Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિધાનસભા ચૂંટણીની કારમી હાર બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓ એક સાથે...

    વિધાનસભા ચૂંટણીની કારમી હાર બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓ એક સાથે દેખાયા: 2022ની ચૂંટણી પહેલા પણ કરી હતી ડિનર ડિપ્લોમસી

    બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 28 માર્ચ 2022ના દિવસે પણ કોંગ્રેસની આવી જ એક ડિનર ડિપ્લોમસી યોજાઈ હતી. તે વખતે બેઠકનો મૂળ મુદ્દો 2022ની વિધાનસભા ચૂંટણી કઈ રીતે જીતવી એ હતો.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી ભાસી રહી. એમાં પણ ખાસ કરીને તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તેમને પડતા પર પાટુ માર્યું છે. એવામાં મંગળવારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના તમામ મોટા નેતાઓની ભોજન સાથેની એક બેઠક યોજાઈ હતી. જેને લોકો કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી તરીકે ચર્ચી રહ્યા છે.

    અહેવાલો મુજબ હવે જયારે લોકસભા ચૂંટણી ધીરે ધીરે નજીક આવી રહી છે ત્યારે મૃતપાય થયેલ ગુજરાત કોંગ્રેસના માળખામાં ફરી નવા પ્રાણ પુરવાના પ્રયાસ અંતર્ગત 18 તારીખ અને મંગળવારે ગાંધીનગર ખાતેના એક ફાર્મ હાઉસ પર આ ડિનર ડિપ્લોમસી યોજાઈ હતી.

    આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

    - Advertisement -

    આ દરમિયાન તમામ નેતાઓએ જૂથવાદ ભૂલીને એકજૂથ થઇને લડવાનો સંકલ્પ કર્યો હતો. અવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે. પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા પણ હાઇકમાન્ડે સૂચના આપી છે.

    બરાબર એક વર્ષ પહેલા આવી જ એક ડિનર ડિપ્લોમસી થઇ હતી

    નોંધવા જેવી વાત એ છે જે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 28 માર્ચ 2022ના દિવસે પણ કોંગ્રેસની આવી જ એક ડિનર ડિપ્લોમસી યોજાઈ હતી. તે વખતે બેઠકનો મૂળ મુદ્દો 2022ની વિધાનસભા ચૂંટણી કઈ રીતે જીતવી એ હતો.

    તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને મોટા નેતાઓને એકઠા કરવામાં આવ્યા હતા. અને ત્યારે ભરતસિંહે સૂત્ર આપ્યું હતું, ‘બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ’.

    વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ગાડી 17એ અટકી હતી

    સર્વવિદીત છે કે 2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભાજપને સરકાર બનાવવા આકરી ટક્કર આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી.

    પરંતુ 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો પર જીત મેળવી હતી અને કોંગ્રેસે નામોશીભરી હાર ચાખીને 17 બેઠકો સાથે પોતાનું મન મનાવવું પડ્યું હતું. કોંગ્રેસે ગુજરાતના 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.

    તો હવે જોવાનું એ રહે છે કે આ કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી આગામી લોકસભા ચૂંટણી માટે કોઈ અસર ઉભો કરી શકે છે કે નહિ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં