Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલેખિકા ગીતાંજલિ શ્રી વિરુદ્ધ ફરિયાદ: નવલકથામાં ભગવાન શિવ-માતા પાર્વતી વિશે વાંધાજનક ટિપ્પણી...

    લેખિકા ગીતાંજલિ શ્રી વિરુદ્ધ ફરિયાદ: નવલકથામાં ભગવાન શિવ-માતા પાર્વતી વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ, સન્માનમાં આયોજિત કાર્યક્રમ રદ

    ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કહ્યું છે કે તેઓ પુસ્તક વાંચીને એફઆઈઆર દાખલ કરવા અંગે નિર્ણય કરશે.

    - Advertisement -

    આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ વિજેતા ગીતાંજલિ શ્રીને સન્માનિત કરવા માટે આગ્રામાં યોજાયેલ એક કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. ગીતાંજલિ શ્રી લિખિત એક નવલકથાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફરિયાદ ઉત્તરપ્રદેશમાં નોંધાઈ છે જેમાં પુસ્તક પર હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની જાણકારી આપી હતી. શનિવારે એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે યુપીમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કહ્યું છે કે તેઓ પુસ્તક વાંચીને એફઆઈઆર દાખલ કરવા અંગે નિર્ણય કરશે. આયોજકો અનુસાર, ગીતાંજલિ શ્રીએ તેમને કહ્યું છે કે તેઓ આ વાતને લઈને વ્યથિત છે અને હાલ કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માંગતાં નથી. આ કાર્યક્રમ આગ્રા થીએટર ક્લબ અને રંગીલા નામના સાંસ્કૃતિક સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. 

    આ અંગે લેખિકા ગીતાંજલી શ્રીનું કહેવું છે કે, તેમની નવલકથાને બળજબરીથી રાજકીય વિવાદમાં ઘસડવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે તેમના પુસ્તકમાં ટાંકવામાં આવેલ સંદર્ભ ભારતીય પૌરાણિક કથાઓના અભિન્ન અંગો છે.

    - Advertisement -

    પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશના હાથર્સમાં સંદીપ કુમાર પાઠક નામના એક વ્યક્તિએ ગીતાંજલિ શ્રી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ગીતાંજલિએ પોતાની નવલકથામાં ભગવાન શિવ અને માતા પાર્વતી અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે હિંદુ આસ્થાને ઠેસ પહોંચી હોવાનું કહીને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. 

    ફરિયાદમાં સામાજિક કાર્યકર્તા સંદીપ પાઠકે જણાવ્યું છે કે, ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેત સમાધિ’ના 222મા પાનાં પર લેખિકાએ ભગવાન શિવ અને માતા પાર્વતી વિશે કરેલી ટિપ્પણીઓ અત્યંત અશ્લીલ અને વાંધાજનક છે. જેનાથી અરજદાર સહિત હિંદુ સમાજના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેથી નવલકથાની લેખિકા અને પ્રકાશક બંને વિરુદ્ધ FIR દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.

    આ ઉપરાંત, તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના પોલીસ વડાને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને લેખિકા અને પ્રકાશક સામે FIR દાખલ કરવા માટે  અપીલ કરી હતી.

    ભારતીય મૂળનાં લેખિકા ગીતાંજલિ શ્રીની હીન્દી નવલકથા ‘રેત સમાધિ’ને તાજેતરમાં જ 2022ની આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળી છે. ‘રેત સમાધિ’નો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. જેનું શીર્ષક ‘Tomb of Sand’ છે. જે ડેજી રૉકવેલે કર્યો છે. કહેવાય છે કે આ નવલકથા ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં