Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશે ગરબા, નાના વેપારીઓ પણ કરી શકશે...

    ‘નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશે ગરબા, નાના વેપારીઓ પણ કરી શકશે સારો ધંધો’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત, કહ્યું- મન મૂકીને કરો માતાજીની ભક્તિ

    હર્ષ સંઘવીએ કહ્યું કે, "મોડી રાત સુધી ગરબા થઈ શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તમે પણ જવાબદાર નાગરિક તરીકેની તમારી ફરજ અદા કરશો તેવો મને વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને નવરાત્રિની શુભકામનાઓ."

    - Advertisement -

    નવરાત્રિનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ દેશભરમાં નવરાત્રિનો પ્રારંભ થશે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. ખેલૈયાઓ મન મૂકીને માતાની આરાધના કરવા માટે આતુર જોવા મળતા હોય છે. ત્યારે હવે આ વખતે પણ રાજ્ય સરકાર તરફથી નવરાત્રિને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે અને માતાની આરાધના કરી શકશે. આ માટે પોલીસ વિભાગને પણ સૂચના આપી દેવાઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે જ નાના અને મધ્યમવર્ગના વેપારીઓ પણ મોડી રાત સુધી ધંધો કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો જારી કરીને નવરાત્રિને લઈને ખેલૈયાઓ તથા સૌ માઈભક્તોને સારા સમાચાર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ ‘જય અંબે’ના જયકારા સાથે નિવેદનની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રિનો પાવન અવસર આવી રહ્યો છે. મા અંબાની શક્તિ અને ભક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

    તેમણે જણાવ્યું કે, “દર વર્ષે ખેલૈયાઓ મોડી સુધી ગરબે ઘૂમી શકે અને નાના તથા મધ્યમવર્ગના વેપારીઓ પણ ધંધો કરી શકે તે માટેની ચિંતા સરકાર તરફથી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ બધા જ વેપારીઓનો ધંધો ચાલી શકે અને મોડી રાત સુધી ગરબા રમી શકાય તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે.” તેમણે કહ્યું કે, કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ મનાવી શકે તે માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ આયોજકોને પણ સુચારું આયોજન કરવા માટેની અપીલ કરવામાં આવી છે.

    - Advertisement -

    હર્ષ સંઘવીએ નવરાત્રિ અને ગરબાના આયોજકોને પણ વિનંતી કરી હતી કે, તેઓ પણ આ ઉત્સવને ધ્યાને લઈને તમામ બાબતોનું ધ્યાન રાખે. તેમણે કહ્યું કે, મ્યુઝિક સિસ્ટમથી આસપાસના કોઈ વ્યક્તિ કે હોસ્પિટલના દર્દીઓ હેરાન ન થાય તે રીતે આયોજન કરવું. ઉપરાંત તેમણે ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે, “મોડી રાત સુધી ગરબા થઈ શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તમે પણ જવાબદાર નાગરિક તરીકેની તમારી ફરજ અદા કરશો તેવો મને વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને નવરાત્રિની શુભકામનાઓ. નવરાત્રિમાં દિલ મૂકીને મા અંબેની ભક્તિ કરો તેવી શુભેચ્છાઓ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં