Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવો કોઈ વેરો નહીં, હાલના દરો યથાવત: ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 3.01...

    નવો કોઈ વેરો નહીં, હાલના દરો યથાવત: ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું, જાણો કયા વિભાગને કેટલી રકમ ફાળવાઈ

    ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ. 1570 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

    - Advertisement -

    નાણામંત્રી કનુ દેસાઈએ આજે (24 ફેબ્રુઆરી, 2023) ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2023-24 માટે ગુજરાત સરકારે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ સાથે સરકારે અમુક યોજનાઓ પણ જાહેર કરી છે. 

    સરકારે હાલના વેરાના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી તેમજ કોઈ નવો ટેક્સ પણ ઉમેર્યો નથી. ટેક્સના જૂના દરો જ આ વર્ષે પણ ચાલુ રહેશે

    સરકાર દ્વારા PMJAY-મા યોજનામાં કુટુંબદીઠ વીમાની વાર્ષિક મર્યાદા પાંચ લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હતી, જેનો નાણામંત્રીએ આજે ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબોને દર વર્ષે 2 રાંધણગેસ નિઃશુલ્ક રીફિલ કરી આપવા માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, દ્વારકામાં નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદમાં એરપોર્ટના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    શિક્ષણ વિભાગ માટે 43 હજાર કરોડ ફાળવ્યા 

    શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારે રૂ. 43,651 કરોડની ફાળવણી કરી છે. જેમાં 10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓમાં 50 હજાર વર્ગખંડો અને દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે. આ સાથે મધ્યાહન ભોજન આંગણવાડીમાં ‘શ્રી અન્ન’(મિલેટ્સ)નો સમાવેશ કરવામાં આવશે.

    શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવા માટે સરકારે 150 નવાં કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે. તદુપરાંત, પાંચ હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 

    આરોગ્ય વિભાગ માટે 15 હજાર કરોડની ફાળવણી 

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે આ બજેટમાં કુલ 15 હજાર 182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ અને મહીસાગર જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. મેડિકલ કોલેજોમાં શિક્ષણ અને આરોગ્યની સગવડો માટે રૂ. 3997 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે શહેરી આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા માટે રૂ. 250 કરોડ અને PPP થકી નવી મેડિકલ કોલેજો સ્થાપવા અને ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે રૂ. 130 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

    કૃષિ વિભાગ માટે 21 હજાર કરોડની જોગવાઈ 

    કૃષિ વિભાગ માટે બજેટમાં રૂ. 21,605 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ, કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન વગેરે માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર રૂ. 8278 કરોડ ખર્ચશે. ઉપરાંત, પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને સાધન સહાય માટે રૂ. 124 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

    ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ. 1570 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

    બાગાયત માટે સરકારે રૂ. 65 કરોડ ફાળવ્યા છે, ઉપરાંત પશુપાલનમાં ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂ. 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવા મત્સ્યબંદરોના નિર્માણ અને હયાત મત્સ્યકેન્દ્રોના વિકાસ માટે રૂ. 640 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાગરખેડૂતોએ ડીઝલ VAT પર રાહત આપવામાં આવી છે અને પેટ્રોલ પર સહાય આપવા માટે રૂ. 453 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

    પ્રવાસન, વાહન-વ્યવહાર માટે પણ મહત્વની જોગવાઈઓ 

    પ્રવાસનના વિકાસ માટે સરકારે રૂ. 2077 કરોડ ફાળવ્યા છે. જેમાં આઇકોનિક ટૂરિસ્ટ સ્થળોના વિકાસ માટે રૂ. 706 કરોડ અને ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટૂરિઝમ અંતર્ગત આવતાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ. 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનું અને દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત, વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે 2 હજાર નવી બસો મૂકવામાં આવશે તેમ પણ નાણામંત્રીએ ઉમેર્યું હતું.

    આ ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગને 6064 કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગને રૂ. 2165 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગને રૂ. 2538 કરોડ ફાળવવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં