કેનેડામાં રહીને નેટવર્ક ચલાવતા અને ભારતમાં વૉન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બરાડે (Goldy Brar) અભિનેતા સલમાન ખાનને (Salman Khan) મારી નાંખવાની ધમકી આપી છે. તેણે કહ્યું કે, સલમાન તેની ગેંગના ટાર્ગેટ કર છે અને તેઓ ચોક્કસથી તેને મારી નાંખશે.
ગોલ્ડીએ ‘ઇન્ડિયા ટૂડે’ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેણે કહ્યું કે, “અમે પહેલાં પણ કહ્યું છે કે, વાત માત્ર સલમાન ખાનની નથી. અમે જીવિત છીએ ત્યાં સુધી અમારા દુશ્મનો સામે લડતા રહીશું. સલમાન ખાન અમારા નિશાન પર છે, તેમાં કોઈ શંકા નથી. અમે પ્રયત્નો ચાલુ રાખીશું અને જ્યારે અમે સફળ થઈએ ત્યારે તમને ખબર પડી જ જશે.”
#EXCLUSIVE | Gangster #GoldyBrar's open threat to Salman Khan; man running India's biggest gang network speaks to India Today's @arvindojha. Here's the detailed report. #5ivLive with @nabilajamal_ – https://t.co/pEYfdF77O1 pic.twitter.com/dF0V2Bnnnq
— IndiaToday (@IndiaToday) June 26, 2023
ગોલ્ડી ઇન્ટરવ્યૂમાં લૉરેન્સ બિશ્નોઈ અને તેના એક ચર્ચિત ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, “અમે ચોક્કસથી તેને (સલમાન ખાનને) મારીશું. ભાઈ સાહેબે (લૉરેન્સ) તેને માફી માંગવા માટે કહ્યું હતું, પરંતુ તેણે નથી માંગી. બાબાની દયા હશે તો તેને ચોક્કસથી મારીશું.” ઉલ્લેખનીય છે કે આ પહેલાં લૉરેન્સ બિશ્નોઇએ એક ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સલમાન ખાનને મારવું જ તેના જીવનનું લક્ષ્ય છે અને તે મારીને રહેશે.
ગોલ્ડી બરાડ ઉર્ફ સતવિન્દર સિંઘ હાલ કેનેડામાં રહે છે અને ભારતમાં તે વૉન્ટેડ છે. ઇન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. એટલું જ નહીં, તે કેનેડા પોલીસના વૉન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે અને તેના માથે દોઢ કરોડનું ઇનામ રાખવામાં આવ્યું છે. જોકે, તેમ છતાં તે હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો છે. ગત વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની થયેલી હત્યામાં પણ ગોલ્ડીનું નામ સામે આવ્યું હતું.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે ગોલ્ડી બરાડ અને લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને ધમકી આપી હોય. આ પહેલાં આ બંને અનેક વખત સલમાનને ધમકી આપી ચૂક્યા છે. આ સિલસિલો છેક 1998થી ચાલતો આવે છે, જ્યારે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. નોંધવું જોઈએ કે આ પ્રાણીને બિશ્નોઇ સમાજ અત્યંત પવિત માને છે. જેને લઈને લૉરેન્સ બદલો લેવા માટે સલમાન ખાનને મારવા માંગે છે. જ્યારે ગોલ્ડી બરાડ એ લૉરેન્સનો ખાસ માણસ છે. લૉરેન્સ બિશ્નોઇ હાલ ભારતની જેલમાં બંધ છે અને અનેક કેસમાં સજા કાપી રહ્યો છે.