Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: છેવટે કોંગ્રેસ જાગવામાં, ભાજપ બીજા ગીયરમાં અને આપ...

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: છેવટે કોંગ્રેસ જાગવામાં, ભાજપ બીજા ગીયરમાં અને આપ સભાઓમાં વ્યસ્ત

    દિવાળી પુરી થવા આવતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવો શરુ થઇ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન શરુ થઇ ગયું છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. આ જાહેરાત દિવાળી બાદ થશે તેવી અટકળો છેલ્લા દસેક દિવસથી થઇ રહી હતી અને હવે દિવાળી પુરી થતાં જ ગુજરાતના બંને મોટા રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. જેની સહુથી વધુ રાહ જોવાઈ રહી હતી તે આ ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામ અંગે ભાજપ અને કોંગ્રેસ બંનેએ મંથન શરુ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત માટે નિરીક્ષકોની નિમણુંક કરી દીધી છે. ગુજરાતના ચાર મહાનગરો એટલેકે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માટે 6-6 નિરીક્ષકો તો દરેક જીલ્લા માટે 3-3 નિરીક્ષકોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નિરીક્ષકો ચૂંટણીની રણનીતિ તેમજ તેની સાથે જોડાયેલાં તમામ પાસાંઓ પર મનોમંથન કરશે જેમાં ઉમેદવારોના નામ પણ સામેલ છે.

    તો બીજી તરફ કોંગ્રેસ પણ છેવટે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીઓ માટે જાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 80% બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    રાઠવાએ ઉમેર્યું હતું કે આવનારી 29 ઓક્ટોબરે કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની સંભવિત મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેઓ આ નામ પર પોતાની આધિકારિક મહોર લગાવી દેશે.

    ગુજરાત ભાજપે જાહેર કરેલા નિરીક્ષકો ત્રણ દિવસ સુધી પોતાને સોંપાયેલા ક્ષેત્રોમાં જશે અને અહીં ઉમેદવાર અંગે સેન્સ લેશે અને ત્યારબાદ પોતાની ટીપ્પણી સાથેનો રીપોર્ટ પ્રદેશ ભાજપને સોંપશે.  આ પ્રક્રિયા આજથી શરુ થશે અને 29મી ઓક્ટોબર એટલેકે શનિવાર સુધી ચાલશે.   

    તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતે પણ રેસમાં છે તેવું દેખાડવાની મહેનત કરી રહેલી આમ આદમી પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સભાઓ કરવા ગુજરાત બોલાવી રહી છે. કેજરીવાલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ કરવા જઈ રહ્યાં છે. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ જ તર્જ પર ગુજરાતમાં સભાઓને સંબોધવાના છે. કેજરીવાલ અને માન 28, 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતમાં કુલ 6-6 બેઠકોને સંબોધન કરશે તેમ આમ આદમી પાર્ટીએ મીડિયાને માહિતી આપી હતી.

    આમ આ રીતે દિવાળીની ઉજવણી પુરી થતાં અને વાતાવરણમાં ઠંડકની શરૂઆત થતાં જ ગુજરાતના રાજકારણમાં ધીમી ચાલે ગરમાવો આવવો શરુ થઇ ગયો હોવાનું ધીરેધીરે સ્પષ્ટ થઇ રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં