વિસાવદરના (Visavadar) આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના (MLA Gopal Italia) લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા AAPના જોઇન્ટ સેક્રેટરી ધર્મેશ કાનાણી સામે મામલતદારે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયાની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે AAPના ધર્મેશ કાનાણીએ મનસુખ પાટરીયાના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ ર્ક્યું હતું. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તેમની કાનાણી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી સ્ટેમ્પ, રજીસ્ટર સાથે અન્ય જરૂરી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વિસાવદરના મામલતદાર આર.એન. ખોડભાયાએ જણાવ્યું છે કે, ગોપાલ ઇટાલિયાના લીગલ સેક્રેટરી અને AAPના પદાધિકારી ધર્મેશ કાનાણીએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગુનો આચર્યો છે. તેમણે એવું પણ કહ્યું કે આરોપીઓએ કોર્ટના જામીન માટે જરૂરી સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે બેન્કના દસ્તાવેજોમાં છેડછાડ કરીને નકલી દસ્તાવેજો કચેરીમાં રજૂ કર્યા હતા.
7 હજારમાં કર્યો ખોટા સર્ટિફિકેટનો સોદો
અધિકારીએ કેસ વિશે માહિતી આપતાં કહ્યું કે મનસુખ પાટરીયા નામની વ્યક્તિને કોર્ટમાં જામીન માટે ₹75 હજારના સોલવન્સી સર્ટિફિકેટની જરૂર હતી. જોકે, તેની મિલકત પર યુનિયન બેન્કની ₹3,36,997ની લૉન ચાલી રહી હતી. આ લૉનની રકમ બાદ કરતાં તેની મિલકતની કિંમત માત્ર ₹64,730 રહેતી હતી, જે ₹75 હજારના સર્ટિફિકેટ માટે અપૂરતી હતી. આ બધી બાબતોને જોઈને કાયદેસર રીતે સર્ટિફિકેટ નીકળી શકે તેમ ન હતું. જે બાદ આરોપ છે કે, મનસુખ પાટરીયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો અને ₹7 હજારમાં ખોટી રીતે સર્ટિફિકેટ કાઢી આપવાનો સોદો કરવામાં આવ્યો હતો.
વધુ જાણકારી અનુસર, ધર્મેશ કાનાણીએ યુનિયન બેન્કનના સર્ટિફિકેટમાં છેડછાડ કરી અને ₹3,36,997ની રકમમાંથી આગળનો ‘3’નો આંકડો દૂર કરીને માત્ર ₹36,997ની રકમ કરી દીધી. ત્યારબાદ આ નકલી બેન્ક સર્ટિફિકેટના આધારે ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને ખોટું સોગંદનાનું પણ તૈયાર કર્યું. આ તમામ બોગસ દસ્તાવેજો અને ખોટું સોગંદનામું સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હતું.
દસ્તાવેજોની ચકાસણી દરમિયાન સામે આવ્યું કૌભાંડ
મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અધિકારીઓને આ બોગસ દસ્તાવેજો પર શંકા ગઈ હતી. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. અન્ય અધિકારીઓએ આ ઘટનાની જાણ મામલતદારને કરી હતી અને ત્યારબાદ મામલતદાર અને એક્ઝિક્યુટિન મેજિસ્ટ્રેટે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
SOGએ આ મામલે ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયા વિરુદ્ધ IPCની કલમ 465 (ખોટા દસ્તાવેજો બનાવવા), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગમાં લેવા), 193 (ખોટા પુરાવા આપવા), 196 (ખોટા પુરાવાનો ઉપયોગ કરવો) અને 511 (ગુનાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, ધરપકડ કરાયેલો મુખ્ય આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છે અને જૂનાગઢ જિલ્લામાં AAPના લીગલ સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે. ગોપાલ ઈટાલિયાના તમામ લીગલ દસ્તાવેજોનું કામ પણ તે જ કરે છે. તે સિવાય વિસાવદર ચૂંટણીમાં પણ તેણે ગોપાલના PA તરીકે કામ કર્યું હતું અને તમામ દસ્તાવેજો પણ તેની ઑફિસમાં જ ટાઈપ થતા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ મામલે ગોપાલ ઈટાલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળતાં જ રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.


