Friday, October 4, 2024
More
    હોમપેજદેશફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે, જયપુરમાં PM મોદી સાથે કરશે બેઠક:...

    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે, જયપુરમાં PM મોદી સાથે કરશે બેઠક: પ્રજાસત્તાક દિનની ઉજવણીના છે મુખ્ય અતિથિ

    આ વર્ષે PM નરેન્દ્ર મોદીએ પણ ફ્રાંસની બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ લીજન ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા.

    - Advertisement -

    ભારતના 75માં પ્રજાસત્તાક દિવસે આ વખતે મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર રહેવાના છે. કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ગુરુવાર (25 જાન્યુઆરી 2024)ના રોજ બપોરે રાજસ્થાનના જયપુર શહેરમાં પહોંચશે. જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમેર કિલ્લામાં જશે, ત્યાંથી હવા મહેલ અને જંતર મંતરની મુલાકાત લેશે. બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે.

    26 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલાં 75માં પ્રજાસત્તાક દિનમાં ભાગ લેવા ભારત સરકાર દ્વારા આ વખતે ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો સહર્ષ સ્વીકાર કરતા ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં ભાગ લેવા આજે ભારત આવશે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન બપોરે 2:30 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે, જે પછી તેઓ ત્યાં જયપુરમાં જ રોકાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5:30 વાગ્યે તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને દેશના વડાઓ જંતર-મંતર, હવા મહેલ જેવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. અહેવાલો પ્રમાણે PM મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનનો જયપુરમાં ખાસ રોડ શો પણ થવાનો છે. બંને દેશના નેતાઓ વચ્ચે સાંજે 7:15 કલાકે દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં સંરક્ષણ, વેપાર, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા વગેરે પર ચર્ચા થશે. 

    દ્વિપક્ષીય બેઠક પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રાત્રે 8:50 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. જેના બીજા દિવસે સવારે તેઓ ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાના છે. આ સાથે ફ્રાંસ સેનાની એક ટુકડી પણ ભારતીય જવાનો સાથે પરેડમાં ભાગ લેશે. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાંસ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લીધા બાદ તેઓ શુક્રવારે રાત્રે 10:05 કલાકે દિલ્હીથી પેરિસ જવા રવાના થશે.

    - Advertisement -

    આ વર્ષે 75માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં  ભારતીય વાયુસેનાના 51 વિમાન કર્તવ્યપથ ઉપરથી ફ્લાયપાસ્ટ કરવા જઈ રહ્યા છે. મહત્વનું એ છે કે, પરેડ દરમિયાન વાયુ સેનાની માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરવાની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર રશ્મિ ઠાકુર, સુમિતા યાદવ જેવી મહિલા અધિકારીઓ માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસ પર વાયુસેનાની માર્ચિંગ ટુકડીમાં 144 જેટલા વાયુ સેનાના જવાનો ભાગ લેવાના છે.

    ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા વર્ષ 1976થી લઇ અત્યાર સુધી કુલ પાંચ વાર ફ્રાંસના રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિન માટે આમંત્રણ અપાયું છે. આ વર્ષે PM નરેન્દ્ર મોદીએ પણ ફ્રાંસની બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પરેડમાં ભાગ લેનારા તેઓ બીજા ભારતીય વડાપ્રધાન હતા. આ ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ લીજન ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા. આ ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન છે. આ સાથે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય પીએમ બની ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં