ગુજરાત આવ્યા, ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં ગયા: રાજકોટ-ડભોઇમાં કાર્યકરોએ રાહુલ...

  રાહુલ ગાંધી ગુજરાત આવ્યા, ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં ગયા: રાજકોટ-ડભોઇમાં કાર્યકરોએ રાહુલ ગાંધી વિશે કરી સ્પષ્ટ વાત

  રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયા 150 કાર્યકરો-નેતાઓ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી એટલી સક્રિય જણાઈ રહી નથી. હજુ સુધી પાર્ટીના મોટા નેતાઓએ પ્રચાર પણ શરૂ કર્યો નથી. છેક આજે રાહુલ ગાંધી પ્રચાર સભા સંબોધવા માટે આવી રહ્યા છે ત્યાં રાજકોટમાં દુકાળમાં અધિક માસ જેવું થયું છે. પાર્ટીના 150 વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તો બીજી તરફ, ડભોઇમાં 500 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. 

  રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયા 150 કાર્યકરો-નેતાઓ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ નેતાઓએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ પણ ઉઠાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું  કે, રાહુલ ગાંધીથી કંઈ કામ થઇ શકે નહીં. 

  ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાએ મીડિયાને જણાવ્યું કે, મૂળ હું ભાજપનો જ કાર્યકર હતો અને કોંગ્રેસમાં લોકોની સેવા કરવાના આશયથી ગયો હતો. પરંતુ ત્યાં કોઈ કામ થતાં નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાઈ ગયો છું. કોંગ્રેસમાં 12 વર્ષ વનવાસમાં રહ્યા છીએ, હવે વનવાસ પૂરો થયો. 

  - Advertisement -

  રાહુલ ગાંધીને લઈને તેમણે કહ્યું કે, તેઓ આવે તો છે પરંતુ તેમનાથી કશું થાય નહીં, તેમની સભામાં માણસો પણ નહીં થાય. 

  ડભોઇમાં 500 કાર્યકરો ભાજપમાં જોડાયા 

  બીજી તરફ, ડભોઇમાં 500 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતા પ્રચાર માટે જતાં તેમની હાજરીમાં આ યુવાનોએ પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. આ અગાઉ પણ ડભોઇમાં કોંગ્રેસી કાર્યકરો ઉમેદવારનો વિરોધ કરી ભાજપમાં જોડાઈ ગયા હતા, ત્યારે ચૂંટણી પહેલાં પાર્ટીને સ્થાનિક સ્તરે વધુ એક ફટકો પડ્યો છે. 

  રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે, સુરતના મહુવા, રાજકોટમાં સભા સંબોધશે 

  રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે સુરત જિલ્લાના મહુવા તાલુકાના છેવાડાના ગામ પાંચકાકડા ખાતે સભા સંબોધવા માટે જઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે સાંજે 5 વાગ્યે સભા કરશે. કોંગ્રેસનો ટાર્ગેટ 50 હજાર માણસો ભેગા કરવાનો હોવાનું કહેવાય છે. 

  રાહુલ ગાંધી આમ તો તેમની ‘ભારત જોડો યાત્રા’ કરી રહ્યા છે, પરંતુ હવે ચૂંટણીના 10 દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરી છે. જોકે, અહીં તેમની પાર્ટીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે, ઉપરથી કાર્યકરો પાર્ટી છોડવા માંડ્યા છે ત્યારે તેઓ આવીને શું નવો કમાલ કરી શકે એ જોવાનું રહેશે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં