ફ્રાંસની રાજધાની પેરિસમાં મંગળવારે (31 ઓક્ટોબર, 2023)ના રોજ એક એવી ઘટના નોંધાઈ છે, જેમાં પોલીસે નિયંત્રણ મેળવવા માટે ગોળી ચલાવવી પડી હતી. ઘટના એવી હતી કે મંગળવારે (31 ઓક્ટોબરે) પેરિસની એક મેટ્રોમાં ભરચક ગિરદી હતી અને તેવા સમયે મેટ્રોમાં સવાર એક બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાએ બોમ્બ બ્લાસ્ટમાં પોતાને ઉડાવી દેવાની ધમકી આપી અને ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને મેટ્રોમાં ખળભળાટ મચી ગયો. આ ઘટના બાદ ફ્રાંસ પોલીસે તે મુસ્લિમ મહિલાને કાબુમાં લેવા માટે ગોળી ચલાવી દીધી હતી. આ ગોળીથી મહિલા ઘાયલ થઈ ગઈ. પોલીસે ધરપકડ કર્યા બાદ તપાસ કરતાં તેની પાસે કોઈ વિસ્ફોટક ન હોવાનું જાણવા મળ્યું હતું.
અહેવાલો અનુસાર, કટ્ટરપંથી મુસ્લિમ મહિલા પેરિસની મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમામ મુસાફરોની સામે ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવવા માંડી હતી. તે બાદ તેણે આખી મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેના શબ્દોથી ગભરાઈને એક યાત્રીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
French police on Tuesday shot and seriously wounded an unarmed woman who was making threats at a train station in Paris during morning rush hour, police and prosecutors told told AFP.
— AFP News Agency (@AFP) October 31, 2023
➡️ https://t.co/6yzMN65Qck pic.twitter.com/v6ok5MDKyI
જે બાદ ફ્રાંસ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને પહેલાં મેટ્રો સ્ટેશનને ખાલી કરાવ્યું અને પછી મુસ્લિમ મહિલાને પકડવા માટે તેને બિબ્લિયોથેક ફ્રેન્કોઈસ મિટરરેન્ડ સ્ટેશન પર ગોળી મારી દીધી.
પોલીસની ગોળીથી ઘાયલ થઈ કટ્ટરપંથી મહિલા
પેરિસના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાએ પોલીસની સૂચનાઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો અને તે પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહી હતી. તેને રોકવા માટે પોલીસે તેના પર ગોળી ચલાવવાની ફરજ પડી હતી, જે તેના પેટમાં વાગી હતી. BBCના અહેવાલ મુજબ પેટમાં ગોળી વાગ્યા બાદ તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા પાસેથી કોઈ વિસ્ફોટક કે અન્ય ઘાતક હથિયારો મળ્યા નથી. હવે પોલીસ એ પણ તપાસ કરશે કે શું મહિલાને ગોળી માર્યા વગર પકડી શકાઈ હોત?
ઈસ્લામિક આતંકીએ શિક્ષકની કરી હતી હત્યા
નોંધનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે ફ્રાન્સમાં 13 ઓક્ટોબરથી સુરક્ષાનું હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરે મોહમ્મદ મોગુચકોવ નામના આતંકવાદીએ ડોમિનિક બર્નાર્ડ નામના શિક્ષકની હત્યા કરી હતી. અર્રાસની ગેમ્બેટા-કાર્નોટ સ્કૂલની બહાર તેમની હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાએ ફ્રાન્સમાં સુરક્ષાની ચિંતા વધારી દીધી છે. પોલીસ વિભાગે કહ્યું છે કે તે આ ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ ફ્રાન્સમાં આતંકવાદના જોખમની પણ યાદ અપાવી છે. ફ્રાન્સમાં ભૂતકાળમાં અનેક આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે.