Thursday, April 25, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના 'યુનાઇટેડ-વે'ના ગરબામાં ખેલૈયાઓએ બતાવી યુનિટી: પાસના ભાવ ફાંકડા પણ તોય પગમાં...

    વડોદરાના ‘યુનાઇટેડ-વે’ના ગરબામાં ખેલૈયાઓએ બતાવી યુનિટી: પાસના ભાવ ફાંકડા પણ તોય પગમાં વાગ્યા કાંકરા! – જાણીએ સંપૂર્ણ ઘટના

    અતુલ પુરોહિતે હોબાળો શરૂ થતા જ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, 'પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું.'

    - Advertisement -

    ગુજરાતના વડોદરામાં યોજાનાર યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા કાર્યક્રમમાં સતત બીજા દિવસે હોબાળો થયો હતો અને કારણ હતું એ જ, મેદાન પરના કાંકરા પથ્થરો. મંગળવારે (28 સપ્ટેમ્બરે) ત્યાંના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે ખેલૈયાઓને કાંકરા વાગ્યા હતા. બીજા દિવસે ‘પથ્થર-પથ્થર’ની બૂમોથી હોબાળો થતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા.

    વડોદરાના જાણીતા યુનાઇટેડ ગરબાની શરૂઆત આ વર્ષે વિવાદથી ભારે હોબાળો થયો હતો. યુનાઇટેડ વેના ગરબામાં અણઘડ આયોજન ખુલ્લું પડ્યું હતું. સતત બીજા દિવસે કાંકરા વાગતાં ખેલૈયા ઉશ્કેરાયા હતા. હોબાળાને પગલે ઇન્ટરવલ બાદ ગરબા બંધ કરવા પડ્યા હતા. ગરબા બંધ કરી ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં જ વિરોધ કર્યો હતો. આ વિરોધને પગલે ગરબા ગાયક અતુલ પુરોહિતનાં માથે પથ્થર વાગ્યો હતો. ત્યારે અતુલ પુરોહિતે નારાજ ખેલૈયાઓને ખાતરી આપી હતી કે, ‘હવે જો આવતીકાલથી કાંકરા હશે તો ગરબા નહીં ગાઉં.’

    ગાયક અતુલ પુરોહિતને પથ્થર વાગતા પોલીસ બોલાવાઇ

    આ બધા હોબાળા વચ્ચે કથિત રીતે ગાયક અતુલ પુરોહિતને માથાના ભાગમાં પથ્થર વાગ્યો હતો, જે બાદ આયોજકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    અતુલ પુરોહિતે હોબાળો શરૂ થતા જ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, ‘પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું.’

    પોલીસે ખેલૈયાઓને કહ્યું કે તેમની વાત જરૂર સાંભળવામાં આવશે

    આયોજકો દ્વારા પોલીસનો સંપર્ક કરતા માંજલપુર પોલીસ સ્ટેશનના PI પોતાના કાફલા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા.

    માંજલપુર પોલીસ અધિકારીએ ખેલૈયાઓને શાંતિ રાખવા કહ્યું હતું અને સાથે જોડ્યું હતું કે કોઈને પણ કાંઈ પણ ફરિયાદ કરવી હોયુ તો તેઓ માંજલપુર પોલીસ સ્ટેશન આવીને લેખિતમાં જરૂર કરી શકે છે.

    પહેલા દિવસે પણ વાગ્યા હતા પથ્થર

    નવરાત્રીના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં આવેલ ખેલૈયાઓએ મેદાનમાં કાંકરી વાગતા હોવાની ફરિયાદ કરી હતી, અને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના બાદ બીજા દિવસે મેદાનમાંથી પથ્થર ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સતત બીજા દિવસે પણ પરિસ્થિતિ ના સુધારતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા.

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં એક ખેલૈયાએ જણાવ્યું હતું કે પહેલા દિવસે વિરોધ થયા બાદ મેદાનની સફાઈ કરવામાં આવી હોય એવું લાગતું તો હતું પરંતુ તેમ છતાં પણ તેઓ જયારે બીજા દિવસે મેદાનમાં પ્રવેશ્યા ત્યારે પથ્થરની સમસ્યા ઠેરને ઠેર હતી.

    બીજા એક ખેલૈયાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે સફાઈ માત્ર સ્ટેજની નજીકમાં જ કરવામાં આવી હતી. જેમ જેમ સ્ટેજની દૂર જઈએ તેમ તેમ મેદાનમાં પથ્થરોનું પ્રમાણ ઘટતું જતું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે યુનાઇટેડ વે માં પહેલાં ત્રણ તાળીના ગરબા રમતાં હોય છે પછી આરતી થતી હોય છે અને પછી બે તાળીના ગરબા થતાં હોય છે ગઈ રાત્રીએ ત્રણ તાળીના ગરબા દરમ્યાન કાંકરા બધાંને વાગતાં ખેલૈયાઓએ સામુહિક રીતે બે તાળીના ગરબાનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. આથી જેવા બે તાળીના ગરબા શરુ થતાં જ મોટાભાગના ખેલૈયાઓ જમીન પર બેસી ગયા હતાં અને જે લોકોએ ગરબા ગાવાના શરુ કર્યા એમને પણ એમ કરવા સમજાવ્યા હતાં.

    ગ્રાહક કોર્ટમાં નોંધાઈ ફરિયાદ

    શહેરના આર.વી.દેસાઇ રોડ પર સાધના કોલોનીમાં રહેતા વકીલ વિરાટસિંહ શિવરાજસિંહ વાઘેલાએ ગ્રાહક કોર્ટમાં યુનાઇટેડ વે ઓફ વડોદરાના બોર્ડ ઓફ ગવર્ન્સ, ચેરમેન અમિત ગોરડિયા, વાઇસ ચેરમેન સિવેન્દરસિંહ ચાવલા તથા ખજાનચી રાકેશ અગ્રવાલ સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

    યુનાઇટેડ વે ગરબાના પાસની કિંમત

    વાઘેલાએ ફરિયાદમાં હતું કે, “યુનાઇટેડ વે સંસ્થાએ કલાલી ખાતે ગ્રાઉન્ડ ભાડે લીધું છે. ખેલૈયાઓ પાસેથી ડોનેશનના નામે પાસ ઇશ્યૂ કરી ખેલૈયા દીઠ 4800થી વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે.”

    તેમણે વધુમાં જણાવ્યુ કે, “અહીંનો પાસ મેં ઓનલાઇન લીધો હતો. હું પહેલા નોરતે રમવા ગયો હતો. મને તથા અન્ય ખેલૈયાઓને ગરબા રમતા સમયે પગમાં પથ્થર વાગ્યા હતા. જેની જાણ અમે ગરબાના વહીવટકર્તાઓને કરી પરંતુ, તેઓ કહ્યુ કે, તમારે થોડા દિવસ રાહ જોવી પડશે. જો રાહ જોવી ના હોય તો વધુ રૂપિયાની વ્યવસ્થા કરી આપો તો ગ્રાઉન્ડ વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરી શકાય.”

    નોંધનીય છે કે આ કેસ અંતર્ગત ગ્રાહક કોર્ટે ઉપરોક્ત તમામને નામજોગ નોટીશ ઇસ્યુ કરી છે. હવે જોવાનું એ રહે છે કે આજે નવરાત્રીના ત્રીજા દિવસે ત્યાં સ્થિતિ સુધરે છે કે પછી ખેલૈયાઓએ ફરીથી હેરાન થવું પડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં